04 May, 2023 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાંથી અનેક ઍગ્રી કૉમોડિટીની નિકાસમાં વીતેલા વર્ષ દરમ્યાન રેકૉર્ડ ગ્રોથ જોવા મળ્યો છે ત્યારે દેશની સરકારી સંસ્થા નીતિ આયોગે ખેડૂતો ખુશ થાય એવું નિવેદન આપ્યું છે કે ભારત ત્રણથી ચાર કૉમોડિટીમાં વૈશ્વિક લીડર બની શકે એવી ક્ષમતા ધરાવે છે.
નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે જણાવ્યું હતું કે જો સરકાર આધુનિકીકરણને અનુસરે અને કૉર્પોરેટ્સને કૃષિમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે તો ભારત પસંદગીના ત્રણ કે ચાર કૃષિ ઉત્પાદનમાં વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી શકે છે.
ફૂડ કૉન્ક્લેવમાં ‘ભારત ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરતી વખતે વિશ્વ માટે ખાદ્ય પદાર્થો બની શકે છે’ વિષય પરના પૅનલ સત્રમાં ભાગ લેતાં તેમણે કહ્યું કે ભારત ચોખા, ખાંડ અને દૂધ સહિતની કૉમોડિટીનાં ઉત્પાદનમાં વૈશ્વિક લીડર બનવા તરીકે જોઈ રહ્યા છીએ.
ભારતનું કૃષિ ઉત્પાદન વિશ્વના કુલ ઉત્પાદનમાં માત્ર છથી સાત ટકા જેટલુ જ છે, પરંતુ વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો બેથી અઢી ટકા જેટલો રહેલો છે. જો આજ સ્થિતિમાં આપણે વિશ્વના ટોચના પાંચ દેશોમાં પણ આવી જઈએ તો આપણે વૈશ્વિક પાવર બની શકીએ એમ છીએ.
દેશમાં ઍગ્રી કૉમોડિટીનો પ્રતિ હેક્ટર ઉતારો અને પ્રાણીદીઠ દૂધનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે. આપણે ઉત્પાદનમાં વધારો કરીએ શકીએ અને નિકાસ પણ વધારી શકીશું.
દેશમાં દૂધનું ઉત્પાદન આસામમાં પ્રાણીદીઠ ૧.૫ લીટર છે, જ્યારે અન્ય રાજ્યોમાં ૧૧થી ૧૨ લીટર છે. આપણે આ પ્રકારની કૉમોડિટીનું ઉત્પાદન વધારવા માટે આગળ આવવું જોઈએ અને સમગ્ર રાજ્યોમાં ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરવા જોઈએ. દૂધના કિસ્સામાં આપણે જો ઉત્પાદન વધારીએ તો આપણને એની આયાત કરવાની જરૂર ન પડે અને આત્મનિર્ભર બની શકીએ એમ છીએ.
સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે તો આપણે દૂધમાં વૈશ્વિક લીડર બની શકીએ એમ છીએ.
નીતિ આયોગના મેમ્બરે વધુમાં કહ્યું કે ભારતે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની જરૂર છે અને ઉતારામાં જો વધારો કરવા પર ભાર મૂકવામાં આવે તો ભારતમાં તમામ ખેતપેદાશોનું ઉત્પાદન વધી જાય એમ છે.
ઑલ ઇન્ડિયાના કન્ટ્રી હેડ સંજય સચેતીએ જણાવ્યું હતું કે ‘ભારત ધારે તો ચોખાનું ૧૩૦૦ લાખ ટનનું ઉત્પાદન કરી શકે એવી સ્થિતિમાં છે. સરકારનો સપોર્ટ અને ટેક્નૉલૉજીનો સહારો લેવામાં આવે તો આ અશક્ય નથી. ભારતમાં વાતાવરણ પણ ચોખાના પાક માટે સાનુકૂળ છે અને ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.
ખાંડના ઉત્પાદનમાં પણ જો ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ તરફ વળે તો શેરડીના ઉત્પાદનમાં વધારો થવાની સાથે ખાંડ અને ઇથેનૉલના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે અને ભારત આ ત્રણેક કૉમોડિટીમાં આગામી થોડાં વર્ષોમાં જ વૈશ્વિક લીડર બની શકે એવી ક્ષમતા ધરાવે છે.