યુરો એરિયા-બ્રિટનનું ઇન્ફ્લેશન ઘટતાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ ઓછું થતાં સોનામાં ફરી તેજી

19 January, 2023 03:59 PM IST  |  New Delhi | Mayur Mehta

જપાને ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખતાં સુધરેલો ડૉલર યુરોપ-બ્રિટનના ઇન્ફ્લેશનના ડેટા બાદ ઘટ્યો

પ્રતિકાત્મક તસવીર

યુરો એરિયા અને બ્રિટનનું ઇન્ફ્લેશન સતત બીજે મહિને ઘટતાં સેન્ટ્રલ બૅન્કો પર ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ ઓછું થતાં સોનામાં ફરી તેજી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ માત્ર ત્રણ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૩૩૨ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

યુરો એરિયા અને બ્રિટનના ઇન્ફ્લેશનના ડેટા સતત બીજે મહિને ઘટીને આવતાં ફેડ સહિત તમામ સેન્ટ્રલ બૅન્કો પર ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ ઓછું થતાં ડૉલર ફરી ઘટીને ૧૦૨ના સાત મહિનાના નીચા લેવલે પહોંચતાં સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. સોનું ઘટીને ૧૮૯૬.૨૦ ડૉલર થયા બાદ વધીને ૧૯૧૬.૨૦ ડૉલર થયું હતું. બુધવારે સાંજે સોનું ૧૯૧૪થી ૧૯૧૫ ડૉલરના લેવલે સ્થિર થયું હતું. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ઘટીને ૯.૨ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૧૦.૧ ટકા હતું, જ્યારે ઑક્ટોબરમાં ઑલટાઇમ હાઈ ૧૦.૬ ટકા હતું. યુરો એરિયાનું ઇન્ફ્લેશન સતત બીજે મહિને ઘટ્યું છે છતાં પણ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી હજુ સાડાચાર ગણું વધારે ઇન્ફ્લેશન હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આગામી પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો ધીમો પાડશે કે કેમ  એ વિશે શંકા છે. એનર્જી ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ૨૫.૫ ટકા વધ્યું હતું જે નવેમ્બરમાં ૩૪.૯ ટકા વધ્યું હતું. 

આ પણ વાંચો : વર્લ્ડ બૅન્કની રિસેશનની આગાહી અને ફેડ ચૅરમૅનના મૌનથી ડૉલર ઘટતાં સોનામાં નવો ઉછાળ

બ્રિટનનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ઘટીને ૧૦.૫ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૧૦.૭ ટકા હતું અને ઇન્ફ્લેશન સતત બીજે મહિને ઘટ્યું હતું. બ્રિટનનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ૧૧.૧ ટકાએ પહોંચ્યું હતું. બ્રિટનમાં ડિસેમ્બરમાં ટ્રાન્સપોર્ટેશન પ્રાઇસ ૬.૫ ટકા વધ્યા હતા જે નવેમ્બરમાં ૭.૨ ટકા વધ્યા હતા. છેલ્લા બે મહિનામાં પ્રેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૮.૩ પેન્સનો ઘટાડો નોંધાયો હતો. કલોથિંગ, ફુટવેર, રિક્રીએશન, કલ્ચર અને ગેમ્સના ભાવ ઘટતાં એની અસર ઇન્ફ્લેશન પર જોવા મળી હતી. બૅન્ક ઑફ ઇગ્લૅન્ડે ડિસેમ્બર-૨૦૨૧થી સતત વધી રહેલા ઇન્ફ્લેશન પર કાબૂ મેળવવા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરી હતી એમ છતાં હજુ પણ બૅન્ક ઑફ ઇગ્લૅન્ડના બે ટકાના ઇન્ફ્લેશનના ટાર્ગેટથી ઇન્ફ્લેશન પાંચ ગણો વધુ છે. 

