સરકારે ક્રૂડ તેલનો વિન્ડફૉલ ટૅક્સ વધાર્યો, ડીઝલની નિકાસ ડ્યુટી વધી

04 January, 2023 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવો ટૅક્સ દર ત્રીજી જાન્યુઆરીથી લાગુ થશે.

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ક્રૂડ તેલના ભાવમાં મજબૂતી સાથે સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ તેમ જ ડીઝલ અને એટીએફ-એવિયેશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર લાદવામાં આવતા વિન્ડફૉલ પ્રૉફિટ ટૅક્સમાં વધારો કર્યો છે.

ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પરની વસૂલાત ૧૭૦૦ રૂપિયા પ્રતિ ટનથી વધારીને ૨૧૦૦ રૂપિયા કરવામાં આવી છે, એમ બીજી જાન્યુઆરીના આદેશમાં જણાવાયું હતું. સરકારે ડીઝલની નિકાસ પરનો ટૅક્સ પણ પાંચ રૂપિયાથી વધારીને ૬.૫ રૂપિયા પ્રતિ લિટર કર્યો છે અને એટીએફના વિદેશી શિપમેન્ટ પરનો ટૅક્સ ૧.૫૦ રૂપિયાથી વધારીને ૪.૫ રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. નવો ટૅક્સ દર ત્રીજી જાન્યુઆરીથી લાગુ થશે.

વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ૧૬ ડિસેમ્બરે છેલ્લા પખવાડિયાની સમીક્ષામાં ટૅક્સના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે વિન્ડફૉલ ટૅક્સમાં વધારો કરવો જરૂરી છે.

business news oil prices