અમેરિકન ઇન્ફ્લેશન ઘટતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટનો વધારો ધીમો પાડશે એ ધારણાએ સોનું ૧૯૦૦ ડૉલરને પાર

14 January, 2023 11:23 AM IST  |  Mumbai | Mayur Mehta

ડૉલર ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ પહોંચતાં અને ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ ઘટતાં સોનામાં ખરીદી વધી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનું ઇન્ફલેશન ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં હવે ફેડ ફેબ્રુઆરીમાં માત્ર ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ધારણાને પગલે સોનું ૧૯૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૨ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 
અમેરિકન ઇન્ફલેશન સતત છઠ્ઠે મહિને ઘટતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં નાનો વધારો કરશે એ ધારણાએ ડૉલર ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં તેજી આગળ વધી હતી અને સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને ૧૯૧૦.૯૦ ડૉલર સુધી વધ્યું હતું. સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી પાર કરી હોવાથી ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. ડૉલરના ઘટાડાને પગલે સોનું વધ્યું હતું; પણ ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું ઇન્ફલેશન સતત છઠ્ઠે મહિને ઘટીને ડિસેમ્બરમાં ૬.૫ ટકાએ પહોંચ્યું હતું. જૂન મહિનામાં ૯.૧ ટકાની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા બાદ ઇન્ફલેશન સતત ઘટી રહ્યું છે. નવેમ્બરમાં ઇન્ફલેશન ૭.૧ ટકા હતું અને માર્કેટની ધારણા પણ ૬.૫ ટકાની હતી. એનર્જી આઇટમોના ભાવ નવેમ્બરમાં ૧૩.૧ ટકા વધ્યા હતા જે ડિસેમ્બરમાં ૭.૩ ટકા જ વધ્યા હતા. જોકે અમેરિકામાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી ઇલે​ક્ટ્રિસિટી પ્રાઇસ ડિસેમ્બરમાં ૧૪.૩ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૧૩.૭ ટકા વધી હતી. 
અમેરિકામાં નવા બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૭મી જાન્યુઆરીએ પૂરા થતા સપ્તાહના અંતે ૧૦૦૦ ઘટીને ૨.૦૫ લાખે પહોંચી હતી. માર્કેટની ૨.૧૫ લાખની ધારણા કરતાં સંખ્યા ઓછી રહી હતી અને ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. એ​ક્ઝિ​સ્ટિંગ ક્લેમ ૬૦,૭૯૯ વધીને ૩.૩૯ લાખે પહોંચ્યા હતા. 
અમેરિકી ડૉલર વધુ ઘટીને ૧૦૨.૩ના લેવલે સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.  અમેરિકન ઇન્ફલેશન સતત છઠ્ઠે મહિને ઘટીને પંદર મહિનાની નીચી સપાટીએ પહોંચતાં હવે ફેડ ઇન્ટરેસ્ટ રેટના વધારાની ગતિને ધીમી પાડશે એવું નિશ્ચિત મનાવા લાગતાં ડૉલર વધુ નબળો પડ્યો હતો. ફેડ ૧-૨ ફેબ્રુઆરીની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે કે એનાથી ઓછો વધારો કરશે એની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. હજુ ઘણા બધા ફેડ ઑફિશ્યલ્સ ઇન્ટરેસ્ટ રેટમાં મોટો
વધારો કરવાની તરફેણ કરી રહ્યા છે,

