મોંઘવારી ઘટતાં બૉન્ડના યીલ્ડમાં ૩૨ મહિનાનો સૌથી મોટો માસિક ઘટાડો

01 December, 2022 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવેમ્બર મહિનામાં યીલ્ડમાં ૧૬ પૈસાનો ઘટાડો જોવા મળ્યો

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સરકારી બૉન્ડ યીલ્ડમાં નવેમ્બર મહિનામાં મામૂલી ઘટાડો થયો છે, પરંતુ આ ઘટાડો છેલ્લા ૩૨ મહિનાની સૌથી મોટો માસિક ઘટાડો છે. ખાસ કરીને મોંઘવારી દરમાં ઘટાડો અને અમેરિકામાં પણ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે વ્યાજદરમાં આક્રમક રીતે વધારો કરવામાં આવ્યો હોવાથી એની અસર યીલ્ડ પર જોવા મળી હતી.

ભારતીય ૧૦ વર્ષીય સરકારી બૉન્ડનું યીલ્ડ બુધવારે ૭.૨૭૯૮ ટકા હતું, જે એક મહિના દરમ્યાન ૧૬ બેસિસ પૉઇન્ટ જેટલું ઘટ્યું હતું, જે માર્ચ ૨૦૨૦ બાદનો સૌથી વધુ માસિક ઘટાડો હતો. અમેરિકાના ૧૦ વર્ષીય બૉન્ડનું યીલ્ડ ૩૫ બેસિસ પૉઇન્ટ ઘટ્યું હતું.

ભારતીય બેન્ચમાર્ક યીલ્ડનું બૉન્ડ છેલ્લા ત્રણ મહિનામાં પહેલી વાર ઘટ્યું છે. સપ્ટેમ્બરમાં ૨૧ બેસિસ પૉઇન્ટનો વધારો અને ઑક્ટોબરમાં પાંચ બેસિસ પૉઇન્ટનો વધારો થયો હતો.

આઇસીઆઇસીઆઇ સિક્યૉરિટીઝ પ્રાઇમરી ડિલરશિપના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બજારના સહભાગીઓ બીજા ૫૦ બેસિસ પૉઇન્ટના વ્યાજદર વધારા વિશે બિલકુલ ચિંતિત નથી અને ફુગાવામાં ઘટાડો થયા બાદ પરિસ્થિતિ બદલાય છે. ટ્રેડરો યીલ્ડ ૭.૨૫થી ૭.૨૬ ટકાના સ્તરને તોડે એવી ધારણા રાખી રહ્યા છે.

business news inflation