બ્લૉકચેઇન જેવી ટેક્નૉલૉજીથી વર્ષે ૧૦૦ અબજ ડૉલરની બચત શક્ય

18 May, 2023 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૧૪ પૉઇન્ટ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

પરંપરાગત નાણાકીય ક્ષેત્રે જો ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નૉલૉજી (ડીએલટી)નો ઉપયોગ કરવામાં આવે તો વર્ષે દહાડે આશરે ૧૦૦ અબજ ડૉલરની બચત થઈ શકે છે, એમ ગ્લોબલ ફાઇનૅન્શિયલ માર્કેટ્સ અસોસિએશનના અહેવાલમાં જણાવાયું છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ તથા અન્યો સાથે મળીને તૈયાર કરવામાં આવેલા ઉક્ત સંગઠનના નવીનતમ અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પરંપરાગત નાણાકીય સંસ્થાઓ તથા નિયમનકારોએ આ નવી ટેક્નૉલૉજીના ફાયદા વિશે વધુ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. નોંધનીય છે કે બ્લૉકચેઇન એ ડીએલટીનો જ એક ભાગ છે. દરમ્યાન યુનાઇટેડ કિંગડમની નાણાં ખાતાની સમિતિએ ક્રિપ્ટોકરન્સીના નિયમન સંબંધનો પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સમર્થન વગરની ક્રિપ્ટો ઍસેટ્સને નાણાકીય સિક્યૉરિટી નહીં, પરંતુ જુગાર ગણવામાં આવવી જોઈએ. અગાઉ ૩.૦ વર્ષે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૩૦ ટકા (૧૧૪ પૉઇન્ટ) ઘટીને ૩૭,૪૫૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૭,૫૬૫ ખૂલીને ૩૭,૭૪૫ની ઉપલી અને ૩૭,૩૪૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

business news commodity market crypto currency