બિટકૉઇન તેજી બાદ થાક્યો : ઑલ્ટકૉઇનમાં સટ્ટાકીય વલણ

26 July, 2025 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑલ્ટકૉઇનમાં હવે ૭ જુલાઈથી વલણ બદલાયું છે અને ઇથેરિયમ વધ્યો છે. પાછલાં બે સપ્તાહમાં ઑલ્ટકૉઇનનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૧૬ અબજ ડૉલર વધ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

જુલાઈ મહિનામાં બિટકૉઇન તેજી કરીને હવે થાક્યો હોય એમ એનો ભાવ ૧.૧૮ લાખ ડૉલરની આસપાસ જ ચાલી રહ્યો છે. બીજી બાજુ ઑલ્ટરનેટિવ કૉઇન એટલે કે ઑલ્ટકૉઇનમાં મજબૂતી જોવા મળી રહી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ ક્ષેત્રે વધેલા ઓપન ઇન્ટરેસ્ટ સટ્ટાકીય વલણ દેખાડી રહ્યા છે.

આ મહિને બિટકૉઇન ૧,૦૫,૪૦૦ની સપાટીથી ૧,૨૨,૭૦૦ સુધી વધ્યો હતો, જેને પગલે એનું માર્કેટ કૅપિટલાઇઝેશન એક ટ્રિલ્યન ડૉલરને પાર કરી ગયું હતું. ઑલ્ટકૉઇનમાં હવે ૭ જુલાઈથી વલણ બદલાયું છે અને ઇથેરિયમ વધ્યો છે. પાછલાં બે સપ્તાહમાં ઑલ્ટકૉઇનનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૧૬ અબજ ડૉલર વધ્યું છે. આ આંકડો અમેરિકન ડૉલરના મૂલ્યની દૃષ્ટિએ સર્વોચ્ચ કહી શકાય એટલો છે. જાણકારો કહે છે કે ઑલ્ટકૉઇન અને બિટકૉઇનના ભાવ વચ્ચેનો સંબંધ હવે ઘટ્યો છે. ગ્લાસનોડ નામની વિશ્લેષક સંસ્થાના અહેવાલ અનુસાર ઇથેરિયમ, સોલાના, એક્સઆરપી અને ડોઝકૉઇનમાં વર્તમાન મહિનામાં ઓપન ઇન્ટરેસ્ટ ૨૬ અબજ ડૉલરથી વધીને ૪૪ અબજ ડૉલર થઈ ગયું છે.

સ્પૉટ ભાવની દૃષ્ટિએ જોઈએ તો ઇથેરિયમમાં ૨૪ કલાકના ગાળામાં ૨.૭૯ ટકા અને એક્સઆરપીમાં ૬ ટકા ઘટાડો થઈને ભાવ અનુક્રમે ૩૬૧૬ અને ૩.૩૦ ડૉલર થયા છે. સોલાનામાં ૫.૭૮ ટકાના ઘટાડા સાથે ભાવ ૧૯૧.૪૭ ડૉલર પર પહોંચ્યો છે.

bitcoin crypto currency business news share market stock market