05 January, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતમાંથી રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસ ટૂંકમાં વધશે : એઈપીસી
ભારતમાં તૈયાર થતાં વસ્ત્રોની મોટી માગ હોવાથી આગામી મહિનાઓમાં એની નિકાસ વધશે એવો અંદાજ ઍપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઈપીસી)ના ચૅરમૅન એ. શક્તિવેલે વ્યક્ત કર્યો છે.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાંથી ખરીદદારોએ મોટા ઑર્ડર આપ્યા છે. ગત ડિસેમ્બરમાં તૈયાર વસ્ત્રોની નિકાસમાં બાવીસ ટકાનો વધારો થયો હતો. ડિસેમ્બર ૨૦૨૦ની ૧.૨૦ અબજ ડૉલરની નિકાસની સામે ડિસેમ્બર ૨૦૨૧માં ૧.૪૬ અબજ ડૉલરની નિકાસ થઈ હતી. ઍપરલની કુલ નિકાસ ગત એપ્રિલ-ડિસેમ્બર ગાળામાં ૧૧.૧૩ અબજ ડૉલર હતી.
શક્તિવેલે વધુમાં જણાવ્યું હતું કે ટેક્સટાઇલ્સ અને ઍપરલ્સ માટેની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (ઉત્પાદન આધારિત સવલત) યોજના અને પ્રાઇમ મિનિસ્ટર મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન ઍન્ડ ઍપરલ યોજના એ બન્નેની મદદથી ભારત આ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી તરીકેનું પોતાનું સ્થાન ફરીથી પ્રાપ્ત કરશે.
નિકાસને વેગ આપવા બ્રૅન્ડ ઇન્ડિયા અભિયાન
વાણિજ્ય મંત્રાલય ભારતમાંથી નવી માર્કેટમાં ચીજવસ્તુઓ તથા સર્વિસિસની નિકાસને વેગ આપવા માટે બ્રઈન્ડ ઇન્ડિયા અભિયાન શરૂ કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે જેમ્સ ઍન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ, ચા, કૉફી, મસાલા જેવાં ઉત્પાદનો ઉપરાંત શિક્ષણ, આરોગ્ય-સેવા, ફાર્મા તથા એન્જિનિયરિંગ ક્ષેત્રની સર્વિસિસની નિકાસ પર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવશે.