ફેડના ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાના નિર્ણયને પગલે સોનામાં ભારે ઉતાર-ચડાવ

23 September, 2022 03:42 PM IST  |  Mumbai | Mayur Mehta

ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા ફેડ ૨૦૨૩ સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી કમેન્ટની અસરે સોનું વધુ ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણય અને ૨૦૨૩ સુધી ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારવાના સંકેતને પગલે સોનામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. સોનું છેલ્લા ૨૪ કલાકમાં ઘટીને ૧૬૫૩.૫૦ ડૉલર અને વધીને ૧૬૮૯.૫૦ ડૉલર થયું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૮૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૭૬ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત ૭૫ બેત્રસસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ ૨૦૨૨ની આગામી બે મીટિંગ અને ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સંકેત આપતાં એને પગલે સોનું ફરી ઘટ્યું હતું. બુધવારે સોનું વધીને ૧૬૮૯.૫૦ ડૉલર થયું હતું જે ફેડની મીટિંગ બાદ ઘટીને ૧૬૫૩.૪૦ ડૉલર થયા બાદ ગુરુવારે વધીને ૧૬૭૯.૩૦ ડૉલર થયું હતું, પણ ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ આવતાં સોનું સાંજ સુધીમાં ઘટીને ૧૬૫૫.૪૦ ડૉલર થયું હતું. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યો હતો અને સતત પાંચમી વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા. ફેડે માર્ચમાં ૨૫, મેમાં ૫૦ અને જૂન, જુલાઈ, સપ્ટેમ્બરમાં ૭૫-૭૫-૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટેરસ્ટ રેટમાં વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૦૦થી ૩.૨૫ ટકાએ પહોંચાડ્યા હતા, જે છેલ્લાં ૧૨ વર્ષના સૌથી ઊંચા રેટ છે. ફેડરલ રિઝર્વે અગાઉ ડિસેમ્બર સુધીમાં ઇન્ટરેસ્ટ રેટ વધીને ૩.૪ ટકા સુધી પહોંચવાની આગાહી કરી હતી જે વધારીને હવે ૪.૪ ટકા સુધીની કરી છે. આ પ્રોજેક્શનનો સીધો મતલબ છે કે હવે ૨૦૨૨માં ફેડની બે મીટિંગ ૧-૨ નવેમ્બરે અને ૧૩-૧૪ ડિસેમ્બરે યોજાશે જેમાં ઓછામાં ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થશે. ફેડરલ રિઝર્વે ઇન્ફ્લેશન ૨૦૨૨માં ૫.૪ ટકા (જૂનમાં ૫.૨ ટકા) અને ૨૦૨૩માં ૨.૮ ટકા (જૂનમાં ૨.૬ ટકા)નું પ્રોજેક્શન મૂક્યું હતું, જ્યારે અનએમ્પ્લોયમેન્ટ રેટ ૨૦૨૨માં ૩.૮ ટકા (જૂનમાં ૩.૭ ટકા) અને ૨૦૨૩માં ૪.૪ ટકા (જૂનમાં ૩.૯ ટકા)નું પ્રોજેક્શન મૂક્યું હતું. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૨માં ૧.૫ ટકા (જૂનમાં ૧.૭ ટકા) અને ૨૦૨૩માં ૧.૨ ટકા (જૂનમાં ૧.૭ ટકા)નું પ્રોજેક્શન મૂક્યું હતું. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જણાવ્યું હતું કે ૨૦૨૪ સુધી ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે અને ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા ગમે એ પગલાં લેવાની તૈયારી બતાવી હતી. જેરોમ પૉવેલના સંકેત અનુસાર ૨૦૨૪માં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે અને જે ૨૦૨૫માં ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો આગળ વધશે. ફેડના નિર્ણય બાદ અમેરિકી ડૉલર વિશ્વની તમામ ટૉપ લેવલની કરન્સી સામે વધીને કરન્સી બાસ્કેટમાં ૨૦ વર્ષની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો, બ્રિટિશ પાઉન્ડ, જૅપનીઝ યેન સહિત તમામ કરન્સી સામે ડૉલર મલ્ટિયર હાઈ લેવલે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે સતત સાતમી વખત ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨.૨૫ ટકાએ પહોંચાડ્યા હતા. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની સૌથી પહેલી શરૂઆત કરી હતી. ડિસેમ્બરથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે સતત સાત વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. 

