17 October, 2024 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્રોએ પ્રમોટ કરેલા ક્રિપ્ટોકરન્સી પ્રોજેક્ટ વર્લ્ડ લિબર્ટી ફાઇનૅન્શિયલમાં મંગળવારે ટોકન વેચવાની શરૂઆત થવાની સાથે ટેક્નિકલ બગાડ થયો હતો. આ પ્રોજેક્ટની વેબસાઇટ પર બપોરથી અનેક વખત ખોટકો થયો હતો. આ કંપનીએ ટોકનના વેચાણ મારફત ૩૦૦ મિલ્યન ડૉલર પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. એને માટે ઍક્રેડિટેડ રોકાણકારોની મંજૂર થનારી યાદી માટે નામ સ્વીકારવાની શરૂઆત થઈ હતી. એક મિલ્યન ડૉલર કરતાં વધુ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ જ ઍક્રેડિટેડ રોકાણકાર બની શકે છે. વર્લ્ડ લિબર્ટી ફાઇનૅન્શિયલે ગયા ઑગસ્ટમાં નૉન-ફન્જિબલ ટોકનનું ચોથું કલેક્શન લૉન્ચ કર્યું હતું.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકૉઇનની વૃદ્ધિ યથાવત્ રહેતાં એનો ભાવ ૨.૯૩ ટકા વધીને ૬૭,૬૧૬ ડૉલર પર પહોંચ્યો હતો. બાઇનૅન્સ ૧.૫૯ ટકા, સોલાના ૧.૪૨ ટકા, રિપલ ૧.૭૫ ટકા, ડોઝકૉઇન ૧૧.૫૩ ટકા તથા ટ્રોન ૦.૬૯ ટકા વધ્યા હતા, જ્યારે કાર્ડાનો ૨.૬ ટકા અને અવાલાંશ ૫.૬૨ ટકા ઘટ્યા હતા.