✕

સેકન્ડરી માર્કેટની અનિશ્ચિત ચાલને કારણે રોકાણકારોનો પ્રવાહ પ્રાઇમરી માર્કેટ તરફ

28 September, 2026 07:36 AM IST  |  Mumbai | Jayesh Chitalia

એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટ અને તનાવ બન્ને ચાલુ છે ત્યારે બીજી તરફ ભારતીય શૅરબજારમાં કરેક્શન અને રિકવરી સાથે-સાથે ચાલી રહ્યાં છે, જ્યારે પ્રાઇમરી (નવા ઇશ્યુઝની) માર્કેટ પુરજોશમાં ચાલી છે. પરિણામે હાલ તો રોકાણકાર વર્ગનું મહત્તમ ધ્યાન IPO પર છે

પ્રતીકાત્મક તસવીર

વર્તમાન સમય-સંજોગોમાં મજાની વાત એ છે કે બજારના કડાકા-કરેક્શન વચ્ચે પણ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની કતાર ચાલુ છે અને એમાં રોકાણપ્રવાહ પણ. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) બાદ આ સપ્તાહમાં ૨૦ IPO ખુલ્યાં છે જેમાં ૧૩ સ્મૉલ-મિડિયમ એન્ટરપ્રાઇઝીસ કંપનીઓ (SME) અને ૭ મેઇન બોર્ડ IPOનો સમાવેશ થાય છે. આગલા સપ્તાહમાં ૧૧ IPO ખુલ્યાં હતાં અને બજારમાંથી ૨૪,૫૦૦ કરોડનું ભંડોળ ઊભું કરી ગયાં હતાં. હવેના ૨૦ ઇશ્યુઝ ૪૦૦૦ કરોડથી વધુ રૂપિયાનું ફન્ડ મેળવવા માગે છે. આ સપ્તાહમાં ૧૪ કંપનીઓના લિસ્ટિંગ પણ નોંધાયા છે. આમ બજારમાં નવા સ્ટૉક્સ આવતા જાય છે જેમાં ટૂંકા ગાળાની ચાલ જે પણ જોવા મળે એને ફાઇનલ માની લેવી જોઈએ નહીં, જે-તે કંપનીનાં ફન્ડામેન્ટલ્સ જોઈને રોકાણનો નિર્ણય લેવો જોઈએ. લિસ્ટિંગમાં ભાવ ઊંચો ખૂલે કે નીચો ખૂલે, માત્ર એ બાબત ફાઇનલ પરિબળ ન હોઈ શકે, કારણ કે લિસ્ટિંગ ગેઇન માટે રોકાણ કરતો વર્ગ મોટો થતો જાય છે. જેમ શૅરબજારમાં માત્ર ટ્રેડિંગ કરતા વર્ગને ખરા રોકાણકાર ગણી શકાય નહીં, એમ લિસ્ટિંગ ગેઇન માટે જ અરજી કરતા લોકો રોકાણકાર ગણવા કેટલું વાજબી કહેવાય? અલબત્ત, આ નિમિત્તે તેઓ માર્કેટમાં આવે છે અને માર્કેટમાં આવ્યા બાદ તેઓ રોકાણકાર બની શકે અથવા ટ્રેડર પણ બની શકે યા બન્ને પણ બની શકે. મૂળ આધાર તેમના અનુભવ બાદ નક્કી થઈ શકે.

NSE માટે આશાવાદ

દેશના નંબર-વન એક્સચેન્જ NSEના IPOની ચર્ચાનું એક પ્રકરણ પૂરું થયું છે. જોકે એ IPO  હોત તો વાત જુદી થઈ શકત, પરંતુ NSEનો IPO તરીકે જે ઑફર ચર્ચામાં રહી એ ખરેખર તો સંસ્થાકીય રોકાણકારોનાં નાણાં છુટાં કરવા માટેની ઑફર ફૉર સેલ હતી જે બજારમાં IPO તરીકે જાણીતી થઈ. વાસ્તવમાં NSEના આ ૨૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કદના ઇશ્યુમાંથી એક્સચેન્જને એક નવો પૈસો પ્રાપ્ત થયો નથી. આ ઑફરના મેઘ ગર્જયા એવા વરસ્યા નહીં. ખાસ કરીને રીટેલ-નાના રોકાણકારોએ પણ એમાં બહુ મોટેપાયે ભાગ લીધો નહીં જેને કારણે ધારણા કરતાં આ ઇશ્યુ ઓછો છલકાયો. આમ પણ ભાવતાલ જોઈ અને ગ્રે માર્કેટના ટ્રેન્ડને જોઈ રોકાણકારો મોટા ભાગના રોકાણકારો લિસ્ટિંગ ગેઇન લેવા માગતા હતા, પરંતુ અત્યારે તો એમાં પણ મોટે ભાગે અપેક્ષિત પરિણામ આવ્યું નથી. લિસ્ટિંગ ભાવે મહદઅંશે નિરાશ કર્યા છે જે ઑફર ભાવ કરતાં સાધારણ જ ઊંચો રહ્યો હતો. જોકે અમુક વર્ગ લિસ્ટિંગ બાદ શું ભાવ-તાલ રહે છે એ જોઈ આગળ વધવા માગતા હશે એવું માની શકાય. હાલ તો લિસ્ટિંગ સાધારણ ઊંચા ભાવે થયું છે, એનો અસલી તાલ હવે પછી જોવા મળશે. NSEના  શૅરને લાંબા ગાળાની દૃષ્ટિએ મુલવવો જોઈએ. હાલના ઓછા રિસ્પૉન્સના કારણમાં ભાવ ઊંચા જણાયા હોઈ શકે અને બીજું કે આ શૅર્સ સંસ્થાઓના વેચાણના હતા. બાકી એક્સચેન્જે નવા બિઝનેસ માટે નવા અને નક્કર પ્રયાસ વધારવા જોઈશે એ પણ નક્કી છે. અલબત્ત, ફન્ડામેન્ટલ્સની દૃષ્ટિએ એક્સજેન્જ કંપની તરીકે મજબૂત કહી શકાય. હાલ તો NSE લિસ્ટિંગ સાથે વિશ્વમાં ટોચની  કંપનીઓમાં સ્થાન પામ્યું છે. લાંબા ગાળા માટે આ આશાસ્પદ સ્ટૉક ગણાય છે, પણ રોકાણકારોએ ધીરજ રાખવી જોઈશે.

સેન્સેક્સનાં વિવિધ સમયનાં લેવલ

દરમ્યાન એક રસપ્રદ અભ્યાસ મુજબ સેન્સેક્સે છેલ્લે ૨૦૨૪ની ૨૬ સપ્ટેમ્બરે હાઈ લેવલ બનાવ્યું હતું અર્થાત્ છેલ્લાં બે વર્ષ રોકાણકારો માટે ધીરજનાં રહ્યાં છે. જોકે આ પહેલાં સેન્સેક્સે ૨૦૧૨માં હાઈ લેવલ હાંસલ કર્યું હતું. આમ બે સમયગાળાને જોઈ શકાય. આ સમયમાં સેન્સેક્સ ૧૩ ટકા જેટલો નીચે ગયો હોવાનું નોંધાયું છે, જ્યારે કે ૨૦૦૮ની ક્રાઇસિસ સમયે એક જ વર્ષમાં સેન્સેક્સ ૫૬ ટકા નીચે ઊતરી ગયો હતો જેની રિકવરીને ૨૦ મહિના લાગ્યા હતા. વળી ૧૯૯૪નું કરેક્શન પણ ભારે હતું જેમાં સેન્સેક્સ ૪૧ ટકા ધોવાયો હતો અને એને રિકવરીમાં ૩૧ મહિના લાગ્યા હતા અને એમાં પણ પાંચ વર્ષ વળતર વિનાના રહ્યાં હતાં. આ ઉપરાંત વર્ષ ૨૦૦૦ના બબલમાંથી રિકવર થતાં માર્કેટને આશરે ૪ વર્ષ લાગ્યાં હતાં. આવી ઘટનાઓની સાઇકૉલૉજિકલ અસર એ થાય છે કે રોકાણકારો નિરાશામાં ધકેલાઈ જાય છે, જ્યારે કે લાંબે ગાળે પોર્ટફોલિયોમાં એવી મોટી અસર થતી નથી, પરંતું દર મહિને વૃદ્ધિ નહીં દેખાતાં માનસિક અસર ચોક્કસ થાય છે એટલે જ શૅરબજાર લાંબો સમય અને ધીરજ માગી લે છે.