બૅન્ક ઑફ જપાને પૉલિસી મીટિંગમાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. જપાનમાં શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ નેગેટિવ ૦.૧ ટકા અને ટેન યર બૉન્ડના યીલ્ડ ઝીરો ટકા છે. બૅન્ક ઑફ જપાને સતત ત્રીજી મીટિંગમાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી હતી. જપાનમાં ઇન્ટરેસ્ટ રેટ લાંબા સમય સુધી ૨.૫થી ૩ ટકા રહેવાનું પ્રોજેક્શન મૂક્યું હતું અને દરરોજ અનલિમિટેડ બૉન્ડ ખરીદવાની પૉલિસી પણ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. ફેડના અને બૅન્ક ઑફ જપાનના નિર્ણયને પગલે જૅપનીઝ યેનનું મૂલ્ય ડૉલર સામે ૨૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. 

ફેડ દ્વારા ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યા બાદ અનેક નાના અને મધ્યમ દેશોએ ફેડનું અનુસરણ કર્યું હતું. વિયેટનામની સેન્ટ્રલ બૅન્કે ૨૦૧૧ પછી પ્રથમ વખત એટલે કે ૧૧ વર્ષ બાદ પ્રથમ વખત ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક રેટને પાંચ ટકાએ પહોંચાડ્યા હતા. મકાઉની સેન્ટ્રલ બૅન્કે ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૫ ટકાએ પહોંચાડ્યા હતા. હૉન્ગકૉન્ગની મૉનિટરી ઑથોરિટીએ પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક રેટને ૩.૫ ટકાએ પહોંચાડ્યા હતા. કુવૈતની સેન્ટ્રલ બૅન્કે ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ત્રણ ટકાએ પહોંચાડ્યા હતા. બાહરિનની સેન્ટ્રલ બૅન્કે ૭૫ બેસિસ પૉઇન્ટ વધારીને બેન્ચમાર્ક રેટને ચાર ટકાએ પહોંચાડ્યા હતા. સેન્ટ્રલ બૅન્ક ઑફ યુનાઇટેડ અમિરાતે ૭૫ બેસિસ પૉઇન્ટ વધારીને બેન્ચમાર્ક રેટને ૪.૫૦ ટકાએ પહોંચાડ્યા હતા. સાઉદી અરેબિયાની સેન્ટ્રલ બૅન્કે ૭૫ બેસિસ પૉઇન્ટ વધારીને બેન્ચમાર્ક રેટને ૩.૨૫ ટકા કર્યા હતા. જપાન અને બ્રાઝિલની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખ્યા હતા. 

અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સ ઑગસ્ટમાં સતત સાતમા મહિને ૦.૪ ટકા ઘટીને ૪૮ લાખે પહોંચ્યું હતું જે ૨૮ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. માર્કેટની ધારણા ૪૭ લાખ સેલ્સની હતી. અમેરિકાનું ઇન્ફ્લેશન ૪૦ વર્ષની ઊંચાઈએ હોવાથી એક્ઝિસ્ટિંગ હોમના પ્રાઇસ છેલ્લા એક વર્ષમાં ૭.૭ ટકા વધ્યા હતા. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૧૩ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૩.૮ ટકા વધી હતી, જે સતત છ સપ્તાહના ઘટાડા બાદ વધી હતી, જેમાં રહેણાક મકાન ખરીદવાની ઍપ્લિકેશનમાં એક ટકાનો વધારો થયો હતો. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૪૯,૮૯૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૪૯,૬૯૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૫૭,૩૪૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market