બૅન્ક ઑફ જપાને પૉલિસી મીટિંગમાં શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૧ ટકા અને લૉન્ગ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ ઝીરો ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બૉન્ડ બાઇંગની કૅપ ૦.૫ ટકા જાળવી રાખી હતી. બૅન્ક ઑફ જપાને ૨૦૨૨નો ગ્રોથરેટ બે ટકાથી ઘટાડીને ૧.૯ ટકા કર્યો હતો તેમ જ ૨૦૨૩નો ગ્રોથરેટ ૧.૯ ટકાથી ઘટાડીને ૧.૭ ટકા કર્યો હતો. ૨૦૨૨માં ઇન્ફ્લેશન ત્રણ ટકા અને ૨૦૨૪માં ૧.૬ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. 

બૅન્ક ઑફ જપાને અલ્ટ્રા લો મૉનિટરી પૉલિસી જાળવી રાખતાં અમેરિકન ડૉલરમાં સુધારો નોંધાયો હતો અને ડૉલર સુધરીને ૧૦૩ના લેવલે પહોંચ્યો હતો, પણ પાછળથી યુરો એરિયા અને બ્રિટનનું ઇન્ફ્લેશન ઊંચું આવતાં ડૉલર ઘટીને ૧૦૨ના લેવલે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ જપાનની મીટિંગ બાદ જપાનીઝ યેનનું મૂલ્ય બે ટકા ઘટીને ડૉલર સામે ૧૩૧ના લેવલે પહોંચ્યું હતું. અમેરિકાના રીટેલ સેલ્સ અને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનના ડેટા પર હવે નજર છે જે ડૉલરની આગળની દિશા નક્કી કરશે. 

ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૨માં ૬.૩ ટકા વધીને ૧.૨૭ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆન રહ્યું હતું જે ડૉલર ટર્મમાં આઠ ટકા વધીને ૧૮૯.૧૩ અબજ ડૉલર રહ્યું હતું. ચીનની મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ૨૦૨૨માં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૪૬.૧ ટકા વધ્યું હતું, જ્યારે હાઇ-ટેક ઇન્ડસ્ટ્રીઝમાં ૨૮.૩ ટકા વધ્યું હતું. ચીનમાં સૌથી વધુ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધુ યુરોપિયન દેશોથી ૯૨. ૨ ટકા, બીજા ક્રમે દક્ષિણ કોરિયાથી ૬૪.૨ ટકા વધ્યું હતું. ત્યાર બાદ જર્મનીથી ૫૨.૯ ટકા, બ્રિટનથી ૪૦.૭ ટકા વધ્યું હતું. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

યુરો એરિયા અને બ્રિટનનું ઇન્ફ્લેશન પણ અમેરિકાની જેમ જ ઘટ્યું છે. અમેરિકાનું ઇન્ફ્લેશન સતત છઠ્ઠે મહિને ઘટ્યું હતું, જ્યારે બ્રિટન અને યુરો એરિયાનું ઇન્ફ્લેશન સતત બીજે મહિને ઘટ્યું છે. યુરો એરિયા અને બ્રિટનનું ઇન્ફ્લેશન એની સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટથી હજુ સાડાચારથી પાંચ ગણું વધુ હોવાથી સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારાને વધારેપડતો ધીમો પાડી શકે એમ નથી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે હજુ જુલાઈથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી, જ્યારે બ્રિટને ડિસેમ્બરથી અને ફેડરલ રિઝર્વે માર્ચથી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક માટે હજુ ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવા માટેના ચાન્સ છે જે યુરોને ડૉલર સામે વધુ મજબૂત બનાવશે. આથી સોનામાં તેજીનો નવો તબક્કો કરન્સી, ખાસ કરીને ડૉલરના ડિવૅલ્યુએશનથી શરૂ થશે. જપાનને મૉનિટરી પૉલિસીમાં નજીવો ફેરફાર કર્યો એને કારણે ડૉલર ગગડી ગયો હતો એ જ રીતે હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇગ્લૅન્ડના નવા પગલાથી ડૉલરને વધુ ધક્કો પહોંચશે જે સોનાને ઝડપથી ૨૦૦૦ ડૉલરની સપાટીએ પહોંચાડશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૭૫૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૫૨૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૯૯૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation indian rupee