16 February, 2024 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્પૉટ બીટકૉઇન ઈટીએફમાં નાણાંનો પ્રવાહ ચાલુ રહેતાં ગુરુવારે પણ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૭૭ ટકા (૧૧૪૯ પૉઇન્ટ) વધીને ૬૬,૧૪૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૬૪,૯૯૩ ખૂલીને ૬૬,૪૮૫ની ઉપલી અને ૬૪,૬૩૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ડોઝકૉઇન, બીએનબી, એક્સઆરપી અને અવાલાંશમાં ૪થી ૫ ટકાની રેન્જમાં વધારો થયો હતો. ટોચના ઘટનાર કૉઇન ટોનકૉઇન, પોલકાડૉટ, ચેઇનલિન્ક અને લાઇટકૉઇન હતા. બીટકૉઇન ૧.૭૩ ટકા વધીને ૫૨,૨૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચ્યો હતો.
દરમ્યાન, યુરોપિયન યુનિયનની ફાઇનૅન્શિયલ સર્વિસિસ કમિટીએ પોતાની આગામી બેઠકમાં ડિજિટલ ફાઇનૅન્સ અને ક્રિપ્ટોકરન્સી વિશે ચર્ચા કરવાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં ક્રિપ્ટોકરન્સી પર નજર રાખી શકાય અને ડિજિટલ યુરોને પ્રોત્સાહન આપી શકાય એવો એનો ઉદ્દેશ છે. બીજી બાજુ, ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પૉવેલે સ્ટૅબલકૉઇનનું નિયમન કરવાની જરૂર પર ભાર મૂક્યો છે.
એક અહેવાલ મુજબ સિટી બૅન્કે પ્રાઇવેટ ઇક્વિટી ફંડનું અવાલાંશ પર આધારિત ટોકનાઇઝેશન કરીને બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો કૅપિટલ માર્કેટમાં ઉપયોગ શરૂ કર્યો છે. અમેરિકાની એમ્પોરિયા સ્ટેટ યુનિવર્સિટી અને ભારતની અલાહાબાદ યુનિવર્સિટીએ આરોગ્ય ક્ષેત્રે બ્લૉકચેઇન સિસ્ટમ વિકસાવી છે. તબીબી ઉપકરણો પર નજર રાખવા માટે બ્લૉકચેઇનનો ઉપયોગ કરવા માટેનું આ કાર્ય છે.