ભારતીય ક્રૂડ તેલ બાસ્કેટના ભાવ ૧૦ વર્ષની ટોચે પહોંચ્યા

11 June, 2022 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ તેલના સરેરાશ ખરીદ ભાવ ૧૨૧ ડૉલર : પેટ્રોલ-ડીઝલ સ્થિર

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ભારત જે દેશોમાંથી ક્રૂડ તેલની આયાત કરે છે એના સરેરાશ-બાસ્કેટ ભાવ દાયકાની ટોચે પહોંચ્યા છે. ભારતીય ક્રૂડ તેલ બાસ્કેટના ભાવ ૧૨૧ ડૉલરની સપાટી પર પહોંચ્યા છે. જોકે ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
ઑઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનૅલિસિસ સેલ પાસેથી ઉપલબ્ધ ડેટા અનુસાર, ૯ જૂને ભારતીય બાસ્કેટ ૧૨૧.૨૮ ડૉલરને સ્પર્શ્યું હતું, જે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૨માં જોવા મળેલા ભાવ પછીના સૌથી ઊંચા ભાવ છે.
ડેટા મુજબ ૨૫ ફેબ્રુઆરી અને ૨૯ માર્ચ વચ્ચે ક્રૂડ ઑઇલની ભારતીય બાસ્કેટના ભાવ બૅરલ દીઠ સરેરાશ ૧૧૧.૮૬ ડૉલર હતા. રશિયાના યુક્રેન પર આક્રમણ પછી તરત જ ક્રૂડ તેલમાં તેજીની આગ લાગી હતી.
૩૦ માર્ચ અને ૨૭ એપ્રિલ વચ્ચે આ ભાવ ૧૦૩.૪૪ ડૉલર પ્રતિ બૅરલ હતા. અમેરિકા જેવા મજબૂત ખરીદદારોની મજબૂત માગને પગલે ક્રૂડ તેલના ભાવ ચાલુ સપ્તાહે ૧૩ સપ્તાહની ટોચે પહોંચી ગયા છે.

business news