ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે નહીં એની બેતરફી ચર્ચાથી સોનું અઢી સપ્તાહમાં ૧૦૦ ડૉલર ઘટ્યું

24 May, 2023 12:51 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડના ઑફિશ્યલ્સની ઇન્ટરેસ્ટ રેટ વધારાની અને માર્કેટ ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખવાની તરફેણથી અનિશ્ચિતતા

પ્રતીકાત્મક તસવીર

ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે નહીં એની બેતરફી ચર્ચાથી સોનું અઢી સપ્તાહમાં ૧૦૦ ડૉલર ઘટ્યું હતું. ફેડ ઇન્ટરેસ્ટ જૂનમાં વધારશે એના ચાન્સ વધીને ૭૭ ટકા થતાં મંગળવારે સોનું-ચાંદી બન્ને ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૮૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૮૦૩ રૂપિયા ઘટ્યાં હતાં.

વિદેશી પ્રવાહ

ફેડના ત્રણ ઑફિશ્યલ્સ દ્વારા જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની સ્ટ્રૉન્ગ ભલામણ થતાં જૂનમાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સ ૭૭ ટકા થતાં સોનામાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે સોનું ૦.૬ ટકા અને ચાંદી બે ટકા ઘટ્યાં હતાં. સોનું ઘટીને ૧૯૫૪ ડૉલર થયા બાદ સાંજે ૧૯૫૯થી ૧૯૬૦ ડૉલરની રેન્જમાં હતું. સોનું છેલ્લાં અઢી સપ્તાહમાં ૧૦૦ ડૉલર તૂટ્યું હતું. ડૉલર ઇન્ડેક્સ ૦.૩ ટકા અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધીને અઢી મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોના-ચાંદી પર દબાણ વધ્યું હતું. સોનું-ચાંદી ઘટતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ૧૦૩.૩ના લેવલે સ્ટેડી હતો. ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ? ૨૦૨૩માં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે કે કેમ? આવી બધી ચર્ચાઓ વચ્ચે ડૉલરમાં સતત બેતરફી વધ-ઘટ જોવા મળી રહી છે. ઇન્ટરેસ્ટ રેટ વધારા કે ઘટાડાની ચર્ચા વચ્ચે ડેબ્ટ સીલિંગ વધારવાનો મુદ્દો હજુ સૉલ્વ થયો નથી. યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ મે મહિનામાં ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ ૪૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૪૫.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૬.૨ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ, નવા ઑર્ડર અને બૅકલૉગ એકસાથે ઘટતાં ગ્રોથમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ મોટે પાયે ઘટતાં એની અસર આખા યુરો એરિયા પર પડી હતી.

યુરો એરિયાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ મે મહિનામાં ઘટીને ૫૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં એક વર્ષની ઊંચાઈએ ૫૬.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૨ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર સતત પાંચમા મહિને વધ્યા હોવા છતાં સર્વિસ સેક્ટરનો ઓવરઑલ ગ્રોથ ઘટ્યો હતો. ઍવરેજ પ્રાઇસ અને સર્વિસ કૉસ્ટ ઊંચા વેઇજ અને ઊંચી સૅલેરી કૉસ્ટને કારણે વધી હતી. સર્વિસ સેક્ટરનું ગ્રોથ ઑપ્ટિમિઝમ પણ ઘટ્યું હતું.

યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ મે મહિનામાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૫૩.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૪.૧  પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩.૭ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત પાંચમા મહિને વધ્યો હતો, કારણ કે સર્વિસ સેક્ટરનો ગ્રોથ વાર્ષિક ધોરણે સ્ટ્રૉન્ગ વધ્યો હતો.

યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ માર્ચમાં વધીને ૪૫ અબજ યુરો રહી હતી જે છેલ્લાં પાંચ વર્ષની સૌથી વધુ હતી. ગુડ્ઝ સરપ્લસ ઑલ ટાઇમ હાઈ ૫૨.૧ અબજ યુરો રહી હતી. જોકે ફર્સ્ટ ક્વૉર્ટરમાં કરન્ટ અકાઉન્ટ સરપ્લસ વધીને ૬૫.૩ અબજ યુરો રહી હતી જે ૨૦૨૨ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૮.૪ અબજ યુરોની ડેફિસિટ હતી.

જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ મે મહિનામાં વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૫૦.૮ પૉઇન્ટ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધીને રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૫૬.૩ પૉઇન્ટે પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત ચોથા મહિને વધીને દસ વર્ષની ઊંચાઈએ ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૨.૯ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ છેલ્લા સાત મહિનામાં પ્રથમ વખત વધ્યો હતો. ખાસ કરીને ઇનપુટ કૉસ્ટ ઘટીને અઢી વર્ષની નીચી સપાટીએ પહોંચતાં સ્ટ્રૉન્ગ ગ્રોથ જોવા મળ્યો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકન ફેડરલ રિઝર્વનું ઇન્ટરેસ્ટ રેટ વિશેનું ડિસિઝન સતત અનિશ્ચિતતા ઊભી કરી રહ્યું છે. જૂનમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ એની ચર્ચાને આધારે હાલ સોના-ચાંદીની વધ-ઘટ ચાલી રહી છે.

સેન્ટ લુઇસના ફેડ પ્રેસિડન્ટ જેમ્સ બુલાર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઇન્ફ્લેશનને ફેડના બે ટકાના ટાર્ગેટ સુધી લાવવા ૨૦૨૩માં હજી બે વખત ઇન્ટરેસ્ટર રેટમાં વધારો કરવો જરૂરી છે, કારણ કે ફેડે દસ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યો એને કારણે ઇન્ફ્લેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મિનિયોપૉલિસના ફેડ પ્રેસિડન્ટ નીલ કાશકરીએ પણ ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા ઇન્ટરેસ્ટ રેટ વધારો કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. ઍટ્લાન્ટા ફેડ પ્રેસિડન્ટ રાફેલ બૉ​સ્ટિકે જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવાની તરફેણ કરી હતી, જ્યારે રિચમોડના ફેડ પ્રેસિડન્ટ થૉમસ બારકીને ઇન્ટરેસ્ટ રેટ વધારા વિશે ઓપન હોવાનું જણાવીને હવે પછીના ડેટાને આધારે નિર્ણય લેવાની વાત કહી હતી. ફેડના ઑફિશ્યલ્સનાં જુદાં-જુદાં નિવેદનો વચ્ચે માર્કેટ એવું માની રહી છે કે ૨૦૨૩ના ડિસેમ્બર પહેલાં ફેડ એક વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે. આમ ઇન્ટરેસ્ટ રેટની વાતો વચ્ચે સોનામાં મોટી વધ-ઘટ જોવા મળી રહી છે જે ફેડની મીટિંગ સુધી ચાલુ રહેવાની ધારણા છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૦,૩૪૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૦,૧૦૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૭૧૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news