07 April, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિટકૉઇનની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકન પ્રમુખે આખી દુનિયામાં સામસામી ટૅરિફ લાદવાનું જાહેર કર્યું એને પગલે સમગ્ર ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે. ગુરુવારે આ લખાઈ રહ્યું છે એ સમયે માર્કેટ કૅપિટલાઇઝેશન ૫.૧૫ ટકા ઘટીને ૨.૬ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે, જ્યારે બિટકૉઇનમાં પણ એટલો જ ઘટાડો થઈને ભાવ ૮૧,૨૮૧ ડૉલર થઈ ગયો છે. ઇથેરિયમમાં ૭ ટકાનો ઘટાડો થતાં ભાવ ૧૭૫૮ ડૉલર થયો છે. એક્સઆરપીમાં ૭.૮૧ ટકા, બીએનબીમાં ૪.૨૨, સોલાનામાં ૧૨.૨૩, ડોઝકૉઇનમાં ૧૦.૧૫, ટ્રોનમાં ૧.૮૩, કાર્ડાનોમાં ૧૦.૫૦ ટકા અને અવાલાંશમાં ૮.૧૬ ટકા ઘટાડો નોંધાયો છે.
કૉઇનપેનલ ખાતેના ઑટોમેશન ક્ષેત્રના નિષ્ણાત કિરિલ ક્રેટોવે કહ્યું હતું કે ‘ક્રિપ્ટો માર્કેટમાં હાલ સ્પષ્ટ પ્રતિક્રિયા આવી નથી. ક્રિપ્ટોના ભાવમાં ગરબડ થવાની શક્યતા રહેલી છે. આથી ઘણા રોકાણકારો ટૅરિફની બાબતે સ્પષ્ટતા થાય ત્યાં સુધી બજારથી દૂર રહેવાનું પસંદ કરશે એવો મારો મત છે.
નોંધનીય છે કે ૧૦થી ૫૦ ટકા સુધીની ટૅરિફને કારણે વેપારયુદ્ધ થવાની શક્યતા વધી ગઈ છે. વૈશ્વિક સપ્લાય ચેઇન પર એની પ્રતિકૂળ અસર થશે. અમેરિકામાં ઇક્વિટી માર્કેટમાં પણ ઘટાડો થયો છે.