20 June, 2023 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાના નિકાસભાવ વધીને ચાલુ સપ્તાહે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ખાસ કરીને સરકારે તાજેતરમાં ડાંગરના ટેકાના ભાવમાં વધારો કરતાં અને આવકો પણ ઓછી હોવાથી ચોખાના ભાવમાં વધારો થયો છે.
ભારતીય પાંચ ટકા બ્રોકન ચોખાનો નિકાસભાવ અત્યારે ૩૯૦થી ૩૯૮ ડૉલર પ્રતિ ટન ચાલે છે, જે એક સપ્તાહ પહેલાં ૩૮૮થી ૩૯૫ ડૉલર પ્રતિ ટન હતો. આમ એક સપ્તાહમાં ભાવ ત્રણેક ડૉલર જેવા વધી ગયા છે.
શિયાળુ ડાંગરનો પુરવઠો છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે ડાંગરના ભાવમાં વધારો થયો છે, એમ મુંબઈના એક વેપારીએ જણાવ્યું હતું.
ભારતે ગયા અઠવાડિયે ખેડૂતો પાસેથી નવી સીઝનના સામાન્ય ડાંગરના ભાવમાં સાત ટકાનો વધારો કર્યો હતો. દરમ્યાન, બંગલાદેશમાં મુખ્યના સ્થાનિક ભાવ સારી લણણી અને સ્ટૉક હોવા છતાં ઊંચા રહ્યા હતા અને વાણિજ્ય પ્રધાન ટીપુ મુનશીએ જણાવ્યું હતું કે ઉચ્ચ ફુગાવા સાથે સંઘર્ષ કરી રહેલા ગરીબોને મદદ કરવા માટે દેશ જુલાઈથી સબસિડીવાળા ચોખાના વેચાણમાં વધારો કરશે.
બંગલાદેશની ચોખાની આયાત વધી રહી હોવાથી એની અસર પણ ચોખાના ભાવ પર જોવા મળશે.
ભારતના હરીફ એવા વિયેતનામના પાંચ ટકા તૂટેલા ચોખા સરેરાશ ૪૯૮ ડૉલર પ્રતિ મેટ્રિક ટનના ભાવે ઑફર કરવામાં આવ્યા હતા, જે એપ્રિલ ૨૦૨૧ પછીની ટોચ છે અને ગયા સપ્તાહે ૪૯૦થી ૪૯૫ ડૉલર કરતાં વધુ છે. ચુસ્ત પુરવઠાને કારણે ડાંગરના ભાવમાં વધારો થયો છે અને આ વર્ષે અલ નીનો વિશેની ચિંતાએ ઉત્પાદનના અંદાજ પર ભાર મૂક્યો છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. જાન્યુઆરી-મેમાં દેશની ચોખાની નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીએ ૩૦.૮ ટકા વધીને ૩૬.૨ લાખ ટન થઈ હતી, જેનું મૂલ્ય ૧.૯ અબજ ડૉલર હતું એમ કસ્ટમ ડેટા દર્શાવે છે.
અલ નીનોના કારણે ગરમ, શુષ્ક હવામાનના પ્રારંભિક સંકેતો સમગ્ર એશિયામાં ખાદ્ય ઉત્પાદકોને અસર કરી શકે છે.