ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની દરખાસ્ત ફેડે ઉડાવી દેતાં સોનું ઘટ્યું

03 May, 2019 10:41 AM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક) | મયૂર મહેતા

ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની દરખાસ્ત ફેડે ઉડાવી દેતાં સોનું ઘટ્યું

સોનાના ભાવમાં થયો ઘટાડો

ડોનલ્ડ ટ્રમ્પે ફેડની મીટિંગ અગાઉ ઇન્ટરેસ્ટ રેટમાં એક ટકાનો ઘટાડો કરવા અને સ્ટિમ્યુલેસ પૅકેજ લાવવાની કરેલી દરખાસ્તને ફેડ ચૅરમૅન જેરોમ પૉલે ઉડાવી દેતાં સોનું ઘટ્યું હતું. અને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ફેડ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ બન્નેએ ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખ્યા હતા. ફેડે અમેરિકન ઇન્ફલેશન તેના બે ટકાના ટાર્ગેટથી નીચો રહેવાનું પ્રોજેક્શન મૂકતાં સોનામાં મંદીના ચાન્સીસ વધ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત
યુરો એરિયાના મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ (પરચેઝિગ મૅનેજર્સ ઇન્ડેક્સ) એપ્રિલમાં વધીને 47.9 પૉઇન્ટે પહોંચ્યો હતો, જે પ્રીલિમનરી એસ્ટિમેટમાં 47.8 પૉઇન્ટ અને માર્ચમાં છ મહિનાની નીચી સપાટીએ 47.5 પૉઇન્ટ હતો. ભારતનો મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ એપ્રિલમાં ઘટીને આઠ મહિનાના તળિયે 51.8 પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં 52.6 પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા 52.5 પૉઇન્ટની હતી. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ એપ્રિલમાં ઘટીને અઢી વર્ષના તળિયે 52.8 પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં 55.3 પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા 55 પૉઇન્ટની હતી. અમેરિકાના કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગમાં માર્ચમાં ૦.9 ટકાનો ઘટાડો થયો હતો જે વિશે માર્કેટની ધારણા ૦.1 ટકા વધારાની હતી. અમેરિકા, ભારત અને યુરો એરિયાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા પ્રમાણમાં નબળા આવ્યા હોવા છતાં અમેરિકન ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની ટ્રમ્પની દરખાસ્તને ફગાવી દેતાં સોનું એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું.

આ પણ વાંચોઃ ચૂંટણીના કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિદર 8 મહિનાની નીચી સપાટીએ

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ
અમેરિકન ફેડરલ રિઝર્વે અપેક્ષાકૃત ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રાખ્યા હતા, પણ મીટિંગ અગાઉ ટ્રમ્પે ફેડરલ રિઝર્વને અપીલ કરી હતી કે ઇન્ટરેસ્ટ રેટમાં એક ટકાનો ઘટાડો કરો અને સ્ટિમ્યુલેસ પેકેજની જાહેરાત કરો. ફેડ ચૅરમૅન જેરોમ પૉલે ફેડની બે દિવસની મીટિંગ બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમેરિકાની સ્ટ્રૉન્ગ જૉબમાર્કેટ અને ગ્રોથ ઍક્ટિવિટીમાં સૉલિડ રિઝલ્ટ મળી રહ્યાં હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનું કોઈ કારણ નથી. ફેડ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની કોઈ કમેન્ટ કરશે, પણ જેરોમ પૉલે આવી કોઈ કમેન્ટ ન કરતાં સોનામાં ફરી ઘટાડાનો દોર ચાલુ થયો હતો. શુક્રવારે જાહેર થનારા અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા પણ માર્કેટની ધારણાથી સ્ટ્રૉન્ગ આવશે તો સોનામાં વધુ ઘટાડો જોવા મળશે, પણ જો ડેટા માર્કેટની ધારણાથી નબળા આવ્યા તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળશે, કારણ કે સોનું વધુ પડતું ઘટી ગયું છે.

donald trump