11 September, 2024 07:39 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે સોનાનો ભાવ ૨૦૨૪ના અંત સુધીમાં વધીને ૨૬૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી જે મંગળવારે ૨૫૦૫થી ૨૫૦૬ ડૉલરની રેન્જમાં હતો. સ્વિટ્ઝરલૅન્ડ બૅન્કે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના રેટ-કટ બાદ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)ની સોનાની ખરીદીમાં મોટો વધારો થતાં સોનાના ભાવ વધશે. અમેરિકાના ઑગસ્ટ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે મોડી રાતે જાહેર થશે જેના આધારે ફેડના રેટ-કટનું ભાવિ નક્કી થશે.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૨૭ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજે દિવસે વધીને ૧૦૧.૭૨ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૧.૬૩થી ૧૦૧.૬૫ પૉઇન્ટની રેન્જમાં હતો. અમેરિકાના ઑગસ્ટ મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા ધારણાથી નબળા આવતાં અને અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટતાં સપ્ટેમ્બરમાં રેટ-કટ વિશે ફરી અનિશ્ચિતતા ઊભી થઈ હતી. ઉપરાંત ફેડ ગવર્નર ક્રિષ્ટોફર વૉલર અને ન્યુ યૉર્ક ફેડ પ્રેસિડન્ટ જૉન વિલિયમે રેટ-કટ વિશે સહમતી બતાવી હતી, પણ ઇકૉનૉમિક ડેટાને નિર્ણાયક બતાવ્યા હતા. કરન્સી બાસ્કેટમાં યુરો, પાઉન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડનો ડૉલર નબળો પડતાં અમેરિકન ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો.
અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઑગસ્ટમાં ત્રણ ટકાએ સ્ટેડી રહ્યું હતું. જૂન અને જુલાઈમાં પણ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ત્રણ ટકા જ હતું. આગામી એક વર્ષના હોમપ્રાઇસ ઇન્ડેક્સનું એક્સપેક્ટેશન ત્રણ ટકાથી વધીને ઑગસ્ટમાં ૩.૧ ટકા રહ્યું હતું. આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ ૨.૮ ટકાએ સ્ટેડી રહ્યું હતું.
ચીનની એક્સપોર્ટ ઑગસ્ટમાં ૮.૭ ટકા વધીને ૨૩ મહિનાની ઊંચાઈએ ૩૦૮.૬૫ ડૉલરે પહોંચી હતી જેના વિશે ધારણા ૬.૫ ટકા વધારાની હતી અને જુલાઈમાં એક્સપોર્ટ સાત ટકા વધી હતી. ચીનની એક્સપોર્ટ સતત પાંચમા મહિને વધી હતી. અમેરિકા સાથે સતત ટેન્શન વધી રહ્યું હોવા છતાં ચીનની એક્સપોર્ટ વધી હતી. ચીનની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં ૦.૫ ટકા વધીને ૨૧૭.૬૩ અબજ ડૉલરે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા બે ટકા વધવાની હતી અને જુલાઈમાં ઇમ્પોર્ટ ૭.૨ ટકા વધી હતી. ચીનની ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધતાં ઑગસ્ટમાં ટ્રેડ સરપ્લસ વધીને ૯૧.૦૨ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે ઑગસ્ટમાં ૬૭.૮૧ અબજ ડૉલર હતી અને માર્કેટની ૮૩.૯૦ અબજ ડૉલરની ધારણા કરતાં પણ સરપ્લસ વધુ રહી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાનો રેટ-કટ આવી રહ્યો છે એવી છેલ્લા દસ મહિનાથી સતત આવી રહેલી ધારણાને પગલે સોનું ૧૮૫૦ ડૉલરથી વધીને ૨૫૦૦ ડૉલર સુધી પહોંચી ગયું છે ત્યારે હવે આગામી સપ્તાહે મળનારી ફેડની મીટિંગમાં રેટ-કટ આવવાનું હાલ નિશ્ચિત દેખાઈ રહ્યું છે ત્યારે મોટો પ્રશ્ન એ છે કે રેટ-કટની અસર તો સોનાના ભાવ પર ઑલરેડી પડી ચૂકી છે ત્યારે રેટ-કટ આવ્યા બાદ સોનું કેટલું વધશે? રેટ-કટનો નિર્ણય આવી ગયા બાદ સોનાને નવાં તેજીનાં કારણોની જરૂર પડશે, જો કોઈ નવાં કારણો નહીં ઊભાં થાય તો સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધતાં ભાવ ઘટી પણ શકે છે.
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૧,૫૯૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૧,૩૦૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૮૨,૨૦૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)