બરછટ અનાજનો વપરાશ વધારવા સરકારના પ્રયાસ

22 March, 2023 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાજરી સહિતના પાકોની વૅલ્યુ ચેઇનને મજબૂત કરાશે : સરકાર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર બાજરી સહિતનાં બરછટ અનાજના વપરાશમાં વધારો કરવા માટે પ્રયાસ વધારી રહી છે.

કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બાજરી સહિતનાં મોટાં અનાજની વૅલ્યુ ચેઇનને મજબૂત કરવા માટે સુધારેલી જાતો, બહેતર શેલ્ફ લાઇફ, કાર્યક્ષમ પ્રોસેસિંગ અને બજારો સુધી પહોંચ એ બધું જ મહત્ત્વપૂર્ણ છે.

કૃષિ મંત્રાલયનાં સંયુક્ત સચિવ વિજયા લક્ષ્મી નાડેંડલાએ અહીં પૂર્ણ સત્રને સંબોધતાં જણાવ્યું હતું કે ‘આપણે મોટાં અનાજની વૅલ્યુ ચેઇનનાં તમામ ક્ષેત્રોમાં આરઍન્ડડી હાથ ધરવું જોઈએ અને ઉત્પાદન, પ્રક્રિયા અને સંગ્રહનું જ્ઞાન એકસાથે લાવવું જોઈએ અને એને ઉપભોક્તા માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.’

સરકાર બાજરી સહિતનાં મોટાં અનાજની ખેતીનો પ્રચાર કરી રહી છે અને માગમાં વધારો કરી રહી છે, એવી અપેક્ષા છે કે વધુ મહિલાઓ આ પાકોની ખેતીમાં જોડાશે, જેનાથી કૌશલ્ય અને ક્ષમતા નિર્માણની જરૂરિયાત ઊભી થશે, એમ તેમણે કૉન્ફરન્સના બીજા સત્રમાં જણાવ્યું હતું.

મનોજ જુનેજા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને લીએફઓ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે નોંધ્યું હતું કે બાજરી એ ખોરાક અને પોષણસુરક્ષા, વિવિધતાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને સશક્તીકરણ માટે નિર્ણાયક છે. આ સમય છે કે આપણે બાજરીની બ્રૅન્ડને પુનર્જીવિત કરીએ અને સ્થિતિસ્થાપક ખાદ્ય પ્રણાલિઓને પ્રોત્સાહન આપીએ, એમ તેમણે કહ્યું હતું.

જસ્ટ ઑર્ગેનિકના સ્થાપક અને મૅનેજિંગ ડાયરેક્ટર પંકજ અગ્રવાલે બિયારણ કંપનીઓથી લઈને ખેડૂતો અને રસોઇયાઓથી લઈને બજારો સુધી અને અંતે ગ્રાહકો પોતે સહિત તમામ હિતધારકોની સહયોગી ભાગીદારી માટે હાકલ કરી હતી.

ઓછી આવકને લીધે મસૂરના ભાવમાં સતત બીજા દિવસે સુધારો 

ઓછી આવક અને પાઇપલાઇનમાં સ્ટૉક પણ ઓછો હોવાથી મસૂરના ભાવમાં છેલ્લા એક અઠવાડિયાથી વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં પણ મસૂરમાં તેજી છે અને વેચવાલી ઓછી છે. મસૂરમાં ઘરાકી સુધરી છે. જોકે આ વર્ષે સ્થાનિકમાં પાક પણ સારા પ્રમાણમાં થવાનો અંદાજ છે. એમ છતાં, સ્થાનિક મંડીઓમાં ઓછા ભાવે મસૂરનું વેચાણ થઈ રહ્યું નથી, કારણ કે નાફેડ ટૂંક સમયમાં જ ૬૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે (એમએસપી) ખરીદી કરવાની છે. તુવેરદાળના ભાવમાં વધારો થવાથી મસૂર એક સસ્તો વિકલ્પ આગામી દિવસોમાં બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં આ વર્ષે અન્ય દાળોના ભાવ ઊંચા રહેવાથી મસૂરને ફાયદો થઈ શકે છે. કટની મસૂર ૫૮૦૦-૬૨૫૦ રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. જો કટની મસૂર ઉપરમાં ૬૨૫૦ની ઉપર બંધ થાય તો એ પછીનો ટાર્ગેટ ભાવ ૬૫૦૦-૬૬૦૦ રૂપિયાના સ્તરે રહેશે.

business news commodity market