તેલીબિયાં ખોળની નિકાસ એપ્રિલમાં આગલા મહિના કરતાં ૧૪ ટકા ઘટી

20 May, 2023 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાયડા ખોળ અને સોયા ખોળની સારી નિકાસને પગલે ગયા વર્ષ કરતાં ૪૮ ટકા વધી

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસમાં એપ્રિલમાં આગલા મહિના કરતાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. ખાસ કરીને સોયા ખોળની નિકાસ પચીસ ટકા ઘટી હોવાથી કુલ નિકાસમાં ઘટાડો થયો હતો.

સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ મુજબ દેશમાં એપ્રિલમાં તેલીબિયાં ખોળની નિકાસ ૪.૯૩ લાખ ટનની નિકાસ થઈ છે, જે આગલા મહિને ૫.૭૬ લાખ ટનની નિકાસ થઈ હતી. આમ નિકાસમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે એપ્રિલમાં તેલીબિયાં ખોળની કુલ ૩.૩૨ લાખ ટનની નિકાસ થઈ હતી, જેની તુલનાએ નિકાસ ૪૮ ટકા વધારે છે.

ભારતીય સોયા ખોળના ભાવ અત્યારે ૪૫૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના છે જે એપ્રિલ ૨૦૨૨માં ૬૭૪૦ રૂપિયા હતા, જેને કારણે સોયા ખોળની નિકાસ છેલ્લા સાત મહિનાથી વધી રહી છે.

આર્જેન્ટિનાના સોયા ખોળના ભાવ રોડરડમ ૫૧૬ ડૉલર પ્રતિ ટન છે, જ્યારે ભારતના કંડલા પોર્ટ ૫૭૦ ડૉલર પ્રતિ ટનના છે.  ભારતીય સોયા ખોળના સૌથી મોટા આયાતકાર સાઉથ ઈસ્ટ એશિયન દેશો છે અને લૉજિસ્ટિક પણ ભારતથી આયાત કરવી સરળ હોવાથી એની આયાત વધી રહી છે.

દેશમાંથી રાયડા ખોળની નિકાસ પણ સારી માત્રામાં થઈ રહી છે. વીતેલા વર્ષમાં કુલ ૨૨.૯૭ લાખ ટનની નિકાસ થયા બાદ ચાલુ વર્ષના પહેલા મહિનામાં પણ ૨.૪૬ લાખ ટનની નિકાસ થઈ હતી.

business news