17 February, 2022 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાંથી જાન્યુઆરી મહિનામાં તેલીબિયાં ખોળની નિકાસમાં આગલા મહિનાની તુલનાએ ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાં મુખ્યત્યે રાયડા ખોળની નિકાસમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. જોકે એરંડા ખોળની નિકાસમાં ૩૯ ટકાનો ઘટાડો પણ થયો છે.
સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે દેશમાંથી જાન્યુઆરી મહિનામાં તેલીબિયાં ખોળની કુલ નિકાસ ૧.૭૬ લાખ ટનની થઈ છે, જે આગલા મહિને ડિસેમ્બર ૨૦૨૧માં ૧.૭૦ લાખ ટનની થઈ હતી. આમ ચાર ટકા નિકાસ વધી છે. જાન્યુઆરી ૨૦૨૧ની તુલનાએ નિકાસમાં ચાલુ વર્ષે ૬૫ ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે જાન્યુઆરીમાં ૫.૦૧ લાખ ટનની નિકાસ થઈ હતી. ખાસ કરીને સોયા ખોળ અને રાયડા ખોળની નિકાસ ઘટી હોવાથી કુલ નિકાસ ઘટી છે.
રાયડા ખોળની નિકાસ ૨૫ ટકા ઘટીને ૧૬,૧૬૪ ટનની થઈ છે, જ્યારે એરંડા ખોળની નિકાસમાં ૩૯ ટકાનો ઘટાડો થઈને ૩૫,૦૦૦ ટનની નિકાસ થઈ છે. સોયા ખોળની નિકાસ ૨૨ ટકા વધીને ૫૨,૭૭૧ ટનની થઈ છે.
તેલીબિયાંની ૧૦ મહિનાની નિકાસ ૩૫ ટકા ઘટી
દેશમાંથી એપ્રિલ ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન કુલ ૧૦ મહિનાની તેલીબિયાંની નિકાસમાં ૩૫ ટકાનો ઘટાડો થઈને આ વર્ષે ૧૯.૪૩ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૨૯.૬૯ લાખ ટનની નિકાસ થઈ હતી. ખાસ કરીને સોયા ખોળમાં નિકાસ પેરિટી ન હોવાથી અને ભારતની તુલનાએ બીજા દેશના ભાવ નીચા હોવાથી નિકાસને અસર પહોંચી છે.