વર્લ્ડ બૅન્કની રિસેશનની આગાહી અને ફેડ ચૅરમૅનના મૌનથી ડૉલર ઘટતાં સોનામાં જોવા મળ્યો નવો ઉછાળો

12 January, 2023 04:27 PM IST  |  Mumbai | Mayur Mehta

૨૦૨૩માં અમેરિકા, યુરોપિયન દેશો સહિત તમામ દેશોનો ગ્રોથરેટ તળિયે જવાની વર્લ્ડ બૅન્કની આગાહી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વર્લ્ડ બૅન્કે ૨૦૨૩ના ગ્લોબલ ગ્રોથના પ્રોજેક્શન ત્રણ ટકાથી ઘટાડીને ૧.૭ ટકા કરતાં અને ફેડ ચૅરમૅને ઇન્ટરેસ્ટ રેટ વધારા વિશે કમેન્ટ ન કરતાં ડૉલર ઘટતાં સોનું નવેસરથી આઠ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૭૩૪ રૂપિયા વધ્યાં હતાં.

વિદેશી પ્રવાહ 

અમેરિકા સહિત તમામ દેશોએ ઇન્ટરેસ્ટ રેટમાં કરેલા આક્રમક વધારાની અસરે રિસેશનનો દોર ૨૦૨૩ના આરંભ સાથે થઈ ચૂક્યો હોવાનો સ્પષ્ટ સંકેત વર્લ્ડ બૅન્કે આપ્યો હતો. આ ઉપરાંત ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો કરાશે? એ વિશે કમેન્ટ કરવાનું ટાળતાં અમેરિકી ડૉલર ઘટ્યો હતો અને સોનું નવેસરથી આઠ મહિનાની ઊંચી સપાટીએ ૧૮૮૭.૬૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર સાત મહિનાની નીચી સપાટીએ ૧૦૩ના લેવલે પહોંચ્યો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે સેન્ટ્રલ બૅન્કોના ચૅરમૅનોની કૉન્ફરન્સમાં તેમના વક્તવ્ય દરમ્યાન મૉનિટરી પૉલિસી વિશે કોઈ કમેન્ટ કરી નહોતી, પણ જણાવ્યું હતું કે ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી ત્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારવાના અનપૉપ્યુલર સ્ટેપ લેવાં પડતાં હોય છે અને આવાં સ્ટેપ લેવાની હજુ પણ જરૂરત છે. જોકે આવાં સ્ટેપથી રિસેશનનો ભય વધી રહ્યો છે એ હક્કીત છે. ફેડ ગવર્નર માઇકલ બોમેને જણાવ્યું હતું કે ઇન્ફ્લેશનના વધારાને કાબૂમાં લેવા અને બે ટકાનો ટાર્ગેટ હાંસલ કરવા ફેડ દ્વારા હજુ ઘણું કરવાનું બાકી છે. આથી ઇન્ટરેસ્ટ રેટમાં હજુ વધુ વધારો કરવો પડશે. અમેરિકી ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં સતત છઠ્ઠે મહિને ઘટવાની આગાહી હોવાથી ઇન્ફ્લેશનના ડેટા અગાઉ ડૉલરમાં કોઈ મોટી મૂવમેન્ટ નહોતી.

અમેરિકાના એકથી વધુ પ્રોવિન્સના ફેડ ચૅરમૅનોએ ઇન્ફ્લેશનના કાબૂમાં લેવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધીને ૩.૬ ટકા થયાં હતાં. સૅન ફ્રાન્સિસ્કો ફેડ પ્રેસિડન્ટ મેરી ડેલેએ જણાવ્યું હતું કે ૨૦૨૩માં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ પાંચ ટકાની ઉપર જવા જોઈએ. આવી જ કમેન્ટ અટલાન્ટના ફેડ પ્રેસિડન્ટ રાફેડ બોસ્ટિકે કરી હતી. બન્ને ફેડ પ્રેસિડન્ટે ઇન્ફ્લેશનને બે ટકા સુધી લાવવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનાં પગલાં લેવાની ભલામણ કરી હતી. 

અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૪૨.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૨.૯ પૉઇન્ટ હતો. છેલ્લાં ૨૦ વર્ષની આ ઇન્ડેક્સની ઍવરેજ ૪૯.૬ પૉઇન્ટની છે. આમ છેલ્લાં ૨૦ વર્ષની ઍવરેજ કરતાં આ ઇન્ડેક્સ ઘણો નીચો ગયો હતો. ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ છેલ્લા ૧૭ મહિનાની નેગેટિવ ટેરેટરીમાં છે. આગામી છ મહિનાનું અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશનનું આઉટલુક ૧.૫ પૉઇન્ટ ઘટીને ૩૬.૨ પૉઇન્ટે પહોંચ્યું હતું. પર્સનલ ફાઇનૅન્સ સબ-ઇન્ડેક્સ ઘટીને ૪૯.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. 

અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૮૯.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે સતત બારમા મહિને ૪૯ મહિનાની ૯૮ પૉઇન્ટની ઍવરેજની નીચે રહ્યો હતો. આગામી છ મહિનાની બિઝનેસ કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ આઠ પૉઇન્ટ ઘટીને ૫૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના ૩૨ ટકા બિઝનેસ માલિકોની સમસ્યા એ છે કે તેનો બિઝનેસ સફળતાથી કેવી રીતે હૅન્ડલ કરવો?

અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી નવેમ્બરમાં એક ટકો વધીને ૯૩૩.૧ અબજ ડૉલરે પહોંચી હતી જે પ્રિલિમિનરી એસ્ટીમેટ જેટલી હતી. હોલસેલ ઇન્વેન્ટરી ઑક્ટોબરમાં ૦.૬ ટકા વધી હતી. ડ્યુરેબલ ગુડ્ઝની ઇન્વેન્ટરીમાં મોટો વધારો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં હોલસેલ ઇન્વેન્ટરી ૨૦.૯ ટકા વધી હતી જે એક મહિના અગાઉ ૨૧.૯ ટકા વધી હતી.

ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં નવેમ્બરમાં ૧.૪ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ઑક્ટોબરમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો તેમ જ માર્કેટની ધારણા ૦.૬ ટકા વધારાની હતી. ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં સતત દસમા મહિને વધારો નોંધાયો હતો અને છેલ્લા દસ મહિનાનો સૌથી મોટો વધારો નોંધાયો હતો. નવેમ્બરમાં બ્લૅક ફ્રાઇડે સેલ્સમાં સારો પ્રતિભાવ મળતાં એની અસર રીટેલ સેલ્સમાં જોવા મળી હતી. 

આ પણ વાંચો : અમેરિકી ઇન્ફ્લેશન ઘટવાની ધારણાએ ડૉલર અને ટ્રેઝરી બૉન્ડ ઘટતાં સોનામાં વધતી મજબૂતી

ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૭.૩ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૬.૯ ટકા હતું. સપ્ટેમ્બરમાં ઇન્ફ્લેશન રેકૉર્ડબ્રેક ઊંચાઈએ પહોંચ્યા બાદ નવેમ્બર સુધી સતત ઘટતું રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ ફરી ઇન્ફ્લેશન વધ્યું છે. ઑસ્ટ્રેલિયામાં ડિસેમ્બરમાં નૉન આલ્કોહોલિક બેવરેજિસ, ટ્રાન્સપોર્ટ, ઑટોમોટિવ ફયુલ, હાઉસહોલ્ડ ઇ​ક્વિપમેન્ટ અને સર્વસિઝમાં વધારો થતાં ઇન્ફ્લેશન વધ્યું હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બેથી ત્રણ ટકાનો છે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ  

અમેરિકન ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ પણ હવે દબાતા સ્વરે ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવાની કમેન્ટ કરવાનું ટાળી રહ્યા છે. સેન્ટ્રલ બૅન્કોના ચૅરમૅનોની બેઠકમાં જેરોમ પૉવેલ ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો થશે? એ વિશે એક પણ પ્રકારનો સંકેત આપ્યો નહોતો. ૨૦૨૨માં એકસાથે સાત વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ હવે વર્લ્ડની તમામ એજન્સીઓ જ્યારે રિસેશન વિશે દરરોજ સવાર પડેને ત્યારે કોઈને કોઈ નવી કમેન્ટ કરી રહ્યા હોવાથી ફેડ હવે ૨૫ બેસિસ પૉઇન્ટથી વધારે ઇન્ટરેસ્ટ રેટ વધારો ન કરી શકે એવી સ્થિતિ આવીને ઊભી હોવાથી ડૉલર સતત નબળો પડી રહ્યો છે. વર્લ્ડ બૅન્કે ૨૦૨૩માં ગ્લોબલ ગ્રોથ ઘટાડીને ૧.૭ ટકા રહેવાની આગાહી કરી છે જે અગાઉ ત્રણ ટકાની આગાહી કરી હતી અને ૨૦૨૪માં ગ્લોબલ ગ્રોથ ત્રણ ટકાને બદલે ૨.૭ ટકા રહેવાની આગાહી કરી હતી. અમેરિકાના ગ્રોથરેટ ૨૦૨૩માં ૧.૯ ટકાથી ઘટીને ૦.૫ ટકા, યુરો એરિયાનો ગ્રોથ ૧.૯ ટકાથી ઘટીને ઝીરો, ચીનનો ગ્રોથ ૫.૧ ટકાથી ઘટાડીને ૪.૩ ટકા રહેવાની આગાહી કરી હતી. આ તમામ સંકેતો સોનામાં તેજીની આગેકૂચને સપોર્ટ આપનારા છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૧૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૮૯૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮.૩૬૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation