ગ્લોબલ બૅન્કિંગ ક્રાઇસિસ હળવી થયા બાદ ફેડની મીટિંગની રાહે સોનામાં સતત બીજા દિવસે ઘટાડો

22 March, 2023 04:06 PM IST  |  Mumbai | Mayur Mehta

રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાના તમામ મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવા સંમતિ આપી

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ગ્લોબલ બૅન્કિંગ ક્રાઇસિસ હળવી થયા બાદ ફેડની મીટિંગની રાહે સોનામાં ઝડપી ઉછાળા બાદ સતત બીજે દિવસે ઘટાડો નોંધાયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૧ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૨૭ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

ક્રેડિટ સુઈસ બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીને યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે ટેકઓવર કરી લેતાં હાલપૂરતી બૅન્કિંગ ક્રાઇસિસ ઠંડી પડતાં સોનામાં સતત બીજે દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. બૅન્કિંગ ક્રાઇસિસને પગલે સોનામાં ૧૦૦ ડૉલરની તેજી જોવા મળી હતી અને સોનું વધીને ૨૦૧૧.૫૦ ડૉલર સુધી વધ્યું હતું. સોનું ઊંચા મથાળેથી ઘટીને મંગળવારે ૧૯૬૨.૭૦ ડૉલર થયું હતું. મંગળવારે સોનું ઘટીને ૧૯૬૭થી ૧૯૬૮ના સ્તરે પહોંચ્યું હતું. સોનું ઘટતાં એની પાછળ ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાનો ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં ૧૯.૭ પૉઇન્ટ ઘટીને ૧૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં એક વર્ષની ઊંચાઈએ ૨૯.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૬ પૉઇન્ટ રહેવાની હતી. ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સતત પાંચ મહિના વધ્યા બાદ પ્રથમ વખત માર્ચમાં ઘટ્યો હતો. તાજેતરમાં બૅન્કિંગ ફાઇનૅન્શિયલ સેક્ટરમાં ઊભી થયેલી ક્રાઇસિસને કારણે ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો. કરન્ટ ઇકૉનૉમિક સિચુએશન બાબતનો ઇન્ડેક્સ ત્રણ પૉઇન્ટ ઘટીને માઇનસ ૪૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૩.૧ ટકા વધીને માઇનસ ૮૦.૩ પૉઇન્ટે પહોંચ્યું હતું. 

યુરો એરિયામાં કાર રજિસ્ટ્રેશન ફેબ્રુઆરીમાં ૧૧.૫ ટકા વધ્યું હતું, જે સતત સાતમા મહિને વધ્યું હતું. સેમિકન્ડક્ટર શૉર્ટેજ હળવી થતાં તમામ યુરોપિયન દેશોમાં કાર રજિસ્ટ્રેશનમાં સ્ટ્રૉન્ગ ગ્રોથ જોવા મળ્યો હતો. ઇટલીમાં કાર રજિસ્ટ્રેશન ૧૯.૨ ટકા અને સ્પેનમાં ૧૭.૪ ટકા વધ્યું હતું. ઇલેક્ટ્રિક કાર રજિસ્ટ્રેશન યુરોપિયન દેશોમાં સતત વધી રહ્યું છે. હાલ યુરોપિયન દેશમાં કુલ કાર રજિસ્ટ્રેશનમાં ૧૨.૧ ટકા રજિસ્ટ્રેશન ઇલેક્ટ્રિક કારનું થઈ રહ્યું છે. 

અમેરિકન ફેડની બે-દિવસીય મીટિંગ ચાલુ થઈ ચૂકી છે ત્યારે અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઘટીને પાંચ સપ્તાહની નીચી સપાટીએ ૧૦૩.૫ના લેવલે પહોંચ્યો હતો. મોટે ભાગે ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે એવું નક્કી મનાઈ રહ્યું છે. અમેરિકામાં સિલિકૉન વૅલી બૅન્ક અને સિગ્નેચર બૅન્ક કાચી પડતાં એની અસરને ખાળવા ફેડને એકદમ સાવેચત વલણ અપનાવવાની ફરજ પડી રહી છે. 

અમેરિકન ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૩.૨૯ ટકાએ પહોંચ્યા હતા, પણ બૅન્કિંગ ક્રાઇસિસ અન્ડર કન્ટ્રોલ હોવાનો અહેસાસ થતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધરીને ૩.૪૪ ટકાએ પહોંચ્યા હતા. ક્રેડિટ સુઈસને યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે ટેકઓવર કરતાં બૅન્કિંગ ક્રાઇસિસ હળવી બની હતી. ફેડની મીટિંગમાં કોઈ અણધાર્યા ફેરફાર થવાની શક્યતા ન હોવાથી ટ્રેઝરી યીલ્ડ સુધર્યા હતા. 

રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની માર્ચમાં યોજાયેલી પૉલિસી મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો અટકવા બાબતે સંમતિ આપી હતી. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ છેલ્લી ૧૦ મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા. ઇન્ફ્લેશનના વધારાને કાબૂમાં લેવા છેલ્લા એક વર્ષથી ઑસ્ટ્રેલિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારી રહી છે. મોટા ભાગના મેમ્બરોએ સ્વીકાર્યું હતું કે  ઇન્ફ્લેશનનો બેથી ત્રણ ટકાનો ટાર્ગેટ મિડ-૨૦૨૫ સુધી હાંસલ થઈ શકે એમ નથી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

ઇન્ટરેસ્ટ રેટ વધારવાની હોડ હવે ખતમ થવાના આરે પહોંચી છે. અમેરિકન અને યુરોપિયન બૅન્ક કાચી પડવાની ઘટના બાદ તમામ સેન્ટ્રલ બૅન્કોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ઊભી થયેલી સપ્લાય ક્રાઇસિસને કારણે ઇન્ફ્લેશન વધી રહ્યું હતું, જેને સેન્ટ્રલ બૅન્કો મારીમચકોડીને ઇન્ટરેસ્ટ રેટ વધારીને કાબૂમાં લેવા રાત-દિવસ એક કરી રહી હતી. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કના તમામ મેમ્બરોએ એક સાથે ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં બ્રેક મારવાની ભલામણ કરીને તમામ સેન્ટ્રલ બૅન્કો માટે નવી પહેલ કરી છે. ફેડની મીટિંગ ચાલુ છે ત્યારે અનેક ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે ફેડનો આ છેલ્લો ઇન્ટરેસ્ટ રેટ વધારો હશે. ઇન્ટરેસ્ટ રેટ વધારવાની આક્રમક દોડને કારણ ડૉલર ઇન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો, હવે એમાં પીછેહઠ એકદમ સ્વાભાવિક છે. ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૧૪ના લેવલે પહોંચ્યો હતો ત્યાંથી ઘટીને ૧૦૩ના લેવલે પહોંચ્યો છે, જે હવે ૨૦૨૩ના અંત સુધીમાં ૯૦થી ૯૫ના લેવલે પહોંચીશકે છે. એ વખતે સોનાના ભાવ નિશ્ચિતપણે ૨૦૦૦થી ૨૧૦૦ ડૉલરની વચ્ચે હશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૧૮૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૮,૯૫૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૪૯૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation