14 April, 2023 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દેશમાં કઠોળના વધી રહેલા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર કડક પગલાં લેવાની તૈયારીમાં છે. નવી દિલ્હી ખાતે કઠોળના ભાવની સમીક્ષા કરવા માટે મળેલી સરકારી બેઠકમાં સરકારે તમામ રાજ્યોને કઠોળનો સ્ટૉક જાહેર ન કરનાર વેપારીઓ પર કડક પગલાં લેવાનો આદેશ જાહેર કર્યો છે.ગ્રાહક બાબતોના વિભાગના સચિવ રોહિતકુમાર સિંહે બુધવારે મુખ્ય કઠોળ ઉત્પાદક અને વપરાશ કરતાં રાજ્યો સાથે તુવેર અને અડદના સ્ટૉક ડિસ્ક્લોઝરની સ્થિતિની સમીક્ષા કરી હતી. આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
આયાતકારો, મિલરો, સ્ટૉકિસ્ટો, વેપારીઓ વગેરે દ્વારા જાહેરાત સુનિશ્ચિત કરવા માટે નોંધાયેલ એન્ટિટીની સંખ્યા અને જાહેર કરાયેલા સ્ટૉકના જથ્થાની રાજ્યો સાથે વ્યક્તિગત રીતે સમીક્ષા કરવામાં આવી હતી. દેશમાં તુવેર સહિતનાં કઠોળના ભાવ તાજેતરમાં બહુ વધી ગયા છે અને આગામી ચોમાસું પણ નબળુ જવાની આગાહીઓ આવી રહી હોવાથી કઠોળના ભાવ વધુ વધે એવી સંભાવનાએ સરકાર દ્વારા કઠોળની તેજીને રોકવા માટે કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં કઠોળની બજારમાં સરેરાશ તેજીને બ્રેક લાગી શકે છે. દેશમાં તુવેરનો પાક ઓછો હોવાથી સરકાર આયાતી માલ દ્વારા પણ બફર સ્ટૉક કરવાનું આયોજન કર્યું છે.