ફેડ, ઈસીબી અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની મીટિંગના નિર્ણયની રાહે સોનામાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ

31 January, 2023 02:16 PM IST  |  Mumbai | Mayur Mehta

ચાલુ સપ્તાહે ત્રણ સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગ ઉપરાંત અનેક અગત્યના ઇકૉનૉમિક ડેટા જાહેર થશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફેડ, ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક) અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગની રાહે સોનામાં રેન્જબાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૩ રૂપિયા ઘટ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 

ફેડ, ઈસીબી અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની મીટિંગ પહેલાં સોનામાં ટૂંકી વધ-ઘટ જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે સોનું વધીને ૧૯૩૩.૯૦ ડૉલર અને ઘટીને ૧૯૧૯.૮૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૨૪થી ૧૯૨૫ ડૉલરની રેન્જમાં હતું. ગયા સપ્તાહે સોનું એક તબક્કે વધીને ૧૯૩૬.૩૦ ડૉલર થયું હતું. તમામ ત્રણ સેન્ટ્રલ બૅન્ક કેટલો ઇન્ટરેસ્ટ રેટ વધારો કરશે એના આધારે ડૉલર કેટલો ઘટશે એ નક્કી થશે અને એના પરથી સોનું કેટલું અને કઈ ગતિએ વધશે એ નક્કી થશે. સોનું રેન્જબાઉન્ડ રહેતાં ચાંદી અને પ્લૅટિનમમાં પણ ટૂંકી વધ-ઘટ હતી, પણ પૅલેડિયમમાં સુધારો હતો. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર ૧૦૨ના લેવલે સ્ટેડી રહ્યો હતો. અમેરિકન ફેડની પૉલિસી મીટિંગની સાથે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગ પણ નજીકના ભવિષ્યમાં યોજાઈ રહી હોવાથી ડૉલરમાં બેતરફી મૂવમેન્ટ બાદ લેવલ સ્ટેડી રહ્યું હતું. ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ નક્કી હોવાથી ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ૯ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારો કરે એવી શક્યતાને પગલે યુરો અને પાઉન્ડનું મૂલ્ય ડૉલર સામે સુધર્યું હતું. ઑસ્ટ્રેલિયન અને ન્યુ ઝીલૅન્ડના ડૉલર ઉપરાંત ચાઇનીઝ યુઆન સામે પણ ડૉલર નબળો પડ્યો હતો. ચાઇનીઝ માર્કેટ લુનર ન્યુ યર બાદ ખૂલી હતી અને સ્ટૉક માર્કેટ મજબૂત રહેતાં યુઆનને મજબૂતી મળી હતી.  અમેરિકાનો પર્સનલ કન્ઝ્‍યુમર એક્સપે​​ન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને ૪.૪ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં ૪.૭ ટકા હતો, જે છેલ્લાં ૧૪ વર્ષનો સૌથી ઓછો ગ્રોથ હતો. અમેરિકન કન્ઝ્‍યુમર સ્પેન્ડિંગ ડિસેમ્બરમાં ૦.૨ ટકા ઘટ્યું હતું જે નવેમ્બરમાં ૦.૧ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૧ ટકા ઘટાડાની હતી. ઇન્ફ્લેશનના સતત વધારા અને ઇન્ટરેસ્ટ રેટના વધારાને કારણે કન્ઝ્‍યુમર બિહેવિયરમાં ફેરફાર જોવા મળ્યો હતો, જેને કારણે સ્પે​ન્ડિંગ ઘટ્યું હતું. અમેરિકન પબ્લિકની પર્સનલ ઇન્કમ ડિસેમ્બરમાં ૦.૨ ટકા વધી હતી, જે નવેમ્બરમાં ૦.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા પ્રમાણે જ વધારો થયો હતો.

અમેરિકન એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સ ડિસેમ્બરમાં ૨.૫ ટકા વધ્યું હતું, જેમાં મે પછી પ્રથમ વખત વધારો જોવા મળ્યો હતો. માર્કેટની ધારણા ૦.૯ ટકા ઘટાડાની હતી એને બદલે એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સ વધ્યું હતું. અમેરિકાનું કન્ઝ્‍યુમર સે​ન્ટિમેન્ટ જાન્યુઆરીમાં વધીને ૭ મહિનાની ઊંચી સપાટીએ ૬૪.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું જે પ્રિલિમિનરી એ​સ્ટિમેટમાં ૬૪.૬ પૉઇન્ટ હતું. આગામી એક વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ઘટીને ૩.૯ ટકા રહ્યું હતું જે પ્રિલિમિનરી એ​સ્ટિમેટમાં ચાર ટકા હતું. પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટીને ૨.૯ ટકા રહ્યુ હતું જે પ્રિલિમિનરી એ​સ્ટિમેટમાં ત્રણ ટકા હતું. 

યુરો એરિયામાં હાઉસહોલ્ડ દ્વારા લોન લેવાની પ્રવૃત્ત‌િ ડિસેમ્બરમાં ૩.૮ ટકા વધી હતી, જોકે લોન લેનારાઓની સંખ્યા સતત ચોથા મહિને ધીમી પડી હતી અને લોન લેનારાઓની સંખ્યાનો વધારો ૧૮ મહિનાનો સૌથી ઓછો રહ્યો હતો.

આ પણ વાંચો : બજેટમાં કૉમોડિટી માર્કેટની આશા, અપેક્ષા અને સરકારની આર્થિક-રાજકીય મજબૂરી

ચાલુ સપ્તાહે ઇકૉનૉમિક ડેટાની વણજાર જોવા મળશે. ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટના વધારાની જાહેરાત થશે. એ ઉપરાંત અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા અને મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. અમેરિકા ઉપરાંત ચીન, ભારત, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયાના મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ સેક્ટરના ગ્રોથડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. આ ઉપરાંત જર્મની, ફ્રાન્સ અને સ્પેનના ઇન્ફ્લેશન અને ગ્રોથરેટના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

સોનું ૧૯૨૨થી ૧૯૪૦ ડૉલરની રેન્જમાં છેલ્લા ૧૫ દિવસથી અથડાઈ રહ્યું છે, કારણ કે તેજી માટે નવી દિશા હજી સ્પષ્ટ થઈ નથી. ફેડની મીટિંગનું આઉટકમ સોનાના ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે, કારણ કે ફેડની મીટિંગના આઉટકમ પરથી ડૉલરની મંદી કેટલી આગળ વધશે એ નક્કી થશે. મંગળવારથી શરૂ થનારી બે દિવસની ફેડની મીટિંગમાં ૨૫ બેસ‌િસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો નક્કી મનાઈ રહ્યો છે. ત્યાર બાદ જુલાઈ સુધી ફેડની ચાર મીટિંગ યોજાશે. આ ચાર મીટિંગમાં દરેક મીટિંગમાં ફેડ ૨૫ બેસ‌િસ પૉઇન્ટ હવે વધારી શકે એમ નથી અથવા કોઈ એક મીટિંગમાં પણ ૨૫ બેસ‌િસ પૉઇન્ટથી વધારે ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે એમ નથી. આથી ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલ આગામી મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો કરશ એનો સંકેત આપશે. જો આગામી ચાર મીટિંગમાંથી કોઈ એક કે બે મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું માંડી વાળવામાં આવે તો ડૉલરની મંદી વકરે અને સોનામાં તેજીનો નવો ઉછાળો જોવા મળે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ બન્ને અથવા બેમાંથી એક જો ૫૦ બેસિસ પૉઇન્ટ કે એનાથી વધુ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરે તો પણ ડૉલર વધુ ઘટશે અને સોનાની તેજીને નવું બળ મળશે. 

આમ ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની આગામી ચાર દિવસમાં યોજાનારી મીટિંગ બાદ સોનાની તેજી કઈ રીતે આગળ વધશે એ વધુ સ્પષ્ટ થશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૭,૦૭૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૮૫૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૧૪૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market