BSEના નામનો દુરુપયોગ કરીને સોશ્યલ મીડિયા પર કરાતી છેતરપિંડીથી રોકાણકારો ચેતે

22 May, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BSE કર્મચારીઓને સ્ટૉક/શૅરમાં કોઈ પણ વ્યવહારોની ભલામણ કરવાની /પ્રોત્સાહિત કરવાની પરવાનગી નથી.

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ એક અખબારી યાદી દ્વારા રોકાણકાર વર્ગને સાવચેત રહેવાની અપીલ કરી છે. BSEના નામનો અને એના ભૂતપૂર્વ ચૅરમૅનના નામનો દુરુપયોગ કરીને એક વૃદ્ધ વ્યક્તિ સાથે છેતરપિંડી કરાઈ હોવાના અહેવાલ બહાર આવ્યા છે. છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીને એક વૉટ્સઍપ ગ્રુપમાં ઉમેર્યા હતા જેમાં ચોક્કસ શૅર/શૅર્સમાં રોકાણોની ભલામણ કરવામાં આવી હતી.

BSEએ આ કિસ્સાને પગલે રોકાણકારો/જાહેર જનતાને સલાહ આપી છે કે તેઓ  બિન-નોંધાયેલા અને અનધિકૃત રોકાણ સલાહકારો પર વિશ્વાસ ન કરે અને BSE અથવા એના કોઈ પણ અધિકારી હોવાનો દાવો કે દેખાવ કરીને છેતરપિંડી દ્વારા ફેલાવવામાં આવતી નકલી ભલામણ/અનિચ્છનીય સંદેશવ્યવહારને અનુસરે નહીં.  સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર BSE અથવા તેના અધિકારીઓનું ખોટું પ્રતિનિધિત્વ કરતા કોઈ પણ જૂથમાં જોડાય નહીં અને કોઈ પણ સ્ટૉક/શૅર ભલામણ પર આધાર ન રાખે.

BSE રોકાણકારો/જાહેર જનતાને સાવધાની રાખવાની અને આવા છેતરપિંડીભર્યા સંદેશાઓને અનુસરવા કે ફૉર્વર્ડ ન કરવા અને કોઈ પણ વ્યક્તિગત અને/અથવા ગુપ્ત માહિતી, નાણાકીય કે અન્યને શૅર ન કરવાની સલાહ આપે છે. રોકાણકારોએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સંદેશવ્યવહારના સ્રોતની ચકાસણી કરવી જોઈએ.

BSE કર્મચારીઓને સ્ટૉક/શૅરમાં કોઈ પણ વ્યવહારોની ભલામણ કરવાની /પ્રોત્સાહિત કરવાની પરવાનગી નથી. BSE તરફથી કોઈ પણ સત્તાવાર સંદેશવ્યવહાર ફક્ત www.bseindia.com અને BSEના સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ દ્વારા કરવામાં આવે છે. 

business news bombay stock exchange share market stock market mutual fund investment cyber crime