ભારત સરકારનું ઍગ્રિ કૉમોડિટી ચીજોની નિકાસ વધારવાનું લક્ષ્ય : કેટલી સફળતા મળશે?

09 January, 2023 02:49 PM IST  |  Mumbai | Mayur Mehta

ગ્લોબલ ફૂડ ક્રાઇસિસની અસર સતત વધી રહી છે ત્યારે માત્ર લક્ષ્યાંકની વાતો કરવાથી સફળતા નહીં મળે ઃ પ્રતિ હેક્ટર ઉતારા વધારીને સમયસર આયાત-નિકાસ નીતિની જાહેરાત કરવામાં ભારત હજી ઘણું પાછળ છે

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખ કૃષિપ્રધાન દેશ તરીકેની છે, પણ કૃષિક્ષેત્રે ભારત અન્ય દેશો કરતાં ઘણું પાછળ છે એ અત્યાર સુધીની એક પણ સરકારે સ્વીકાર્યું નથી અને એ દિશામાં ઠોસ પગલાં પણ લીધાં નથી. તાજેતરમાં ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલી G20ની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને ફૂડ ક્રાઇસિસ વિશે ચેતવણી આપીને તમામ દેશોએ સાથે મળીને પગલાં લેવાનું આહવાન આપ્યું હતું, પણ આ દિશામાં ભારતની સ્થિતિ અત્યંત નબળી છે. 

૧૪૦ કરોડની વસ્તીની ખાધની જરૂરિયાત પૂરી પાડવામાં આપણે ઘણા પાછળ છીએ. સૌથી વધુ નાલેશીભરી વાત એ છે કે આપણી જરૂરિયાતનું ૭૫ ટકાથી વધુ ખાદ્ય તેલ આપણે આયાત કરીએ છીએ અને ક્રૂડ તેલ, સોના-ચાંદી પછી સૌથી વધુ આયાતનું બિલ ખાદ્ય તેલોનું આવે છે. ૧૯૮૮થી ભારતની વિવિધ સરકાર દ્વારા તેલીબિયાં અને કઠોળનું ઉત્પાદન વધારવા લગભગ દરેક બજેટમાં કંઈ ને કંઈ નાણાફાળવણી કરી છે, પણ આ દિશામાં કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. તેલીબિયાં ઉપરાંત આપણી કઠોળની ૨૫ ટકા કરતાં વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. નાણાપ્રધાન સીતારમણે બજેટ વખતે જાહેરાત કરી હતી કે આપણે કઠોળના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયા છીએ, જ્ચારે એ જાહેરાત થઈ એ જ વર્ષે કઠોળની આયાત વધીને જરૂરિયાતના ૨૫ ટકા કરતાં વધુ થઈ હતી. 

કૃષિનિષ્ણાતો ઊભા કરવાની જરૂર

ભારતમાં દરેક ઍગ્રિકલ્ચર ચીજોના પ્રતિ હેક્ટર ઉતારા વૈશ્વિક ઍવરેજથી ૩૦થી ૬૦ ટકા ઓછા છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા પ્રતિ હેક્ટર ૫૦૦૦થી ૬૦૦૦ કિલો પામતેલનું ઉત્પાદન કરે છે, જ્યારે ભારત પ્રતિ હેક્ટરમાં માંડ ૪૦૦થી ૫૦૦ કિલો ​સિંગતેલ, રાયડા તેલ વગેરે ખાદ્ય તેલોનું ઉત્પાદન કરે છે. ભારત પાસે મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામતેલની આયાત કરવા સિવાય કોઈ રસ્તો જ બચ્યો નથી. નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં પામની ખેતી વિકસાવવા ૧૧,૪૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, પણ પામનાં ઝાડ તૈયાર થતાં પાંચ વર્ષ લાગે છે અને દસ વર્ષે એમાં ફળ આવે છે. આથી આ લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે. ભારતને એનાથી કોઈ ફેર પડવાનો નથી. 

