બૅ​ન્કિંગ ક્રાઇસિસ હળવી થતાં તેમ જ બ્રિટનનું ઇન્ફ્લેશન વધતાં સોનું ઘટ્યા મથાળેથી વધ્યું

23 March, 2023 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનું બે દિવસમાં ૨૦૧૧.૫૦ ડૉલરથી ઘટીને ૧૯૩૩.૧૦ ડૉલર થયું, ૪૮ કલાકમાં ૭૮.૪ ડૉલરનો ઘટાડો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને નાના ડિપોઝિટરોની હિતની રક્ષાની ખાતરી આપતાં બૅ​ન્કિંગ   ક્રાઇસિસ હળવી થતાં તેમ જ બ્રિટનનું ઇન્ફ્લેશન ફરી વધતાં સોનામાં ઘટ્યા મથાળેથી વધારો થયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૫૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૭૮ રૂપિયા ઘટ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 

બૅ​ન્કિંગ ક્રાઇસિસ હળવી થતાં અને અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને નાના ડિપોઝિટરોની મૂડીનું રક્ષણ કરવાની ખાતરી આપતાં તેમ જ બ્રિટનનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં વધતાં સોનામાં ઘટ્યા મથાળેથી વધારો થયો હતો. જોકે સોનું સોમવારે અને મંગળવારે મોટે પાયે ઘટ્યું હતું. સોમવારે સોનાનો ભાવ ઊંચામાં ૨૦૧૧.૫૦ ડૉલર થયો હતો જે ઘટીને બુધવારે સવારે એક તબક્કે ૧૯૩૩.૧૦ ડૉલર થયો હતો. માત્ર બે દિવસમાં ૭૮.૪ ડૉલર ઘટ્યા બાદ બુધવારે ચારથી પાંચ ડૉલર સુધર્યા હતા. સોનું સુધરતાં એને પગલે ચાંદી અને પ્લૅટિનમ પણ સુધર્યા હતા, પણ પૅલેડિયમ ઘટ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બ્રિટનનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં વધીને ૧૦.૪ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૧૦.૧ ટકા હતું. છેલ્લા ચાર મહિનામાં બ્રિટનના ઇન્ફ્લેશનમાં પહેલો વધારો જોવા મળ્યો હતો. માર્કેટની ધારણા ૯.૯ ટકા ઇન્ફ્લેશનની હતી. બ્રિટનમાં ફૂડ અને નૉન-આલ્કોહૉલિક બેવરેજના ભાવ ફેબ્રુઆરીમાં ૧૮ ટકા વધ્યા હતા જે ઑગસ્ટ ૧૯૭૭ પછીના સૌથી ઊંચા હતા. જાન્યુઆરીમાં ફૂડ અને નૉન-આલ્કોહૉલિક બેવરેજના ભાવ ૧૬.૭ ટકા વધ્યા હતા. રેસ્ટોરાં અને હોટેલના ટૅરિફ ફેબ્રુઆરીમાં ૧૨.૧ ટકા વધ્યા હતા જે જૂન-૧૯૯૧ પછીના સૌથી ઊંચા હતા. બ્રિટનની હેલ્થસેવા પણ મોંઘી બની હતી, પણ ટ્રાન્સપોર્ટેશન, ફ્યુઅલ પ્રાઇસ, ફર્નિચર પ્રાઇસ વગેરે ઘટ્યાં હતાં. મન્થ્લી બેઇઝ પર ઇન્ફ્લેશન ૧.૧ ટકા વધ્યું હતું જે છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો વધારો હતો. 

અમેરિકાની બૅ​ન્કિંગ ક્રાઇસિસ વિશે ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે અમેરિકાના નાના ડિપોઝિટરોના હિતની રક્ષા કરવા માટે તે બૅ​ન્કિંગ સેક્ટરની તાજેતરની ક્રાઇસિસમાં દરમ્યાનગીરી કરીને તમામ પગલાં લેવામાં આવશે. સિલિકૉન વૅલી બૅન્ક, સિગ્નેચર બૅન્ક કાચી પડતાં અમેરિકામાં છેલ્લાં દસ વર્ષની સૌથી મોટી બૅ​ન્કિંગ ક્રાઇસિસ જોવા મળી હતી. 