FII ફરી વેચવાલ

છેલ્લા અમુક મહિનાઓમાં પાંચ પખવાડિયાં બાયર્સ રહ્યા બાદ ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) સપ્ટેમ્બરના પખવાડિયામાં સેલર્સ બન્યા હોવાનું જોવાયું છે. તેમણે આશરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના શૅર્સ વેચ્યા છે. હાલના સંજોગોમાં આ ટ્રેન્ડ હજી ચાલુ રહેવાની ધારણા છે. તેમનું વધુ વેચાણ ફાઇનૅન્શિયલ સર્વિસિસ, ઑટો, ઑઇલ-ગૅસ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ અને પાવર સેક્ટરમાં રહ્યું છે. જ્યારે કે હેલ્થકૅર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં વધુ ખરીદી રહી છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફન્ડ્સના SIP માર્ગે રોકાણપ્રવાહ સતત વધતો રહ્યો છે. આ પ્રવાહ ૬ મહિનામાં ઊંચો રહ્યો છે.

કરેક્શનની શક્યતા ખરી

ગયા સોમવારે ભારતીય શૅરબજાર પૉઝિટિવ રહીને સારું રિકવર થયું હતું જેનું એક કારણ ક્રૂડની હળવાશ અને બીજું કારણ ઘટાડે ખરીદીનો ખેલ હોઈ શકે અન્યથા સંજોગો તો હજી તંગ અને અનિશ્ચિતતાના જ ગણાય. જોકે મંગળવારે ફરી આવેલા કરેક્શને સંકેતો પૉઝિટિવ નહીં હોવાનો ઇશારો કર્યો અને બુધવારે પુનઃ રિકવરી નોંધાઈ. ગુરુવારે વળી કરેક્શન જ નહીં, બલકે કડાકો બોલાયો. સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૪૦૦ પૉઇન્ટ તૂટી ૨૩,૦૦૦ નજીક પહોંચી ગયો. શુક્રવારે એની સામે સાધારણ કહી શકાય એવી રિકવરીનો તાલ જોવાયો. આમ હાલ બજારની ચાલને કળવી કઠિન હોવું સ્વાભાવિક છે. અલબત્ત, માર્કેટ માટે નેગેટિવ બની શકે એવાં પરિબળો હજી માથા પર ઊભાં કહી શકાય.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

NSEના શૅર BSE ઉપરાંત ત્રીજા શૅરબજાર મેટ્રોપૉલિટન સ્ટૉક એક્સચેન્જ પર પણ લિસ્ટેડ થયા છે. જર્મની ભારત સાથે ૮ અબજ ડૉલરની સબમરિન ડિલ કરે એવી શક્યતા આકાર પામી રહી છે.
 સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) વિદેશી વ્યક્તિગત રોકાણકારો માટે ભારતીય માર્કેટમાં પ્રવેશનો માર્ગ વધુ સરળ બનાવવા માટે સક્રિય કામ કરી રહ્યું છે. 
 SEBIએ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ને કૉમોડિટીઝ ડેરિવેટિવ્ઝમાં ભાગ લેવા વધુ છુટછાટ આપી છે. 
 અગ્રણી રિયલ એસ્ટેટ કંપની રૂણવાલ એન્ટરપ્રાઇઝીસ IPO મારફત ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનો પ્લાન ધરાવે છે. 
 જાણીતા એસેટ મૅનેજર સુનીલ સિંઘાનિયાના નેતૃત્વ હેઠળની અબાક્સ એસેટ મૅનેજર કંપનીએ IPO લાવવા માટે SEBIમાં ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઇલ કર્યા છે.

 

share market stock market national stock exchange bombay stock exchange ipo sensex nifty mutual fund investment