અત્યારે તાતી જરૂરિયાત પ્રતિ હેક્ટર ઉત્પાદન વધારવા માટે ખેતીમાં મેકૅનિઝમ અને દેશમાં પ્રતિ ૧૦૦૦ ખેડૂતોએ એક નિષ્ણાતની તાતી જરૂરિયાત છે. ભારતીય ખેડૂતોને પ્રતિ હેક્ટર કેટલું બિયારણ વાપરવું, કેટલી દવા વાપરવી, કેટલું ખાતર વાપરવું એનું બેઝિક જ્ઞાન જ નથી. કૃષિ યુનિવર્સિટીમાં તગડો પગાર લેતા કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સાચી પદ્ધતિ સમજાવવામાં નિષ્ફળ ગયા છે એટલે કે આપણા કૃષિ પેદાશના ઉતારા વિશ્વની ઍવરેજથી ૩૦થી ૬૦ ટકા ઓછા છે. 

સરકારનું ઍગ્રિ-કૉમોડિટીની નિકાસ વધારવાનું લક્ષ્ય 

દેશમાંથી કોરોના સમયે પણ ઍગ્રી-કૉમોડિટીની નિકાસ સારી થઈ રહી હોવાથી દેશની સ્થિતિ સુધરી રહી છે અને ૨૦૨૫ સુધી ભારત આ ક્ષેત્રે વિશ્વમાં સાતમા સ્થાને પહોંચી જશે એમ દેશની અગ્રણી સરકારી સંસ્થા અપેડાએ જણાવ્યું હતું. ઍગ્રિ-એક્સપોર્ટ પ્રમોશન બોડી અપેડાના ચૅરમૅન એમ. અંગમુથુએ જણાવ્યું હતું કે ભારત એની વ્યાપક ઉત્પાદનશ્રેણી અને ભાવ સ્પર્ધાત્મકતાનો લાભ ઉઠાવીને ૨૦૨૫ સુધીમાં વૈશ્વિક કૃષિ-નિકાસ બજારમાં સાતમા સ્થાને પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે.

૨૦૨૧-’૨૨માં દેશની ઍગ્રિ પ્રોડક્ટની નિકાસ ૫૦ અબજ ડૉલરને સ્પર્શી ગઈ હતી. અમે ચાર વર્ષ પહેલાં વૈશ્વિક બજારમાં ૧૨મું સ્થાન ધરાવતા હતા અને હવે આઠમા સ્થાને પહોંચી ગયા છીએ. અમે ૨૦૨૫માં સાતમા સ્થાને પહોંચીશું એમ તેમણે કહ્યું. જીઆઇ (ભૌગોલિક સંકેતો) ટૅગ કરેલાં ઉત્પાદનો અને ઑર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સહિત નિકાસને વેગ આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું. દેશમાંથી છેલ્લાં બે વર્ષ દરમ્યાન ઘઉં-ચોખા સહિતના અનાજની પણ વિક્રમી નિકાસ થઈ હતી અને સરકારે સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી નિકાસ પર પ્રતિબંધ કે નિયંત્રણો લાદ્યાં છે, પંરતુ આગામી વર્ષે સારો પાક થશે તો સરકાર ફરી નિકાસછૂટ આપે એવી ધારણા છે.

વૈશ્વિક પ્રવાહો સામે ભારત કેવી રીતે ઝીંક ઝીલી શકશે?

