ચીનના સ્ટ્રૉન્ગ ડેટા અને યુદ્ધ-સમાપ્તિ ખોરંભે પડતાં સોના-ચાંદીમાં ફરી વધતી તેજી

05 March, 2025 07:07 AM IST  |  Mumbai | Mayur Mehta

કૅનેડા-મેક્સિકો ને ચીન પર ટ્રમ્પે લાદેલી ટૅરિફ વિશે ફરી અનિશ્ચિતતા વધતાં ડૉલર ઘટ્યો : મુંબઈમાં ૨૦૨૫ના પ્રારંભિક બે મહિનામાં સોનાનો ભાવ ૮૮૯૪ રૂપિયા અને ચાંદીનો ભાવ ૭૪૬૩ રૂપિયા વધ્યો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચીનના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના સ્ટ્રૉન્ગ ગ્રોથડેટા તેમ જ ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ-સમાપ્તિની પ્રોસેસ ખોરંભે પડતાં સોના-ચાંદીમાં ફરી તેજી જોવા મળી હતી. અમેરિકન કૉમર્સ સેક્રેટરીએ રવિવારે કૅનેડા-મેક્સિકો અને ચીન પર લાદેલી ટૅરિફનો આખરી નિર્ણય ટ્રમ્પ મંગળવારે લેશે એવી જાહેરાત કરતાં ફરી ટૅરિફ વિશે અનિશ્ચિતતા વધતાં ડૉલર ઘટતાં સોના-ચાંદીમાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં ગયા સપ્તાહે સોનું ૨૮૫૦ ડૉલર સુધી ઘટ્યું હતું જે સોમવારે ૨૮૭૮.૭૦ ડૉલર સુધી વધ્યું હતું.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૬૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૧૮ રૂપિયા વધ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં સોનાનો ભાવ ૨૯૭૦ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ ૫૩ રૂપિયા ઘટ્યો હતો. જાન્યુઆરી મહિનામાં સોનાનો ભાવ ૫૯૨૪ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ જાન્યુઆરીમાં ૭૫૧૬ રૂપિયા વધ્યો હતો. આમ ૨૦૨૫ના પ્રારંભિક બે મહિનામાં સોનાનો ભાવ ૮૮૯૪ રૂપિયા અને ચાંદીનો ભાવ ૭૪૬૩ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૪૯.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૯ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત ત્રીજે મહિને વધારો નોંધાયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં પ્રોડક્શન, નવા ઑર્ડર અને બાઇંગ ઍક્ટિવિટીમાં વધારો થતાં ઓવરઑલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધ્યો હતો. ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૦.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૩ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ, બન્ને સેક્ટરનો ગ્રોથ વધતાં ચીનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં પાંચ મહિનાની નીચી સપાટીએ ૫૦.૧ પૉઇન્ટ હતો. ચીને ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા લીધેલાં પગલાંની અસર હવે ધીમે-ધીમે દેખાવાની શરૂ થઈ છે.

અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર હેડલાઇન પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૨.૫ ટકાએ પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૨.૬ ટકા હતો તેમ જ કોર પ્રાઇસ ઇન્ડેક્સ ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૨.૬ ટકાએ પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૨.૯ ટકા હતો. અમેરિકન પબ્લિકની પર્સનલ ઇન્કમ જાન્યુઆરીમાં ૦.૯ ટકા વધી હતી જે ડિસેમ્બરમાં ૦.૪ ટકા હતી અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. અમેરિકન પબ્લિકનું પર્સનલ સ્પેન્ડિંગ જાન્યુઆરીમાં ૦.૨ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૦.૮ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૧ ટકા વધારાની હતી. અમેરિકાની એક્સપોર્ટ જાન્યુઆરીમાં બે ટકા વધી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૧૧.૯ ટકા વધી હતી. એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને જાન્યુઆરીમાં ૧૫૩.૩ અબજ ડૉલરે પહોંચી હતી જે ડિસેમ્બરમાં ૧૨૨ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૧૪.૭ અબજ ડૉલર હતી.

યુરો એરિયાનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૨.૪ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં છ મહિનાની ઊંચાઈએ ૨.૫ ટકા હતું. ફેબ્રુઆરીના ઇન્ફ્લેશન વિશે માર્કેટની ધારણા ૨.૩ ટકાની હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ-સમાપ્તિની પ્રોસેસ ફરી અટકી ગઈ છે. ઇઝરાયલ પોલીસના દાવા પ્રમાણે હમાસના નવા અટૅકમાં એકનું મૃત્યુ અને ચાર ઘાયલ થયા હતા જેને ઇઝરાયલી મિલિટરી ઑફિશ્યલ્સે યુદ્ધ-સમાપ્તિની પ્રોસેસ અંતર્ગત બંધકોને છોડવાનો ઇનકાર કરી દીધો હતો. ઉપરાંત રમઝાનના મહિનામાં યુદ્ધ-સમાપ્તિની પ્રોસેસના ભાગરૂપે ઇઝરાયલ દ્વારા અપાતી ફૂડ તથા અન્ય સહાય પણ એકાએક બંધ કરી દેવામાં આવી છે. ઇઝરાયલના મુખ્ય વિરોધપક્ષે પણ હમાસના નવા અટૅક બાબતે ઇઝરાયલની સરકારનો જોરદાર વિરોધ કર્યો હોવાથી ઇઝરાયલ-હમાસ યુદ્ધ-સમાપ્તિ ફરી ખોરંભે ચડી હતી. એ જ રીતે યુક્રેન-પ્રેસિડન્ડ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે અફરાતફરી બોલી જતાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાનું અભિયાન પણ સફળ થવા વિશે શંકા જાગી છે. આમ, ફરી જિયોપૉલિટિકલ ટેન્શન વધતાં સોના-ચાંદીમાં ઘટાડો અટક્યો છે. ટ્રમ્પના ટૅરિફ-વધારાથી ઇન્ફલેશનનો વધારો અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ  (ETF)ના હોલ્ડિંગમાં થયેલો વધારો જેવાં તેજીનાં કારણો હજી મોજૂદ હોવાથી જો જિયોપૉલિટિકલ ટેન્શનનું કારણ ઉમેરાશે તો સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ ફરી ચાલુ થતી જોવા મળશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૩૨૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૪,૯૭૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૪,૩૯૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market mumbai israel ukraine china finance news indian economy business news