ટ્રમ્પના નિવેદનને પગલે કાર્ડાનોના ભાવમાં ૪૮.૫૮ ટકાનો ઉછાળો

06 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિટકૉઇનમાં ૫.૭૪ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૯૦,૧૯૯ ડૉલર થયો છે. ઇથેરિયમમાં ૪.૮૧ ટકા વધારો થયો છે તથા ડોઝકૉઇનમાં 7 ટકા વધારો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

આજકાલ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ બીજાં કોઈ પરિબળો નહીં, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનાં નિવેદનોની અસર હેઠળ ચાલતી હોય એવું જણાય છે. અમેરિકામાં વ્યૂહાત્મક રિઝર્વ તરીકે ક્રિપ્ટોકરન્સીને સ્થાન આપવાની ટ્રમ્પની જાહેરાતને પગલે માર્કેટમાં ફરી ઉછાળો આવ્યો છે.  

ટ્રમ્પે બીજી માર્ચે કહ્યું હતું કે એક્સઆરપી, સોલાના અને કાર્ડાનો એ ત્રણ ઑલ્ટરનેટિવ કૉઇનને દેશની ક્રિપ્ટો અનામતમાં સ્થાન આપવા માટેનો ડિજિટલ ઍસેટ્સ માટે રચાયેલા કાર્યકારી જૂથને આદેશ આપવામાં આવ્યો છે. બીજા એક નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે અનામતમાં સ્વાભાવિક રીતે બિટકૉઇન અને ઇથેરિયમને પણ સ્થાન આપવામાં આવશે. જોકે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે માર્કેટમાં આવેલો જુવાળ થોડા સમય પૂરતો હોવાની શક્યતા છે. એનું કારણ એ છે કે અમેરિકન ક્રિપ્ટો રિઝર્વ રચવા માટેની મંજૂરીની પ્રક્રિયા ઘણી લાંબી છે.  

ટ્રમ્પની જાહેરાતને પગલે કાર્ડાનોના ભાવમાં સૌથી વધુ વૃદ્ધિ થઈ છે. આ લખાઈ રહ્યું છે એના ૨૪ કલાક પહેલાંના ગાળામાં એક્સઆરપી ૧૭.૮૦ ટકા વધીને ૨.૬૦ ડૉલર પર પહોંચી ગયો છે. સોલાનામાં ૧૨.૯૮ ટકા અને કાર્ડાનોમાં ૪૮.૫૮ ટકા વધારો થયો છે. બિટકૉઇનમાં ૫.૭૪ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૯૦,૧૯૯ ડૉલર થયો છે. ઇથેરિયમમાં ૪.૮૧ ટકા વધારો થયો છે તથા ડોઝકૉઇનમાં 7 ટકા વધારો થયો છે.

crypto currency bitcoin donald trump united states of america finance news business news