મફત અનાજ-કઠોળની યોજના વધુ ચાર મહિના લંબાવાતાં ૧૬૩ લાખ ટન અનાજનો વપરાશ વધશે

26 November, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારી ગોડાઉનોમાં બફર સ્ટૉકના નિયમ કરતાં ત્રણ ગણા સ્ટૉકનું દબાણ હળવું થશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે કોરોનાકાળની શરૂઆતમાં શરૂ કરેલી મફત અનાજ આપવાની યોજનાને વધુ ચાર મહિના માટે લંબાવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય આર્થિક બાબતની કૅબિનેટ કમિટીની બેઠક બાદ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચ મહિના સુધી લંબાવવાની જાહેરાત કરી છે. ચોથા તબક્કાની યોજના નવેમ્બર મહિનામાં પૂરી થઈ રહી છે.
કેન્દ્ર સરકાર નૅશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ અંતર્ગત દેશના નક્કી કરેલા પરિવારોને દર મહિને પાંચ કિલો માથાદીઠ ઘઉં કે ચોખા અને પરિવારદીઠ એક કિલો ચણાનું મફત વિતરણ કરે છે. કેન્દ્ર સરકારે આ યોજનાનો પહેલો અને બીજો તબક્કો એપ્રિલથી જૂન ૨૦૨૦ અને ત્રીજો તબક્કો મેથી જૂન ૨૦૨૧ અને ચોથો તબક્કો જુલાઈથી નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલુ રાખ્યો હતો. પાંચમા તબક્કાના ચાર મહિના દરમિયાન કુલ ૫૩,૩૪૪.૫૨ કરોડ રૂપિયાની સબસિડીનો વપરાશ થવાનો અંદાજ છે. વળી આ તબક્કામાં કુલ ૧૬૩ લાખ ટન અનાજનો વપરાશ થવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના કુલ ચાર તબક્કામાં ૬૦૦ લાખ ટન અનાજ અને ૨.૦૭ લાખ કરોડ રૂપિયાની સબસિડીનો વપરાશ કર્યો છે. ચોથા તબક્કામાં અત્યાર સુધીમાં જે રાજ્યોને જેટલો જથ્થો ફાળવ્યો હતો એના ૯૩.૮ ટકા ફાળવણી થઈ ચૂકી છે. જુલાઈ મહિનામાં આશરે ૩૭.૩૨ લાખ ટન, ઑગસ્ટમાં ૩૭.૨૦ લાખ ટન, સપ્ટેમ્બરમાં ૩૬.૮૭ લાખ ટન, ઑક્ટોબરમાં ૩૫.૪૦ લાખ ટન, નવેમ્બરમાં ૧૭.૯૦ લાખ ટનનું વિતરણ થયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજની યોજનાને પગલે સ્થાનિક બજારમાં ઘઉંની બજારમાં ઘટાડો થયો હતો, પંરતુ સરેરાશ બજારો ચાલુ વર્ષે અપ રહ્યાં છે. કેન્દ્ર સરકાર હસ્તકનાં ગોડાઉનમાં ઘઉં કે ચોખાનો વિક્રમી સ્ટૉક પડ્યો છે અને સરકારના બફર સ્ટૉકના નિયમ કરતાં બમણો કે ત્રણ ગણો જેટલો સ્ટૉક પડ્યો છે. જો સરકાર દ્વારા મફત આપવામાં ન આવે તો મોટા પાયે બગાડ થવાની
પણ સંભાવના હતી. આવી સ્થિતિમાં સરકારે જરૂરિયાતમંદોને મફત વિતરણ કરીને એક કાંકરે અનેક પક્ષીઓ માર્યાં છે. સરકારે એફસીઆઇ ઉપરના ભારણને પણ ઘટાડવામાં મોટી મદદ કરી છે.

business news indian government