દેશમાં ડાંગરની સરકારી ખરીદીમાં ૧૩ ટકાનો વધારો

15 December, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારી એજન્સીઓએ ચાલુ સીઝનમાં કુલ ૩૮૦ લાખ ટનની ખરીદી કરી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ડાંગરની સરકારી ખરીદીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ-નિયંત્રણો મૂક્યાં હોવાથી અને સરકારી ગોડાઉનમાં સ્ટૉક પણ ઓછો હોવાથી સરકારી એજન્સીઓએ ચાલુ વર્ષે ખરીદીમાં સક્રિયતા દાખવી છે.

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના ડેટા મુજબ દેશમાં ૧૩ ડિસેમ્બર સુધીમાં સરકારી એજન્સીઓએ મળીને કુલ ૩૮૦.૬ લાખ ટન ડાંગરની ખરીદી કરી છે, જે ગયા વર્ષે આજ સમયે ૩૩૬.૨ લાખ ટનની ખરીદી કરી હતી. આમ ૧૩ ટકાનો વધારો બતાવે છે.

દેશમાં ચોખાનાં ટોચનાં ઉત્પાદક રાજ્ય એવા પંજાબ, હરિયાણા અને તામિલનાડુમાં આ વર્ષે ડાંગરની ખરીદી ગયા વર્ષની તુલનાએ ઝડપથી આગળ વધી રહી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ખરીદી ગયા વર્ષની તુલનાએ ઓછી છે. યુપીમાં આ વર્ષે ૨૦૦ લાખ ટનની ખરીદી થઈ છે, જે ગયા વર્ષે ૨૩૭.૭ લાખ ટનની ખરીદી થઈ હતી. વરસાદની ખાધને કારણે યુપીમાં ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે.

આ પણ વાંચો: ઑર્ગેનિક નૉન-બાસમતી ચોખાનો નિકાસ પ્રતિબંધ હટાવાયો

પંજાબ અને હરિયાણામાં ડાંગરની ખરીદી મોટા ભાગે પૂરી થઈ ગઈ છે, જ્યારે છત્તીસગઢ, યુપી અને તેલંગણમાં ખરીદી ચાલુ છે. કેન્દ્ર સરકારે ચાલુ સીઝનમાં કુલ ૭૭૧.૩ લાખ ટનની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જ્યારે ગયા વર્ષે કુલ ૭૫૯.૩ લાખ ટનની ખરીદી કરી હતી. 

business news commodity market