26 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પે મીમકૉઇનના ટોચના ધારકો માટે ખાસ રાત્રિભોજન ગોઠવ્યું હતું
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ક્યારે શું કરશે એનું કંઈ કહેવાય નહીં. ગુરુવાર બાવીસમી મેએ તેમણે આ મીમકૉઇનના ટોચના ધારકો માટે ખાસ રાત્રિભોજન ગોઠવ્યું હતું. વૉશિંગ્ટન નજીક પોતાના ગૉલ્ફ ક્લબમાં તેમણે આ ભોજન સમારંભ ગોઠવ્યો હતો જેની સામે ઘણા બધા લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
એક અંદાજ મુજબ મીમકૉઇનના ટોચના ૨૨૦ ખરીદદારો સાથે ભોજન રખાયું હતું. એમાંથી પચીસ જણને ભોજન લેતાં પહેલાં ટ્રમ્પ સાથે અંગત રીતે વાઇટ હાઉસ જોવા લઈ જવાયા હતા. ટ્રમ્પ વાઇટ હાઉસથી લશ્કરી હેલિકૉપ્ટરમાં ટ્રમ્પ નૅશનલ ગૉલ્ફ ક્લબ ગયા હતા. ટ્રમ્પ પ્રમુખ બન્યા એના ત્રણ દિવસ પહેલાં જ આ મીમકૉઇનનું ઉદ્ઘાટન થયું હતું. સમારંભનું આયોજન ટ્રમ્પના બિઝનેસ પાર્ટનર્સના સહયોગથી કરાયું હતું.
દરમ્યાન, શુક્રવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૧.૬૩ ટકા ઘટીને ૩.૪૫ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું. બિટકૉઇન ૧.૫૮ ટકા ઘટીને ૧,૦૯,૩૭૮ ડૉલર થયો હતો, જ્યારે ઇથેરિયમમાં ૩.૪૫ ટકા ઘટાડા સાથે ૨૫૮૦નો ભાવ ચાલી રહ્યો હતો. ૨૪ કલાકના ગાળામાં એક્સઆરપીમાં ૨.૨૪ ટકા અને બીએનબીમાં ૧.૬૪ ટકા ઘટાડો થયો હતો. સોલાનામાં ૧.૮૧ ટકા વધારો નોંધાયો હતો.