ડોલર સામે રુપિયો ઐતિહાસિક સ્તરે ગબડીને 80 પર પહોંચ્યો, કારણ શું..? જાણો

19 July, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાછલા સત્રમાં રૂપિયો પ્રતિ ડોલર 79.97 પર બંધ થયો હતો. તેની સરખામણીમાં આજે તે $79.98 પ્રતિ રૂપિયાના ભાવે ખુલ્યો. જો કે, તે પછી તરત જ તે ઘટીને 80.05 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહોંચી ગયો.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયો 19 જુલાઈ, મંગળવારના રોજ પ્રથમ વખત ડોલર દીઠ રૂ. 80ના સ્તરે ગબડી ગયો હતો. આ રૂપિયાનો ઓલ ટાઈમ લો છે. છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયો સતત ઘટાડાનો સાક્ષી બની રહ્યો હોવાથી, તે પછી આશંકા લગભગ વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે રૂપિયો $80ને પાર કરી જશે. પાછલા સત્રમાં રૂપિયો પ્રતિ ડોલર 79.97 પર બંધ થયો હતો. તેની સરખામણીમાં આજે તે $79.98 પ્રતિ રૂપિયાના ભાવે ખુલ્યો. જો કે, તે પછી તરત જ તે ઘટીને 80.05 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહોંચી ગયો.

રૂપિયો 80.05ના સ્તર પર પહોંચ્યા પછી 79.93/94 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ દરમિયાન યુએસ ડોલર છેલ્લા એક સપ્તાહથી થોડા નીચા સ્તરથી ઉપર નોંધાઈ રહ્યો હતો. 

જો છેલ્લા સત્રની વાત કરીએ તો,આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં સોમવારે અમેરિકી ચલણની સરખામણીમાં રૂપિયો 16 પૈસા સાથે ગબડી 79.98 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન આ થોડા સમય માટે 80 રૂપિયા પ્રતિ ડોલર પર મનોવૈજ્ઞાનિક નીચા સ્તર પર પહોંચી ગયો હતો. બજાર સુત્રો પ્રમાણે રૂપિયાનું મુલ્ય ઘટવાનું કારણ કાચાં તેલની કિંમતોમાં થયેલો વધારો અને બજારમાંથી સતત વિદેશી મૂડીની નિકાસ છે. 

શુક્રવારે ડોલર સામે રૂપિયો 17 પૈસા સુધરીને 79.82 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. બજારના વિશ્લેષકોએ ટૂંકા ગાળામાં ડૉલર-રૂપિયાના હાજર ભાવ 79.79 અને 80.20ની રેન્જમાં રહેવાની ધારણા વ્યક્ત કરી છે.

સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રૂપિયો 31 ડિસેમ્બર, 2014ના દરની સરખામણીએ 25 ટકા ઘટ્યો છે, RBIના ડેટા અનુસાર. 31 ડિસેમ્બર, 2014ના રોજ ડોલર સામે રૂપિયો 63.33 હતો, જે 11 જુલાઈ, 2022ના રોજ પ્રતિ ડોલર 79.41 રૂપિયા નોંધાયો છે. આ 25 ટકા સુધીનો ઘટાડો છે.

મંત્રીએ કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષ, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને દબાણ હેઠળની વૈશ્વિક આર્થિક સ્થિતિ જેવા અનેક વૈશ્વિક પરિબળો યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના અવમૂલ્યન પાછળ છે.

business news united states of america