બિટકૉઇન ૧.૨૩ લાખ ડૉલરની નવી સપાટી અડીને આવ્યો : ગયા સપ્તાહમાં થઈ ૪૭૦૨ બિટકૉઇનની ખરીદી

16 July, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇથેરિયમ ૧.૫૮ ટકા વધીને ૩૦૩૯ ડૉલર અને એક્સઆરપી ૫.૫૫ ટકાની વૃદ્ધિ સાથે ૨.૯૭ ડૉલર થયો છે. સોલાનામાં ૨.૪૦, ડોઝકૉઇનમાં ૧.૬૩ અને કાર્ડાનોમાં ૧.૪૫ ટકા વધારો નોંધાયો છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકામાં એક બાજુ સંસદસભ્યો સોમવારથી શરૂ થયેલા ક્રિપ્ટો વીક દરમ્યાન ક્રિપ્ટોકરન્સીને લગતા ત્રણ મહત્ત્વપૂર્ણ ખરડા વિશે ચર્ચા કરવાના છે ત્યારે બિટકૉઇન નવી-નવી ઊંચી સપાટીએ જઈ રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે આ મુખ્ય ક્રિપ્ટોકૉઇનનો ભાવ ૨.૩૪ ટકા વધીને ૧,૨૧,૨૨૪ ડૉલર પહોંચી ગયો છે. ૨૪ કલાકના ગાળામાં આ કૉઇન ૧.૨૩ લાખને અડીને આવ્યો હતો. આ જ રીતે કુલ માર્કેટકૅપમાં ૨.૫૭ ટકા વધારો થઈને આંકડો ૩.૭૯ ટ્રિલ્યન ડૉલર થઈ ગયો છે. ઇથેરિયમ ૧.૫૮ ટકા વધીને ૩૦૩૯ ડૉલર અને એક્સઆરપી ૫.૫૫ ટકાની વૃદ્ધિ સાથે ૨.૯૭ ડૉલર થયો છે. સોલાનામાં ૨.૪૦, ડોઝકૉઇનમાં ૧.૬૩ અને કાર્ડાનોમાં ૧.૪૫ ટકા વધારો નોંધાયો છે.

બિટકૉઇનમાં સંસ્થાકીય લેવાલી યથાવત્ રહી છે. સાથે જ બિટકૉઇન ઈટીએફમાં રોકાણકારોનાં નાણાંનો પ્રવાહ અવિરત વહી અને વધી રહ્યો છે. ગયા એપ્રિલથી અત્યાર સુધીમાં આવેલું કુલ રોકાણ પચાસ અબજ ડૉલર થઈ ગયું છે. આ જ રીતે ગયા સપ્તાહમાં વિવિધ કંપનીઓએ ૪૭૦૨ બિટકૉઇનની ખરીદી કરી હતી જેનું મૂલ્ય ૫૫૪ મિલ્યન ડૉલર હતું. એકલી મેટાપ્લાનેટ કંપનીએ ૭૯૭ બિટકૉઇન ખરીદ્યા હતા. અત્યારે આ કંપની ઉત્તર અમેરિકાની બહાર સૌથી વધુ બિટકૉઇન ધરાવનાર કંપની છે. અમેરિકામાં ડૉલર ઘટવાની સ્થિતિમાં બિટકૉઇનને મજબૂતી મળી રહી છે.  

અહીં જણાવવું રહ્યું કે વર્ષ ૨૦૨૪માં બિટકૉઇનનો ભાવ બમણો થઈ ગયો હતો અને વર્તમાન વર્ષમાં એમાં ૩૧ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. બિટકૉઇનની જેમ ઇથેરિયમ, સોલાના અને સુઈ એ ત્રણે કૉઇનના ઈટીએફમાં પણ રોકાણ વધી રહ્યું છે.

crypto currency bitcoin business news share market stock market united states of america mutual fund investment