અમેરિકામાં એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સ ફેબ્રુઆરીમાં ૧૪.૫ ટકા વધીને ૪૫.૮ લાખે પહોચ્યું હતું. એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ છેલ્લા ૧૨ મહિનાથી સતત ઘટી રહ્યું હતું, જેમાં એકાએક મોટો ઉછાળો આવ્યો હતો તેમ જ માર્કેટની પાંચ ટકા વધારાની ધારણા સામે ૧૪.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એક્ઝિસ્ટિંગ  હોમપ્રાઇસ ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં ૦.૨ ટકા નીચા હતા. હાલ માર્કેટમાં ૯.૮૦ લાખ એક્ઝિસ્ટિંગ હોમ ઉપલબ્ધ છે જે ૨.૬ મહિનાની જરૂરિયાત જેટલાં છે. એક્ઝિસ્ટિંગ  હોમસેલ્સનો ઉછાળો છેલ્લા ૧૯ મહિનાનો સૌથી ઊંચો હતો. 

ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ભાવ ઝડપથી ઘટી રહ્યા હોવાથી એની અસરે એક પછી એક બૅન્કોના ઇન્ફ્લેશનમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. કૅનેડાનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૫.૨ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૫.૯ ટકા હતું અને માર્કેટની ધારણા ૫.૪ ટકાની હતી. કૅનેડામાં એનર્જી પ્રાઇસ ફેબ્રુઆરીમાં ૦.૬ ટકા ઘટી હતી જે જાન્યુઆરીમાં ૫.૪ ટકા વધી હતી. જોકે ફૂડકૉસ્ટ ફેબ્રુઆરીમાં ૯.૭ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૧૦.૪ ટકા વધી હતી. મન્થ્લી બેઇજ પર કૅનેડાનું ઇન્ફ્લેશન ૦.૪ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીમાં ૦.૫ ટકા વધ્યું હતું. 

યુરો એરિયાનું કન્સ્ટ્રક્શન્સ આઉટપુટ જાન્યુઆરીમાં ૦.૯ ટકા વધ્યું હતું જે ડિસેમ્બરમાં ૦.૬ ટકા ઘટ્યું હતું. બિ​લ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ ઍ​ક્ટિવિટી જાન્યુ રીમાં ૧.૪ ટકા વધી હતી જે ડિસેમ્બરમાં ૦.૫ ટકા ઘટી હતી. જોકે સિવિલ એ​ન્જિનિયરિંગ ઍ​ક્ટિવિટી ૧.૯ ટકા ઘટી હતી જે ડિસેમ્બરમાં બે ટકા ઘટી હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

વર્લ્ડમાં ઇન્ફ્લેશનના વધારાને કાબૂમાં લેવાની સૌથી પહેલી મોહિમ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર ૨૦૨૧માં કરી હતી અને પ્રથમ વખત ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો. અમેરિકન ફેડે માર્ચ-૨૦૨૨ અને ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)એ જુલાઈ-૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર-૨૦૨૧માં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરી અને ૧૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા ત્યારે બ્રિટનનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં ૫.૧ ટકા અને ડિસેમ્બરમાં ૫.૪ ટકા હતું. ડિસેમ્બર-૨૦૨૧થી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે દસ વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો અને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૦.૧૦ ટકા હતો એ વધીને ચાર ટકાએ પહોંચ્યો છે. ઇન્ટરેસ્ટ રેટમાં આટલો જંગી વધારો થયો છતાં ઇન્ફ્લેશન ઘટવાને બદલે ફેબ્રુઆરીમાં વધીને ૧૦.૪ ટકા થયું છે. ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરી ત્યારે જે ઇન્ફ્લેશન હતું એ ડબલ થયું છે. આમ ઇન્ટરેસ્ટ રેટ વધારો સરિયામ નિષ્ફળ ગયો છે અને એની કોઈ અસર ઇન્ફ્લેશન પર જોવા મળી નથી એ સાબિત થયું છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડને ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકા છે ત્યારે દસ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ પણ ઇન્ફ્લેશન બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ટાર્ગેટથી સવાપાંચ ગણું વધારે છે. પૉલિસી મેકર્સ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના મેમ્બરો હવે ગમે એટલો ઇન્ટરેસ્ટ રેટ વધારે ઇન્ફ્લેશન કાબૂમાં આવવાનું નથી એ નક્કી હોવાથી આગામી દિવસોમાં માત્ર બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ નહીં તમામ દેશોની સેન્ટ્રલ બૅન્કો ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું પડતું મૂકીને ઇકૉનૉમિક ગ્રોથ માટે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનું ચાલુ કરશે જે સોનાની તેજીનું સૌથી મોટું કારણ બનશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૮,૬૩૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૮,૪૦૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૨૨૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation