01 March, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાયબિટ એક્સચેન્જમાં થયેલા હૅકિંગની ઘેરી અસર વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર થઈ છે. ગયા એક સપ્તાહમાં મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં ૮થી ૨૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. પાછલા સાત દિવસમાં બિટકૉઇનમાં ૧૬.૩૧ ટકા અને ઇથેરિયમમાં ૨૨.૫૧ ટકા ઘટાડા સાથે ભાવ અનુક્રમે ૮૨,૯૨૯ ડૉલર અને ૨૧૮૮ ડૉલર થઈ ગયો છે. એક્સઆરપીમાં ૨૧ ટકા, બીએનબીમાં ૧૨.૧૩ ટકા, સોલાનામાં ૧૮.૬૦ ટકા, ડોઝકૉઇનમાં ૨૫ ટકા, કાર્ડાનોમાં ૨૩ ટકા, ટ્રોનમાં ૮ ટકા, ચેઇનલિન્કમાં ૨૪ ટકા અને અવાલાંશમાં ૧૮.૧૬ ટકા ઘટાડો થયો છે. વૈશ્વિક માર્કેટનું કૅપિટલાઇઝેશન આ લખાઈ રહ્યું છે એની પહેલાંના ૨૪ કલાકના ગાળામાં ૪.૭૦ ટકા ઘટીને ૨.૭૧ ટ્રિલ્યન ડૉલર રહી ગયું છે.
નોંધનીય છે કે ક્રિપ્ટો માર્કેટના નિષ્ણાતોએ પણ હૅકિંગની ઘટનાને ગંભીર ગણાવી છે, કારણ કે અત્યાર સુધીના સૌથી મોટા હૅકિંગમાં અત્યંત સલામત ગણાતી વ્યવસ્થાને પણ ભેદી કઢાઈ હતી. હૅકર્સે કોલ્ડ વૉલેટ ગણાતા સ્ટોરેજમાં ભંગાણ કર્યું હતું. આ વૉલેટ સામાન્ય રીતે ઑનલાઇન નેટવર્કથી અલગ રખાય છે અને એમાં પ્રાઇવેટ કી સંગ્રહાયેલી હોય છે.