મકાઈ-ચોખાના ઉત્પાદનનો અંદાજ વધારતી વૈશ્વિક એજન્સીઓ

14 March, 2023 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં ખરીફમાં ઉત્પાદનમાં થયેલો ઘટાડો રવીમાં પૂરો થાય એવી ધારણા: વૈશ્વિક ઘઉંના ઉત્પાદનનો અંદાજ પણ ‘ફાઓ’એ વધાર્યો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બે મોટી એજન્સીએ ભારતીય ચોખા અને મકાઈનાં ઉત્પાદનના અંદાજમાં સાનુકૂળ વાતાવરણને કારણે વધારો કર્યો છે. ખાસ કરીને ખરીફ સીઝનમાં થયેલા ઘટાડાની સામે રવિ સીઝનમાં ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ હોવાથી કુલ ઉત્પાદનમાં વધારો કર્યો છે.

અમેરિકન કૃષિ સંસ્થા અને યુનાઇટેડ નૅશન્સની ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ એજન્સી (ફાઓ)એ ભારતીય મકાઈ અને ચોખાનાં પાકનો અંદાજ વધાર્યો છે.

ભારતીય કૃષિ મંત્રાલયે ભારતીય ચોખાના ઉત્પાદનનો અંદાજ ૧૩૦૮.૪ લાખ ટનનો મૂક્યો છે. ખરીફ સીઝનમાં ઉત્પાદન ગયા વર્ષના ૧૧૧૦ લાખ ટનથી ઘટીને ૧૦૮૦.૭ લાખ ટન થવાનો અંદાજ મુકાયો હતો, જેની તુલનાએ રવિ સીઝનનો પાક સારો હોવાથી કુલ અંદાજ ઊંચો આવ્યો છે. અમેરિકન કૃષિ સંસ્થાએ ભારતીય ચોખાના પાકનો અંદાજ ૧૩૨૦ લાખ ટનનો મૂક્યો છે, જે અગાઉના વર્ષના અંદાજની તુલનાએ બે ટકા વધારે છે. એ જ રીતે ફાઓએ પણ ભારતીય ચોખાના ઉત્પાદનના અંદાજમાં ૬૪ લાખ ટનનો વધારો કર્યો છે. અમેરિકન કૃષિ સંસ્થાએ ભારતીય મકાઈના પાકનો અંદાજ પણ વધાર્યો છે.

વૈશ્વિક અનાજના ઉત્પાદનની વાત કરીએ તો ફાઓએ તાજેતરના જાહેર કરેલા અંદાજ મુજબ વૈશ્વિક ઘઉંનો પાક ૭૯૪૬ લાખ ટન થવો અંદાજ છે, જે ગત વર્ષે ૭૭૮૦ લાખ ટન થયું હતું. યુએસડીએ ચાલુ વર્ષના પાકનો અંદાજ ૭૮૩૮ લાખ ટનનો મૂક્યો છે, જે ગત વર્ષે ૭૭૯૩ લાખ ટનનો પાક હતો. મકાઈના પાકનો વૈશ્વિક અંદાજ ફાઓના મતે ૧૧,૫૭૬ લાખ ટન અને અમેરિકન કૃષિ સંસ્થાના મતે ૧૧,૫૧૪ લાખ ટન થવાનો અંદાજ છે. ગયા વર્ષે બન્ને એજન્સીના પાકનો અંદાજ ૧૨,૧૨૧ લાખ ટન અને ૧૨,૧૬૦ લાખ ટનનો હતો.

business news commodity market