ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફને પગલે વિશ્વના અબજોપતિઓએ બે દિવસમાં ૪૫,૮૪,૪૮૦ કરોડ ગુમાવ્યા

06 April, 2025 01:00 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અબજોપતિઓની સંપત્તિમાં ગુરુવારે ૨૦૮ અબજ ડૉલર અને શુક્રવારે ૩૨૯ અબજ ડૉલરનું ગાબડું પડ્યું, શુક્રવારનો ઘટાડો કોવિડ બાદ સૌથી મોટો ઘટાડો હતો

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે ટૅરિફની જાહેરાત કરી એ પછીના બે દિવસમાં વિશ્વભરનાં શૅરબજારોમાં ભારે ઘટાડાને પગલે બ્લૂમબર્ગ બિલ્યનર્સ ઇન્ડેક્સમાં વિશ્વના ૫૦૦ શ્રીમંતોને સામૂહિક રીતે આશરે ૫૩૬ બિલ્યન ડૉલર (આશરે ૪૫,૮૪,૪૮૦ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. આ બે દિવસમાં સ્ટૅન્ડર્ડ ઍન્ડ પુઅર (S&P) 500 ઇન્ડેક્સ ૧૦.૫ ટકા અને નૅસ્ડૅક કમ્પોઝિટ ૧૧.૪ ટકા ઘટ્યો હતો.

શુક્રવારે ૩૨૯ બિલ્યન ડૉલર (આશરે ૨૮,૧૩,૯૮૧ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું જે ૨૦૨૦માં કોવિડ-19 રોગચાળાની ટોચ પછીનો સૌથી મોટો ઘટાડો હતો. ગુરુવારે ૨૦૮ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો હતો. આ બે દિવસના ઘટાડાને પગલે લગભગ ૯૦ ટકા અબજોપતિઓની સંપત્તિમાં સરેરાશ ૩.૫ ટકાનો ઘટાડો થયો હતો.

ઈલૉન મસ્કને સૌથી વધારે નુકસાન
ઈલૉન મસ્કની કંપની ટેસ્લાના શૅરના ભાવમાં શુક્રવારે ૧૦ ટકાનો ઘટાડો થયો હતો અને સંપત્તિમાં ૩૧ બિલ્યન ડૉલરનું નુકસાન થયું હતું. આ પહેલાં ગુરુવારે પણ શૅરના ભાવ ઘટ્યા હતા. તેમને આ વર્ષે આશરે ૧૩૦ બિલ્યન ડૉલરનું નુકસાન થયું છે.

બીજા નંબરે મેટા પ્લૅટફૉર્મ્સના માર્ક ઝકરબર્ગને ૨૭ બિલ્યન ડૉલરનું નુકસાન થયું હતું. તેમની સોશ્યલ મીડિયા કંપનીના શૅરના ભાવમાં ૧૪ ટકાનો ઘટાડો થયો હતો.

donald trump business news stock market finance news indian economy news international news world news