બિટકૉઇનમાં ફરી નવી સર્વોચ્ચ સપાટી નોંધાઈઃ અવાલાંશના અવાક્સ કૉઇનમાં પણ તેજી

26 May, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંસ્થાકીય અને રીટેલ બન્ને પ્રકારના રોકાણકારોએ ફ્યુચર્સ ટ્રેડિંગમાં મોટા પાયે ભાગ લીધો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇન સહિતની જાણીતી ક્રિપ્ટોકરન્સીના ભાવમાં બુધવાર બાદ ગુરુવારે પણ વૃદ્ધિ જળવાઈ રહી હતી. બિટકૉઇનનો ભાવ ૧.૧૦ લાખ ડૉલર કરતાં વધી જવાની ધારણા બાદ હવે એમાં ૧,૧૧,૨૨૦ ડૉલરની નવી સપાટી આવી ગઈ છે. આ ઉપરાંત, અવાલાંશના નેટિવ ટોકન અવાક્સમાં પણ તેજી જોવા મળી છે.

બિટકૉઇન ફ્યુચર્સમાં તીવ્ર વધારો નોંધાયો છે. તમામ એક્સચેન્જો મળીને એમાં કુલ ઓપન ઇન્ટરેસ્ટ ૮૦.૯૧ અબજ ડૉલર થઈ ગયો છે, જે સર્વોચ્ચ આંકડો છે. ૨૧મીની તુલનાએ બાવીસમી મેના રોજ ઓપન ઇન્ટરેસ્ટમાં ૬.૬૬ અબજ ડૉલરની વૃદ્ધિ થઈ છે. સંસ્થાકીય અને રીટેલ બન્ને પ્રકારના રોકાણકારોએ ફ્યુચર્સ ટ્રેડિંગમાં મોટા પાયે ભાગ લીધો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

અવાક્સની વાત કરીએ તો એમાં પણ સંસ્થાકીય રોકાણકારોની રુચિ વધી છે. ફુટબૉલની ટોચની સંસ્થા ફિફાએ અવાલાંશની મદદથી પોતાની બ્લૉકચેઇન વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ સહકારની સત્તાવાર જાહેરાત થવાને પગલે અવાક્સના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. આ લખાઈ રહ્યું છે એ સમયે અવાક્સ (અવાલાંશ) ૧૧ ટકા વધીને ૨૫.૨૨ ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
દરમ્યાન, ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૩.૨૮ ટકા વધીને ૩.૪૯ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું હતું. ઇથેરિયમમાં ૪.૫૨ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૨૬૬૪ ડૉલર પર પહોંચ્યો હતો. એક્સઆરપીમાં ૨.૩૫ ટકા, બીએનબીમાં ૪.૫૨, સોલાનામાં ૫,૨૧ અને કાર્ડાનોમાં ૬.૨૪ ટકા વધારો થયો હતો.

business news bitcoin crypto currency