વૈશ્વિક પ્રવાહો ઝડપથી ચેન્જ થઈ રહ્યા છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા હવે પામતેલની નિકાસ વધારવાને પગલે પામતેલમાંથી બાયોડીઝલ બનાવીને એનો ઘરેલુ ઉપયોગ વધારવા સતત પ્રયત્નશીલ છે. ઇન્ડોનેશિયાએ ૧ જાન્યુઆરીથી વાહનોમાં ૩૫ ટકા ફરજિયાત બાયોડીઝલ વાપરવાનો નિયમ અમલી બનાવ્યો છે. આ બાયોડીઝલ પામતેલમાંથી બને છે. અમેરિકામાં સોયાતેલનું જે ઉત્પાદન થાય છે એમાંથી ૫૦ ટકા બાયોડીઝલ બનાવીને એનો ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલના વિકલ્પે ઉપયોગ થઈ રહ્યો છે. બ્રાઝિલે શેરડીમાં ૬૦ ટકા ઇથેનૉલ બનાવવાનું વર્ષોથી ચાલુ કર્યું છે. માત્ર ૪૦ ટકા શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે. બ્રાઝિલે માત્ર ઇથેનૉલથી ચાલતી ફલેક્સ ફ્યુઅલ કારનું નિર્માણ કર્યું છે. આર્જેન્ટિના પણ સોયાતેલ અને ઘઉંમાંથી બાયોડીઝલ તથા ઇથેનૉલ બનાવવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ભારતની આયાત અને નિકાસનીતિ પણ જૂનીપુરાણી છે, જે મલેશિયાની જેમ ભાવ આધારિત હોવી જોઈએ જેથી આમપ્રજાને વાજબી ભાવે ચીજવસ્તુઓ મળે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. હાલમાં આમપ્રજાને વાજબી ભાવે ચીજો મળતી નથી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ચણા સહિત તમામ કઠોળના ભાવ છેલ્લા એક વર્ષથી ખેડૂતોને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી નીચે મળી રહ્યા છે. 

સ્પાઇસિસ બોર્ડ ઑફ ઇન્ડિયાના ઘરભેગું કરો

ઇન્ડોનેશિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂડ ક્રાઇસિસ વિશે ચિંતા વ્યક્ત કરી હતી એ એકદમ યથાયોગ્ય અને સમય પ્રમાણેની હતી. વિશ્વના જે દેશો ઍગ્રિ પ્રોડક્ટનું સરપ્લસ ઉત્પાદન કરી રહ્યા છે તેઓ હવે નિકાસને બદલે એનું સ્વરૂપ બદલીને ઘરેલુ ઉપયોગ વધારી રહ્યા છે. ભારત માટે એકમાત્ર તક એ છે કે ભારત મસાલાનું ઉત્પાદનનું વૈશ્વિક હબ છે. અહીં જે મસાલાનું ઉત્પાદન થાય છે એમાંના મોટા ભાગના મસાલામાં ભારતની મોનોપૉલી છે. જીરું, ધાણા, મરચું, હળદર, ઇસબગુલ, વરિયાળી, અજમો, મેથી, મરી, લવિંગ, એલચી વગેરે તમામ મસાલાના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં મોખરે છે. એ જ રીતે એરંડા અને ગુવારના ઉત્પાદનમાં પણ ભારત મોખરે છે. આ તમામ ચીજોનું ઉત્પાદન વધારીને ક્વૉલિટી યુક્ત પ્રોડક્ટની નિકાસ વધે એ દિશામાં જો ખરેખર પ્રયાસ થાય તો ભારતીય ઍગ્રિકલ્ચર પ્રોડક્ટની નિકાસ વધી શકે છે, પણ સ્પાઇસિસ બોર્ડ ઑફ ઇન્ડિયા નામની સંસ્થા ખરેખર ખખડધજ છે. સ્પાઇસિસ બોર્ડ ઑફ ઇન્ડિયા પર ભ્રષ્ટાચારી અને તદ્દન લબાડ અધિકારીઓનો કબજો છે. ભારતમાંથી નકલી જીરું બેફામ બને છે, પણ સ્પાઇસિસ બોર્ડ ઑફ ઇન્ડિયાના અધિકારીઓ પૈસા ખાઈને નકલી જીરુંના નિકાસકારોને પ્રોત્સાહન આપીને ભારતની શાખ પર કુઠારાઘાત કરી રહ્યા છે, પણ આ અધિકારીઓને કોળ રોકનારું નથી. સ્પાઇસ‌િસ બોર્ડને સરકાર દર વર્ષે કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે, પણ એનું કોઈ હકારાત્મક પરિણામ મળતું નથી. સ્પાઇસિસ બોર્ડ મોટા-મોટા મેળાવડા કરીને આમપ્રજાનાં નાણાંની જ્યાફત ઉડાડવા સિવાય કંઈ જ કરતું નથી. 

business news commodity market indian government