ચીનમાં કોરોનાના કેસોમાં એકાએક મોટો વધારો થતાં યુઆન સામે ડૉલર સુધરતાં સોનાની તેજીને બ્રેક

22 December, 2022 03:27 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના હાઉસિંગ સેક્ટરનો ડેટા નબળો આવતાં સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેવાની ધારણા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચીનમાં કોરોનાના કેસમાં એકાએક મોટો વધારો થતાં યુઆનની નબળાઈને કારણે ડૉલર સુધરતાં સોનામાં એકધારી આગળ વધી રહેલી તેજીને બ્રેક લાગી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૯૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૨૮ રૂપિયા સુધર્યાં હતાં.

વિદેશી પ્રવાહ 

ચીનમાં કોરોનાના કેસ એકાએક વધવા લાગતાં ચાઇનીઝ કરન્સી યુઆનનું મૂલ્ય ગગડતાં ડૉલર સુધર્યો હતો અને સોનામાં એકધારી આગળ વધતી તેજીને બ્રેક લાગી હતી. સોનું મંગળવારે એક ટકો વધીને ઊંચામાં ૧૮૨૩ ડૉલર સુધી વધ્યું હતું જે બુધવારે ઘટીને ૧૮૧૨થી ૧૮૧૩ ડૉલરે સ્થિર થયું હતું. ચીનમાં કોરોનાના કેસ વધતાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ ચિંતા બતાવી હતી અને ભારત સહિત અનેક દેશોએ કોરોનાની નવી લહેર આવે એ પહેલાં તકેદારીનાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી હતી. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ઇકૉનૉમિક ઇન્ડિકેટર સતત નબળાં પડી રહ્યાં છે. ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન, રીટેલ સેલ્સ, મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથના ડેટા નબળા આવ્યા બાદ હવે હાઉસિંગ સેક્ટરના મહત્ત્વના ડેટા રિસેશનનો સ્પષ્ટ સંકેત આપવા લાગ્યા છે. અમેરિકાનો બિ​લ્ડિંગ પરમિટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૧૧.૨ ટકા ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. નવેમ્બરમાં ૧૩.૪૨ લાખ નવી બિ​લ્ડિંગ પરમિટો અપાઈ હતી જે બે વર્ષની સૌથી નીચી પરમિટો હતી. માર્કેટની ધારણા ૧૪.૮૫ લાખ નવી બિ​લ્ડિંગ પરમિટો મળવાની હતી. સિંગલ ફૅમિલી બિ​લ્ડિંગ પરમિટો ૭.૧ ટકા ઘટી હતી અને મ​લ્ટિ ફૅમિલી બિ​લ્ડિંગ પરમિટો ૧૬.૪ ટકા ઘટી હતી. અમેરિકાનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યો હતો, નવેમ્બરમાં હાઉસિંગ સ્ટાર્ટ ઘટીને ૧૪.૨૭ લાખે પહોંચ્યો હતો. સિંગલ ફૅમિલી હાઉસિંગ સ્ટાર્ટ ૪.૧ ટકા ઘટ્યો હતો અને ફાઇવ યુનિટથી વધારે યુનિટ ધરાવતાનો હાઇસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ૪.૮ ટકા ઘટ્યો હતો. 

યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઑક્ટોબરમાં ૪.૪ અબજ યુરોએ પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૬.૫૧ અબજ યુરોની સરપ્લસ હતી. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ છેલ્લા એક વર્ષમાં સરપ્લસમાંથી ડેફિસિટમાં પરિવર્તિત થઈ હતી. ગુડ્ઝ અકાઉન્ટની ડેફિસિટ ૨.૬ અબજ યુરો હતી જે એક વર્ષ અગાઉ ૧૨.૯ અબજ યુરોની સરપ્લસ હતી. સર્વિસ સેક્ટરમાં હજુ ૭.૭ અબજ યુરોની સરપ્લસ હતી. યુરો એરિયામાં જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૮૬.૭ અબજ યુરો હતી જે ગયા વર્ષે આ સમયગાળાના ૨૫૩ અબજ ડૉલરની સરપ્લસ હતી. 

યુરો એરિયાનો કન્ઝયુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૧.૭ પૉઇન્ટ સુધરીને માઇનસ ૨૨.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ઑલટાઇમ લો સપાટીએ માઇનસ ૨૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. ત્યાર બાદ છેલ્લા ચાર મહિનાથી કન્ઝયુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ સતત સુધરી રહ્યો છે. યુરો એરિયાની સાથે યુરોપિયન યુનિયનનો પણ કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ૧.૪ પૉઇન્ટ સુધરીને માઇનસ ૨૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. યુરોપિયન દેશોમાં ક્રિસમસની રજાઓનો માહોલ અને ઇન્ફલેશનના ઘટાડાને કારણે કન્ઝ્યુમર કૉન્ફિડન્સ સતત સુધરી રહ્યો છે. 
ઑસ્ટ્રેલિયન ઇકૉનૉમીની હેલ્થ બતાવતો મેલબર્ન ઇ​ન્સ્ટિટ્યૂટ લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ નવેમ્બરમાં ૦.૧ ટકા ઘટીને ૯૭.૬૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૯૭.૭૭ પૉઇન્ટ હતો. આગામી છ મહિનાની ઇકૉનૉમિક સ્થિતિને બતાવતો ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો. લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ નવેમ્બરમાં સતત ચોથા મહિને ઘટ્યો હતો. ઑસ્ટ્રેલિયન ઇકૉનૉમિસ્ટોને મતે ૨૦૨૩માં ઇકૉનૉમિક સ્થિતિ વધુ બગડવાના સંકેતો મળી રહ્યા છે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ  

વિશ્વની તમામ સેન્ટ્રલ બૅન્કોએ શ્રેણીબદ્ધ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો એની સામે બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખીને એને કારણે જપાનીઝ કરન્સી યેનનું મૂલ્ય સતત ગગડતું રહ્યું અને જપાનની ઇકૉનૉમીને એનું નુકસાન થવાનું ચાલુ થતાં બૅન્ક ઑફ જપાને તરત જ સ્ટૅન્ડ બદલ્યું.

બૅન્ક ઑફ જપાને ટેન યર બૉન્ડનો ટૉલરન્સ બૅન્ડ ૦.૨૫ ટકાથી વધારીને ૦.૫૦ ટકા કરતાં હવે જપાન ટૂંક સમયમાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાનો સંકેત મળતાં જ અમેરિકન ડૉલર તૂટ્યો હતો અને સોનું ૧૮૦૦ ડૉલરની સપાટી કુદાવીને તેજીની રાહે આગળ વધ્યું હતું. ઇન્ફલેશન સતત વધી રહ્યું હોવાથી એના દબાણને હળવું કરવા હવે અમેરિકા સિવાયના તમામ દેશો ઇન્ટરેસ્ટ રેટ વધારતા રહેશે એની સામે અમેરિકા પાસે હવે ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે બહુ ઓછી જગ્યા બચી હોવાથી આગામી દિવસોમાં ડૉલર વધુ ઘટતો જશે અને સોનું સતત તેજીની રાહે આગળ વધતું રહેશે. ૨૦૨૩નું વર્ષ સોનાની તેજીનું બની રહેશે એવા સ્પષ્ટ સંકેતો મળવાના શરૂ થયા છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૪,૭૦૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૪,૪૮૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૧૭૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market