02 August, 2024 07:25 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં રેટ-કટનો સ્પષ્ટ સંકેત આપતાં સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૪૫૮.૪૦ ડૉલર થયા બાદ સાંજે ૨૪૪૫થી ૨૪૪૬ ડૉલર હતું. ચાંદી પણ વધીને ૨૯.૨૧ ડૉલર થયા બાદ સાંજે ૨૯ ડૉલર આસપાસ હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૧૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૯૦ રૂપિયા વધ્યો હતો. સોના-ચાંદી સતત બીજે દિવસે વધ્યાં હતાં. છેલ્લા બે દિવસમાં સોનાનો ભાવ ૧૦૪૧ રૂપિયા અને ચાંદીનો ભાવ ૨૧૧૪ રૂપિયા વધ્યો હતો. જુલાઈ મહિનામાં સોનાનો ભાવ ૨૫૨૬ રૂપિયા અને ચાંદીનો ભાવ ૫૦૨૬ રૂપિયા ઘટ્યો હતો. જુલાઈમાં સોનું વધીને ૭૩,૯૭૯ રૂપિયા અને ઘટીને ૬૮,૬૮૦ રૂપિયા થયું હતું, જ્યારે ચાંદીનો ભાવ વધીને ૯૨,૨૯૪ રૂપિયા અને ઘટીને ૮૧,૨૭૧ રૂપિયા થયો હતો. જુલાઈ મહિનામાં સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ફેડરલ રિઝર્વે બે-દિવસીય મીટિંગ બાદ ઇન્ટરેસ્ટ-રેટ અપેક્ષાકૃત જાળવી રાખ્યા હતા અને સપ્ટેમ્બરમાં ૨૫ બેસિસ પૉઇન્ટ રેટ-કટ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. ફેડની મીટિંગ બાદ ચાલુ વર્ષે ૭૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ થવાની શક્યતા ઍનલિસ્ટો મૂકી રહ્યા છે. ફેડના સપ્ટેમ્બરમાં રેટ-કટના સંકેત બાદ ડૉલર ઇન્ડેક્સ ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ ૧૦૩.૮૬ પૉઇન્ટે પહોંચ્યા બાદ મિડલ ઈસ્ટમાં ટેન્શન વધતાં ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ગુરુવારે સવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૨૪ ટકા વધીને ૧૦૪.૩૫ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં જુલાઈ મહિનામાં ૧.૨૨ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે છેલ્લા છ મહિનાની સૌથી ઓછી હતી અને માર્કેટની ૧.૫૦ લાખની ધારણા કરતાં ઘણી ઓછી નોકરીઓ ઉમેરાઈ હતી. જૂન મહિનામાં પ્રાઇવેટ સેક્ટરમાં ૧.૫૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. સર્વિસ પ્રોવાઇડિંગ સેક્ટર, ટ્રેડ-ટ્રાન્સપોર્ટેશન, યુટિલિટી, હૉસ્પિટલિટી, એજ્યુકેશન-હેલ્થ અને ફાઇનૅન્શિયલ સર્વિસિઝમાં નોકરીઓ ઉમેરાઈ હતી, પણ પ્રોફેશનલ સર્વિસિઝ, ઇન્ફર્મેશન, કન્સ્ટ્રક્શન્સ વગેરે સેક્ટરમાં નોકરીઓ ઘટી હતી.
અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ-રેટ ૨૬ જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૬.૮૨ ટકા યથાવત રહ્યા હતા, જ્યારે જમ્બો-રેટ ૭.૦૯થી ઘટીને ૭.૦૭ ટકા થયા હતા. મૉર્ગેજ રેટ ઘટવા છતાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૩.૯ ટકા ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી.
બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરતાં જૅપનીઝ કરન્સી યેનનું મૂલ્ય ડૉલર સામે વધીને સાડાચાર મહિનાની ઊંચાઈએ ૧૫૦ ડૉલર થયું હતું. બૅન્ક ઑફ જપાને આગામી મીટિંગોમાં પણ ઇન્ટરેસ્ટ-રેટ વધારાનો દોર ચાલુ રાખવાની જાહેરાત કરી હોવાથી જૅપનીઝ યેનમાં મજબૂતી વધી હતી.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જુલાઈમાં પ્રાઇવેટ એજન્સી કેઝિનના રિપોર્ટ અનુસાર ઘટીને ૪૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૧.૮ પૉઇન્ટ હતો. છેલ્લા દસ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં આ પહેલો ઘટાડો નોંધાયો હતો. સરકારી રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત ત્રીજે મહિને ઘટીને ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
સોના-ચાંદીમાં તેજીનાં કારણોનો ફરી ગુણાકાર થવા લાગ્યો છે. હમાસ અને હિઝબુલ્હાના કમાન્ડરના મોત બાદ ઈરાને ઇઝરાયલ સાથે લડાઈ ચાલુ કરી છે. છેલ્લા દસ મહિનાથી ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ આક્રમક બન્યું છે. ઇઝરાયલ દ્વારા લેબૅનન અને યમન પર વારંવાર અટૅક થઈ રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ચારેબાજુ ટેન્શન રાત-દિવસ વધી રહ્યું છે. બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરીને આગામી મહિનાઓમાં પણ ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની જાહેરાત કરી હોવાથી ડૉલર ઇન્ડેક્સ પર સતત દબાણ વધતું રહેશે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં રેટ-કટનો સ્પષ્ટ સંકેત આપીને શ્રેણીબદ્ધ રેટ-કટના સંકેત આપ્યા છે જેનાથી પણ ડૉલર ઘટશે. ડૉલર ઘટાડાના એક કરતાં વધુ કારણથી સોનામાં તેજીને વધુ બળ મળશે. સોનું ઝડપથી નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું હોવાથી ૨૦૨૪ના અંત પહેલાં ૨૬૦૦થી ૨૭૦૦ ડૉલરની સપાટી હાંસલ કરે એવી શક્યતાઓ દિવસે-દિવસે પ્રબળ બની રહી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૯,૭૨૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૯,૪૪૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૩,૪૬૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)