જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની તત્કાળ રચના કરવાની જરૂર

02 December, 2022 06:26 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

જીએસટી હેઠળ કરદાતાઓને અને પ્રોફેશનલ્સને નડતી સમસ્યાઓ બાબતે આપણે વાત કરી રહ્યા છીએ. જીએસટી હેઠળ સુધારિત રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જીએસટી હેઠળ કરદાતાઓને અને પ્રોફેશનલ્સને નડતી સમસ્યાઓ બાબતે આપણે વાત કરી રહ્યા છીએ. જીએસટી હેઠળ સુધારિત રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી. આઇટીસીનો તાળો નહીં મળવાનો પ્રશ્ન, વિલંબિત ચુકવણી પરનું વ્યાજ અને ઈ-ઇન્વૉઇસ અને ઈ-વે બિલ જનરેટ કરવામાં કામ બેવડાય છે એ મુદ્દાઓની આપણે ગયા વખતે વાત કરી. આજે કેટલાક વધુ મુદ્દાની ચર્ચા કરીએ...

૧. ઈ-વે બિલમાં જરાક ત્રુટિ હોય તોપણ ઘણો મોટો દંડ થાય છે

સીજીએસટી ઍક્ટની કલમ ૧૨૯ હેઠળ નિયમભંગ બદલ ઘણો મોટો દંડ કરવામાં આવે છે. ઈ-વે બિલમાં જરાક અમથી ત્રુટિ હોવાની સ્થિતિમાં પણ દંડ કરવામાં આવે છે. ૨૦૧૮ની ૧૪ સપ્ટેમ્બરે પરિપત્રક ક્રમાંક ૬૪/૩૮/૨૦૧૮-જીએસટી મુજબ દરેક ભૂલ કે ત્રુટિ બદલ ૧૦૦૦ રૂપિયા (૫૦૦ રૂપિયા સીજીએસટીના અને ૫૦૦ રૂપિયા એસજીએસટીના)નો દંડ કરવામાં આવે છે. જોકે એમાં બધી ભૂલોને આવરી લેવાઈ નથી.

આ બાબતે મારું માનવું છે કે ઉક્ત પરિપત્રકનો વ્યાપ વધારી દેવાની જરૂર છે.

૨) કમ્પોઝિશન કરદાતાઓ માટે સીએમપી-૦૮/જીએસટીઆર-૪માં ભરાયેલા જીએસટી રિટર્ન અને ફૉર્મ જીએસટીઆર-૧૦માં ભરાયેલા છેલ્લા રિટર્ન માટેની લેટ ફીમાં ઘટાડો/ફીની માફી
સરકારે જીએસટીઆર-૩બી ફૉર્મમાં માસિક સમરી રિટર્ન ભરવા માટેની લેટ ફીમાં ઘટાડો કરવા માટે ઍમ્નેસ્ટી સ્કીમ લાગુ કરી છે. કમ્પોઝિશન કરદાતાઓએ સીએમપી-૦૮માં જીએસટી રિટર્ન અને જીએસટીઆર-૪માં વાર્ષિક રિટર્ન ભરવાનું હોય છે. રજિસ્ટર્ડ પર્સને જાતે કરેલા અથવા કરવેરાના સત્તાવાળાઓના કહેવાથી થયેલા જીએસટી રજિસ્ટ્રેશનના કૅન્સલેશન બાદ જીએસટીઆર-૧૦માં છેલ્લું રિટર્ન ભરવાનું હોય છે. આવા કેસ ઍમ્નેસ્ટી સ્કીમમાં આવરી લેવાયા નથી અને એને લીધે કરદાતાઓને અન્યાય થાય છે. છેલ્લા રિટર્ન માટેની લેટ ફી ઘણી વધારે હોય છે. 

આ સંબંધે મારું માનવું છે કે છેલ્લું રિટર્ન ભરવાને લગતી લેટ ફીમાં મોટો ઘટાડો કરવો જોઈએ, કારણ કે બિઝનેસ બરાબર ચાલતો ન હોય તો જ માણસે જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવ્યું હોય છે. 

૩) જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની ગેરહાજરીમાં અપીલની સુનાવણી થતી નથી અપીલની સુનાવણી થાય એ કરદાતાનો મૂળભૂત અધિકાર હોય છે. આમ છતાં, હજી સુધી જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની રચના થઈ નથી, એને લીધે ઘણા કેસ અટકી પડ્યા છે અને બિઝનેસોનાં નાણાં/વર્કિંગ કૅપિટલ અટવાઈ ગયાં છે.

મારા અભિપ્રાય મુજબ જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની તત્કાળ રચના કરવામાં આવવી જોઈએ અને તમામ અનિર્ણીત કેસમાં ચુકાદો આવવો જોઈએ. ન્યાયમાં વિલંબ થાય એ ન્યાય નકારવા સમાન જ કહેવાય છે. આથી એવું થવું જોઈએ નહીં.

૪) વાર્ષિક રિટર્નના ફૉર્મમાં તથા રેકન્સિલિએશનમાં સમસ્યા

વાર્ષિક રિટર્ન ભરવા માટેના હાલ ઉપલબ્ધ ફૉર્મમાં કરવેરાની ગણતરીની સુવિધા આપવામાં આવી નથી. આથી ઘણા કરદાતાઓને આ ફૉર્મ ભરવામાં તકલીફ પડે છે. ફૉર્મ ડીઆરસી-૦૩ મારફતે સ્વૈચ્છિકપણે ચૂકવવામાં આવેલા કરવેરાને વાર્ષિક રિટર્ન સાથે સાંકળવામાં આવ્યા નથી. ખરું પૂછો તો, વાર્ષિક રિટર્ન કરવેરાના અધિકારીઓ માટે પણ ઘણાં મહત્ત્વનાં હોય છે, કારણ કે તેઓ એના દ્વારા તપાસી શકે છે કે બિઝનેસ એન્ટિટી/કરદાતાએ લાગુ પડતા કરવેરા ચૂકવ્યા છે કે કેમ. હાલના વાર્ષિક રિટર્નના ફૉર્મમાં ખામીઓ છે. 
આ બાબતે મારું કહેવું છે કે વાર્ષિક રિટર્નનું નવું અને તાર્કિક ફૉર્મ લાવવું જોઈએ, જેમાં કરવેરાની ગણતરી સામેલ હોવી જોઈએ. અગાઉના મહારાષ્ટ્રના વેટ (વૅલ્યુ એડેડ ટૅક્સ) તંત્રમાં એમવેટ ઑડિટ ફૉર્મ ઈ-૭૦૪માં એવી વ્યવસ્થા હતી. 

આ વિષયે હજી કેટલાક મુદ્દાઓ બાકી રહી જાય છે, જેના વિશે આવતા વખતે વાત કરીશું.

business news goods and services tax