પણ અમેરિકન ઇકૉનૉમિક ડેટાએ રિસેશનનો સ્પષ્ટ સંકેત આપવાનો શરૂ કર્યો હોવાથી ફેડને પીછેહઠ કરવી પડે એમ છે. ડૉલર નબળો પડતાં અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૩.૪ ટકાએ પહોંચ્યાં હતાં. 
ચીનની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૯.૯ ટકા ઘટીને ૩૦૬.૦૮ અબજ ડૉલરે પહોંચી હતી જે નવેમ્બરમાં ૮.૯ ટકા ઘટી હતી, પણ માર્કેટની ધારણા ૧૦ ટકા ઘટાડાની હતી. ચીનની એક્સપોર્ટ સતત ત્રીજે મહિને ઘટી હતી. ચીનની એક્સપોર્ટનો ઘટાડો છેલ્લા ૩૪ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. ખાસ કરીને ચીનની એક્સપોર્ટ અમેરિકામાં ૧૯.૫૧ ટકા ઘટી હતી જે સતત પાંચમા મહિને ઘટી હતી અને યુરોપિયન દેશો ખાતે પણ ૧૭.૫ ટકા એક્સપોર્ટ ઘટી હતી. ચાઇનીઝ ગુડ્સની એક્સપોર્ટ રશિયા ખાતે ૮.૨૬ ટકા વધી હતી. ચીનની ઇમ્પોર્ટ પણ ડિસેમ્બરમાં સતત ત્રીજે મહિને ૭.૫ ટકા ઘટી હતી જે નવેમ્બરમાં ૧૦.૬ ટકા ઘટી હતી તેમ જ માર્કેટની ધારણા ૯.૮ ટકા ઘટાડાની હતી. ચીનની ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધુ ઘટતાં ટ્રેડ સરપ્લસ ઘટીને ૭૮.૦૧ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા મહિને ૯૩.૨૧ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૭૬.૨ અબજ ડૉલર હતી. ધારણા કરતાં ટ્રેડ સરપ્લસ વધુ રહી હતી. 
ચાઇનીઝ ગવર્મેન્ટ ઑથોરિટી દ્વારા કોરોનાનાં નિયંત્રણો દૂર કરાયાનાં ત્રણ સપ્તાહ બાદ પૉઝિટિવ સંકેતો મળવાના શરૂ થયા છે. ચાઇનીઝ શાંઘાઈ સ્ટૉક ઇન્ડેક્સ ૧.૦૧ ટકા વધીને એક મહિનાની ઊંચાઈએ અને શેનઝેન સ્ટૉક ઇન્ડેક્સ ૧.૧૯ ટકા વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. બિઝનેસ નૉર્મલ થયા બાદ દરેક સેક્ટરો ગ્રોથ થશે એ ધારણાએ તમામ સેક્ટરના શૅરમાં તેજી જોવા મળી રહી છે.

ભારતનું કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફલેશન ડિસેમ્બરમાં ઘટીને ૫.૭૨ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૫.૮૮ ટકા હતું અને માર્કેટની ધારણા ૫.૯ ટકાની હતી. ભારતીય ઇન્ફલેશન એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ટાર્ગેટની રેન્જમાં ઇન્ફલેશન રહ્યું હતું. ભારતીય ઇન્ડ​સ્ટ્રિયલ આઉટપુટ ગ્રોથ પણ નવેમ્બરમાં ૭.૧ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો અને માર્કેટની ૨.૫ ટકાના વધારાની ધારણા કરતાં ઊંચો રહ્યો હતો. 
બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ નવેમ્બરમાં ૦.૧ ટકા રહ્યો હતો જે ઑક્ટોબરમાં ૦.૫ ટકા રહ્યો હતો, માર્કેટની ધારણા ૦.૨ ટકા ગ્રોથની હતી. બ્રિટનમાં સર્વિસ ઍ​ક્ટિવિટીનો ગ્રોથ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. જોકે મૅન્યુફૅક્ચરિંગ ઍ​ક્ટિવિટીનો ગ્રોથ હજુ ધારણા પ્રમાણે થતો નથી. નવેમ્બરમાં પૂરા થયેલા ત્રણ મહિના દરમ્યાન બ્રિટનનો ગ્રોથ રેટ અગાઉના ક્વૉર્ટરથી ૦.૩ ટકા ઘટ્યો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ  
અમેરિકાનું ઇન્ફલેશન સતત છઠ્ઠે મહિને ઘટ્યું છે, પણ ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં હજુ ૬.૫ ટકા જેટલું ઊંચું હોવાથી ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેનું કારણ મળ્યું છે, પણ સતત છઠ્ઠે મહિને ઇન્ફલેશન ઘટ્યું હોવાથી હવે ૨૫ બેસિસ પૉઇન્ટથી વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેનું કોઈ કારણ ફેડ પાસે બચ્યું નથી. સતત સાત વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યા બાદ હવે પણ ૫૦ બેસિસ પૉઇન્ટ કે એનાથી વધુ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવા માટે ફેડ પાસે કોઈ કારણ નથી. સ્વભાવિકપણે ઇન્ટરેસ્ટ રેટનો વધારો ધીમો પડે તો ડૉલર ઘટે અને ડૉલરનો ઘટાડો સોનાની તેજી માટે હાલ એકમાત્ર મજબૂત કારણ બન્યું છે. અમેરિકી ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનાની તેજીને વધુ સપોર્ટ મળ્યો છે.

business news