BSEએ ગેરકાયદે પ્રવૃત્તિ મારફત રોકાણકારોને આકર્ષતી વધુ પાંચ હસ્તીઓ સામે ચેતવણી જાહેર કરી

11 September, 2025 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સંસ્થાઓ રોકાણકારોને સિક્યૉરિટીઝ માર્કેટ ટિપ્સ અથવા શૅરબજારમાં રોકાણ પર ખાતરીપૂર્વક/ગૅરન્ટીકૃત વળતર પ્રદાન કરી રહી છે

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર

રિચર્સ ઍનલિસ્ટના રજિસ્ટ્રેશન વિના રોકાણ/ટ્રેડિંગની ભલામણો કરવાની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાનું કહેવાતી ટેલિગ્રામ ચૅનલ પરની વધુ પાંચ સંસ્થાઓની એક યાદી બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) દ્વારા બહાર પાડવામાં આવી છે. આ સંસ્થાઓ રોકાણકારોને સિક્યૉરિટીઝ માર્કેટ ટિપ્સ અથવા શૅરબજારમાં રોકાણ પર ખાતરીપૂર્વક/ગૅરન્ટીકૃત વળતર પ્રદાન કરી રહી છે અથવા રોકાણકારોને તેમનો લૉગ-ઇન આઇડી/પાસવર્ડ શૅર કરવાનું કહીને તેમના ટ્રેડિંગ-અકાઉન્ટ્સ હૅન્ડલ કરવાની ઑફર કરી રહી છે.

આ પાંચ હસ્તીઓમાં વિજય વેલ્થ ઍૅડ્વાઇઝર, બાદશાહ બ્રોકિંગ, બાદશાહ બ્રોકિંગ બાદશાહ, પંકજ ભારદ્વાજ વેટુલાભ ટીએમ અને પંકજ ભારદ્વાજ વેટુલાભનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ/હસ્તીઓ BSE લિમિટેડના કોઈ પણ રજિસ્ટર્ડ સભ્ય નથી કે નથી રજિસ્ટર્ડ મેમ્બરની અધિકૃત વ્યક્તિ.

આ ઉપરાંત BSEએ જાહેર કર્યું છે કે એલિગન્ટ ફ્લોરિકલ્ચર ઍન્ડ ઍગ્રોટેક ઇન્ડિયા લિમિટેડ (સ્ક્રિપ કોડ 526473) સંબંધિત અવાંચ્છનીય સંદેશાઓ ફરી રહ્યા છે એની જાળમાં રોકાણકારો ન લપેટાય. રોકાણકારોને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ જેમ કે યુટ્યુબ, ટેલિગ્રામ ચૅનલો, વૉટ્સઍપ ચૅનલો, ઇન્સ્ટાગ્રામ, ઍક્સ વગેરે દ્વારા સિક્યૉરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ કરવાથી ઊંચા/ખાતરીપૂર્વકના વળતરના દાવાઓમાં ફસાઈ જવા સામે પણ ચેતવણી આપવામાં આવી છે.

bombay stock exchange crime news cyber crime mumbai crime news whatsapp instagram facebook youtube share market stock market business news social media