08 April, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – બિટમેક્સના સહ-સ્થાપક આર્થર હાયેસનું કહેવું છે કે ડોનલ્ડ ટ્રમ્પે લીધેલા ટૅરિફ લાદવાના નિર્ણયનો આખરે બિટકૉઇનને ફાયદો થશે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ – ઍક્સ પરની પોસ્ટમાં તેમણે કહ્યું છે કે આ પગલાથી વૈશ્વિક સ્તરે નાણાકીય અસંતુલન દૂર થશે અને બિટકૉઇનના ભાવમાં વૃદ્ધિ થવાની શક્યતા વધી જશે. આવી નીતિને લીધે ચલણી નોટ વધુ પ્રમાણમાં બહાર પાડવામાં આવશે, જેને પગલે ડૉલર નબળો પડશે અને બિટકૉઇન માટે લાભદાયક સ્થિતિ હશે. જ્યારે અમેરિકન ડૉલરનું મૂલ્ય ઘટે ત્યારે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અમેરિકન સ્ટૉક્સમાંથી રોકાણ પાછું ખેંચી લેતા હોય છે. એવામાં બિટકૉઇન અને સોના જેવી વૈકલ્પિક ઍસેટ્સના ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે. જાણકારોના મતે ટૅરિફ લાદવાના આ પગલા બાદ હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે, જેનાથી પ્રવાહિતા વધશે અને બિટકૉઇન જેવી ઍસેટ રોકાણકારોને વધુ આકર્ષક જણાશે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સાંજે પૂરા થયેલા ૨૪ કલાકના ગાળામાં નોંધપાત્ર સુધારો થયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૨૮ ટકા વધીને ૨.૬૭ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનના ભાવમાં ૧.૮૮ ટકાનો વધારો થઈને ભાવ ૮૩,૩૪૮ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૨.૨૭ ટકા, બીએનબીમાં ૨.૦૯ ટકા, સોલાનામાં ૫.૮૭ અને એક્સઆરપીમાં ૭.૬૩ ટકાનો વધારો થયો હતો.