હિંડનબર્ગનો અહેવાલ બનાવટી, ભારત પર છે હુમલો : અદાણી ગ્રુપનો દાવો

30 January, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી જૂથને ભારે નુકસાન : ગ્રુપ કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો : હવે અદાણી ગ્રુપે અહેવાલને બનાવટી ગણાવ્યો, આપ્યો જવાબ

ગૌતમ અદાણી (ફાઇલ તસવીર)

અમેરિકન ફર્મ હિંડનબર્ગ (Hindenburg)નો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપ (Adani Group)ના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. હિંડનબર્ગના અહેવાલને ખોટો ઠેરવતા ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી જૂથે આક્ષેપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે. સાથે જ અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચ પર યોગ્ય સંશોધન અને કોપી-પેસ્ટિંગ ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, રિપોર્ટમાં યોગ્ય સંશોધન કર્યું નથી અથવા તો યોગ્ય સંશોધન કર્યું છે પરંતુ લોકોને ગેરમાર્ગે દોર્યા છે.

અદાણી ગ્રૂપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) જુગશિન્દર સિંઘે એક ટેલિવિઝન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંડનબર્ગને પ્રશ્ન થવો જોઈએ કે તેણે અદાણી ગ્રૂપને પૂછેલા પ્રશ્નોને તેમના રિપોર્ટમાં કેમ ખોટી રીતે રજૂ કર્યા છે.

અદાણી ગ્રૂપે શનિવારે રોકાણકારોને જાહેર કરેલા ૪૧૩ પાનાના અહેવાલ બાદ ઇન્ટરવ્યુમાં હિંડનબર્ગ રિસર્ચના તમામ ૮૮ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સિંઘે કહ્યું હતું કે, ‘તમામ ૮૮ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે અને તેમ છતાં અમે તમામ ૮૮ પ્રશ્નોના જવાબ આપ્યા ન હોય તો તેઓએ અમારા ખુલાસાઓનો ઉપયોગ કર્યો છે અને કોઈ સંશોધન કર્યું નહીં. આમાંથી ૬૮ પ્રશ્નો બોગસ અને ભ્રામક છે. તેઓએ કોઈ સંશોધન કર્યું ન હતું પરંતુ કટ-કોપી અને પેસ્ટ કર્યું હતું. તેમના અહેવાલનો હેતુ FPOને નુકસાન પહોંચાડવાનો હતો. અનએ એ તો વધુ ખરાબ છે જો તેમણે સંશોધન કર્યું અને જાણીજોઈને લોકોને ગેરમાર્ગે દોર્યા. તમારે તેમને પૂછવું જોઈએ કે તેમણે ૬૮ પ્રશ્નો શા માટે ખોટી રીતે રજૂ કર્યા.’

આ પણ વાંચો - એક ઑર રિપોર્ટ અને અદાણીના શૅરોમાં ૯૬૬૭૦ કરોડ રૂપિયા ડૂલ

જ્યારે બાકીના ૨૦ પ્રશ્નો વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિંઘે કહ્યું કે, આ એવા પ્રશ્નો છે કે શા માટે અદાણી જૂથ ટીકા સ્વીકારતું નથી. અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ અમે જૂઠાણું સ્વીકારતા નથી. પછી કોઈની અંગત કૌટુંબિક ઓફિસ પર પ્રશ્નો હોય, તો અમે તેનો જવાબ આપી શકતા નથી. હિંડનબર્ગના જૂઠાણા અને ખોટી રજૂઆતો પર આધારિત બનાવટી અહેવાલમાં પણ અદાણી જૂથના વ્યવસાયમાં કંઈપણ ખોટું નથી. તે રિપોર્ટમાં પણ અમારા મૂળભૂત વ્યવસાયમાં કંઈ જોવા મળ્યું નથી.`

સિંઘે ઑડિટ ફર્મ શાહ ધારિયાનો પણ બચાવ કર્યો હતો, જેની સક્ષમતા માટે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. હિંડનબર્ગે રિપોર્ટમાં ચાર ભાગીદારો અને અગિયાર કર્મચારીઓ ધરાવતી ફર્મની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. શા માટે તેણે ડેલોઈટ, કેપીએમજી, અર્ન્સ્ટ એન્ડ યંગ, પીડબલ્યુસી જેવી મોટી એકાઉન્ટિંગ કંપનીઓમાંની એકને પણ પેનલમાં સામેલ ન કરી? તેમ કહ્યું હતું. જેના જવાબમાં સિંઘે કહ્યું કે, ‘શું તમને લાગે છે કે અમારા જેવી મોટી ભારતીય કંપની પર ભારતીય વેન્ડર વિકસાવવાની કોઈ જવાબદારી નથી? જો આપણે નાની ભારતીય પેઢીને મદદ કરીએ છીએ, તો શું તે ખરાબ બાબત છે? અમારી પાસે ૨૧,૦૦૦ નાના વિક્રેતાઓ છે.’

આ પણ વાંચો - બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં અંબાણી અને અદાણી બન્નેની પીછેહઠ

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે હિંડનબર્ગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આયોજનમાં સામેલ હતું. કંપનીએ અહેવાલમાં દાવો કર્યો છે કે તેણે જૂથના ભૂતપૂર્વ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ડઝનેક વ્યક્તિઓ સાથે વાત કરીને હજારો દસ્તાવેજોની સમીક્ષા કરી છે અને લગભગ અડધો ડઝન દેશોમાં ઉદ્યોગ સાઇટની મુલાકાત લીધી હતી.

business news gautam adani stock market national stock exchange bombay stock exchange