મુંબઈમાં ચાંદી ઐતિહાસિક એક લાખ રૂપિયાની સપાટીએ : ચાર દિવસમાં ૩૭૭૪ રૂપિયા ઊછળી

21 March, 2025 07:03 AM IST  |  Mumbai | Mayur Mehta

મિડલ ઈસ્ટમાં ટેન્શન વધતાં સોનું ૨૦૨૫માં તેરમી વખત ઑલટાઇમ હાઈ સપાટીએ : આજે જાહેર થનારા ફેડ અને બૅન્ક ઑફ જપાનનાં ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન સોના-ચાંદી માટે મહત્ત્વનાં

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મિડલ ઈસ્ટમાં અમેરિકાએ હૂતી આતંકવાદી પર અટૅક વધારવાની સાથે ઇઝરાયલે ગાઝા સ્ટ્રીટમાં નવો મોટો અટૅક કરતાં મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધથી જિયોપૉલિટિકલ ટેન્શન વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૩૦૨૯ ડૉલર સુધી વધ્યું હતું જે ૨૦૨૫ની તેરમી નવી ઑલટાઇમ હાઈ સપાટી છે. સોનાની તેજીને પગલે ચાંદી પણ વધીને વર્લ્ડ માર્કેટમાં ૩૪.૨૫ ડૉલર સુધી વધી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં ચાંદીએ ઐતિહાસિક એક લાખ રૂપિયાની સપાટી હાંસલ કરીને નવો રેકૉર્ડ સ્થાપ્યો હતો. ચાંદીના ભાવ પ્રતિ કિલો ૬૩૩ રૂપિયા વધ્યા હતા જે છેલ્લા ચાર દિવસમાં ૩૭૭૪ વધ્યા હતા. સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૫૩ વધ્યો હતો. સોનું પણ છેલ્લા પાંચ દિવસથી સતત વધી રહ્યું છે અને પાંચ દિવસમાં સોનાનો ભાવ ૨૪૨૨ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું રીટેલ સેલ્સ ફેબ્રુઆરીમાં ૦.૨ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીમાં ૧.૨ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૬ ટકા વધારાની હતી. પર્સનલ કૅર, ફૂડ-બેવરેજ અને બિલ્ડિંગ મટીરિયલ્સનું સેલ્સ વધતાં રીટેલ સેલ્સ વધ્યું હતું. ટ્રેડવૉરનું અને જિયોપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું હોવાથી ડૉલર ઇન્ડેક્સ ઘટીને નવી પાંચ મહિનાની સપાટીએ ૧૦૩.૨૩ પૉઇન્ટે પહોંચ્યા બાદ રીટેલ સેલ્સના વધારાના સપોર્ટથી સુધરીને ૧૦૩.૬૧ પૉઇન્ટ સુધી વધ્યો હતો.

અમેરિકાની બિઝનેસ ઇન્વેન્ટરી જાન્યુઆરીમાં ૦.૩ ટકા વધી હતી જે ડિસેમ્બરમાં ૦.૨ ટકા ઘટી હતી, હોલસેલ ઇન્વેન્ટરી ૦.૮ ટકા, મૅન્યુફૅક્ચરિંગ ઇન્વેન્ટરી ૦.૧ ટકા અને રીટેલ ઇન્વેન્ટરી ફ્લૅટ રહી હતી. છેલ્લા એક વર્ષમાં અમેરિકાની બિઝનેસ ઇન્વેન્ટરી ૨.૩ ટકા વધી હતી. અમેરિકાનો હોમબિલ્ડર્સ સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૩૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૪૨ પૉઇન્ટની હતી. હાઉસિંગ સેક્ટરમાં કરન્ટ સેલ્સને બતાવતો ઇન્ડેક્સ પણ ત્રણ પૉઇન્ટ ઘટીને ૪૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જ્યારે આગામી છ મહિનાના સેલ્સને બતાવતો ઇન્ડેક્સ ઘટીને ૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. હાઉસિંગ સેક્ટરમાં બાયર્સના ઇન્ટરેસ્ટને બતાવતો ઇન્ડેક્સ પાંચ પૉઇન્ટ ઘટીને ૨૪ પૉઇન્ટે પહોંચ્યો હતો.

ચીને શ્રેણીબદ્ધ ​સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કર્યા બાદ અનેક એજન્સીઓ દ્વારા ચીનના ગ્રોથરેટનું પ્રોજેક્શન વધી રહ્યું છે. સોમવારે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)એ ચીનના ગ્રોથરેટનું પ્રોજેક્શન વધાર્યા બાદ ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ બૅ​ન્કિંગ સર્વિસ (ANZ)એ પણ ચીનનું ૨૦૨૫નું ગ્રોથ પ્રોજેક્શન વધારીને ૪.૮ કર્યું હતું જે અગાઉ ૪.૩ ટકા મૂક્યું હતું. હૉન્ગકૉન્ગ-શાંઘાઈ બૅ​ન્કિંગ કૉર્પોરેશન (HSBC)એ પણ ચીનના ગ્રોથરેટનું પ્રોજેક્શન પણ ૪.૫ ટકાથી વધારીને ૪.૮ ટકા કર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

ફેડ અને બૅન્ક ઑફ જપાનની પૉલિસી-મીટિંગ આજે બુધવારે યોજાવાની છે ઉપરાંત બુધવારે યુરો એરિયાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. આ તમામ ઇકૉનૉમિક ઘટનાઓ સોના-ચાંદી માટે મહત્ત્વની બની રહેશે. આજે ભારતીય સમય પ્રમાણે સવારે ૮.૩૦ વાગ્યે બૅન્ક ઑફ જપાનનું ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન જાહેર કરશે. બૅન્ક ઑફ જપાને ફેબ્રુઆરી ૨૦૨૪માં લાંબા સમયથી ચાલતી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી પૂરી કરીને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી બાદ અત્યાર સુધીમાં બૅન્ક ઑફ જપાને ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરીને માઇનસ ૦.૧ ટકા બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ગયા મહિને વધારીને ૦.૫૦ ટકા કર્યા હતા. આજે યોજાનારી મીટિંગમાં પણ વધુ પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતા છે. જો ઇન્ટરેસ્ટ રેટ વધશે તો ડૉલરની નબળાઈ વધતાં સોના-ચાંદીની તેજીને નવો સપોર્ટ મળશે. અમેરિકન ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર કરવાનું નથી એ નિશ્ચિત મનાઈ રહ્યું છે, પણ ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલનું ગ્રોથરેટ અને ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન તથા ટ્રેડવૉરને કારણે અમેરિકાની ઇકૉનૉમીને થનારી અસર વિશેની કમેન્ટ અગત્યની બની રહેશે. ફેડ ભારતીય સમય પ્રમાણે આજે રાતે ૧૧.૩૦ વાગ્યે ઇન્ટરેસ્ટ રેટ વિશેનું ડિસિઝન જાહેર કરશે. આજે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦ વાગ્યે યુરો એરિયાનું ફેબ્રુઆરી મહિનાનું ઇન્ફ્લેશન જાહેર થશે જે ઘટીને ૨.૪ ટકા આવવાની ધારણા છે, જાન્યુઆરીમાં ઇન્ફ્લેશન ૨.૫ ટકા આવ્યું હતું. ઇન્ફ્લેશન ધારણા પ્રમાણે ઘટીને આવશે તો યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક સાતમી વખત રેટ-કટ લાવશે જે પણ સોના-ચાંદીની તેજીને સપોર્ટ કરશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૮,૩૫૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૮,૦૦૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૧,૦૦,૪૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market united states of america mumbai business news