અમેરિકી ડૉલર વધુ નબળો પડવાની શક્યતા વધતાં સોનું ઊછળીને નવ મહિનાની ઊંચાઈએ

21 January, 2023 11:57 AM IST  |  Mumbai | Mayur Mehta

જપાનનું ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થતાં ડૉલર ઘટશે

પ્રતીકાત્મક તસવીર

જપાનીઝ યેન અને યુરો સામે ડૉલર વધુ નબળો પડવાની શક્યતાઓ વધતાં સોનું ઊછળીને નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૮૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૦૯ રૂપિયા વધ્યાં હતાં.

વિદેશી પ્રવાહ

જપાનનું ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં આગામી મહિનાઓમાં બૅન્ક ઑફ જપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતા વધતાં ડૉલર વધુ નબળો પડશે એ ધારણાએ સોનામાં નવો ઉછાળો જોવા મળ્યો હતો. વળી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બરોએ પણ ૭૫ બેસિસ પૉઇન્ટ વધારવાની તરફેણ કરતાં યુરો સામે ડૉલર વધુ નબળો પડી શકે છે. ડૉલરની નબળાઈ વધવાની શક્યતાને પગલે સોનું નવેસરથી વધીને નવ મહિનાની ઊંચાઈએ ૧૯૩૬.૩૦ ડૉલર સુધી ગુરુવારે વધ્યું હતું જે શુક્રવારે પણ ૧૯૨૯થી ૧૯૩૦ ડૉલર હતું. સોનામાં સતત પાંચમો વીકલી વધારો જોવા મળ્યો હતો. સોનું શુક્રવારે બપોર બાદ ઊંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટ્યું હતું જેને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકામાં બિ​લ્ડિંગ પરમિટ ડિસેમ્બરમાં ૧.૬ ટકા ઘટીને ૩૧ મહિનાની નીચી સપાટીએ ૧૩.૩ લાખે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા ૧૩.૭ લાખની હતી. ખાસ કરીને સિંગલ ફૅમિલીના બિલ્ડિંગની પરમિટ ૬.૩ ટકા ઘટી હતી, જ્યારે મ​લ્ટિ ફૅમિલીના બિલ્ડિંગની પરમિટ ૫.૩ ટકા વધી હતી. અમેરિકામાં બેરોજગારીભથ્થું લેનારાઓની સંખ્યા ૧૪મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૫ હજાર ઘટીને ૧.૯૦ લાખે પહોંચી હતી જે છેલ્લા ચાર મહિનાની સૌથી નીચી હતી અને માર્કેટની ૨.૧૪ લાખની ધારણા કરતાં ઘણી નીચી હતી.

બ્રિટનનું રીટેલ સેલ્સ ડિસેમ્બરમાં એક ટકા ઘટ્યું હતું જે નવેમ્બરમાં ૦.૫ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૫ ટકા વધારાની હતી. કૉસ્મેટિક, સ્પોર્ટ્સ ઇ​ક્વિપમેન્ટ, ગેમ્સ, ટૉય, વૉચ, જ્વેલરી અને ક્લોઝિંગ આઇટમોનું વેચાણ ઘટ્યું હતુ. ક્રિસમસની રજાઓ છતાં ફૂડ-સેલ્સ ૦.૩ ટકા ઘટ્યું હતું. બ્રિટનનું રીટેલ સેલ્સ પ્રી-કોવિડ લેવલથી હાલ ૧.૭ ટકા ઘટ્યું છે. ૨૦૨૧ અને ૨૦૨૨ના વર્ષ દરમ્યાન રીટેલ સેલ્સમાં ઓવરઑલ ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવ્યા બાદ ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ૧૦૨ના લેવલે સ્ટેડી રહ્યું હતું. ફેડના વાઇસ ચૅરમૅન બ્રેનાડે જણાવ્યું હતું કે ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારાના પર બ્રેક લાગવી જરૂરી છે તેમ જ ઇકૉનૉમિક ડેટા નબળા આવી રહ્યા છે એ બતાવે છે કે ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારો કરાયો એની ઇકૉનૉમી પર અસર જોવા મળી છે. આ તમામ કમેન્ટ બાદ ફેડ ફેબ્રુઆરીમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે એવું નક્કી મનાઈ રહ્યું છે.

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સતત પાંચમા મહિને લૅ​ન્ડિંગ રેટને જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષની લોનનો પ્રાઇમ રેટ ૩.૬૫ ટકા અને પાંચ વર્ષની લોનનો રેટ ૪.૩ ટકા જાળવી રાખ્યો હતો. એક સપ્તાહ અગાઉ બૅન્કે મિડિયમ ટર્મ પૉલિસી રેટ ૨.૭૫ ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સતત આઠમા દિવસે માર્કેટમાં લિ​ક્વિડિટી વધારી હતી. પીપલ્સ બૅન્કે કુલ ૩૮૧ અબજ યુરો શુક્રવારે માર્કેટમાં ઠાલવ્યા હતા. પીપલ્સ બૅન્કે ચાલુ વર્ષે ૧૧મી જાન્યુઆરીથી માર્કેટમાં નાણાં ઇન્જેક્ટ કરવાનું ચાલુ કર્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં પીપલ્સ બૅન્કે માર્કેટમાં ૧.૯૭ ટ્રિલ્યન યુઆન બૅ​ન્કિંગ સિસ્ટમ દ્વારા માર્કેટમાં ઠાલવ્યા હતા. માર્કેટમાં લિ​ક્વિડિટી વધી રહી હોવાથી એની અસરે શૅરમાર્કેટમાં એકધારી તેજી જોવા મળી રહી છે. શુક્રવારે ચીનના બન્ને સ્ટૉક ઇન્ડેક્સ ૦.૫૭થી ૦.૭૫ ટકા સુધર્યા હતા જે સતત પાંચમા દિવસે વધ્યા હતા.

જપાનનું કોર ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૪૧ વર્ષની ઊંચાઈએ ચાર ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૩.૭ ટકા રહ્યું હતું અને માર્કેટની ધારણા પ્રમાણે જ વધ્યું હતું. જપાનનું કોર ઇન્ફ્લેશન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી સતત નવમા મહિને વધુ રહ્યું હતું. જપાનના ફૂડ-પ્રાઇસ ડિસેમ્બરમાં સાત ટકા વધ્યા હતા જે છેલ્લા ૪૨ વર્ષના સૌથી ઊંચા હતા. નવેમ્બરમાં ફૂડ-પ્રાઇસ ૬.૯ ટકા વધ્યા હતા. જપાનના ફૂડ-પ્રાઇસમાં સતત ૧૬મા મહિને વધારો નોંધાયો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની ડિસેમ્બરમાં યોજાયેલી મીટિંગની જાહેર થયેલી મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરો હવે પછીની મીટિંગમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તરફેણ કરી રહ્યા છે. મેમ્બરોની દલીલ છે કે ઇન્ફ્લેશન હજુ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી પાંચ ગણો વધુ હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો જરૂરી છે. ફેડરલ રિઝર્વે માર્ચથી અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર-૨૦૨૧થી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી. એની સામે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઑગસ્ટ અને ઑક્ટોબર બે મહિના ૭૫-૭૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા બાદ ડિસેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધાર્યા હતા. જુલાઈથી ડિસેમ્બર સુધીમાં ચાર વખત ઇન્ટરેસ્ટ રેટ વધારો થયો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની હવે પછીની મીટિંગ ૨ ફેબ્રુઆરીએ છે. જો ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ વધારે અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ૭૫ બેસિસ પૉઇન્ટ વધારશે તો ડૉલરમાં મોટું ગાબડું પડશે જે સોનાને ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કરાવશે. 

business news