21 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકૉઇનમાં સર્વોચ્ચ સપાટીએથી ઘટાડો થયો છે એવામાં ઇથેરિયમ અને એક્સઆરપી નવી ને નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. હાલમાં એક્સઆરપી ૩.૬૬ ડૉલરની સર્વોચ્ચ સપાટીને અડીને આવ્યો છે. અમેરિકામાં પસાર થયેલા જિનિયસ ઍક્ટને પગલે હવે ત્યાં ક્રિપ્ટોકરન્સીનું વધુ સારી રીતે નિયમન થશે તથા એક્સઆરપીમાં ફ્યુચર્સ ઈટીએફ પણ આવી રહ્યું છે.
આમ એક્સઆરપીની વૃદ્ધિ માટે સાનુકૂળ વાતાવરણ છે. ઇથેરિયમમાં પણ તેજી દેખાઈ રહી છે. એમાં કંપનીઓએ લીધેલી રુચિ તથા ઇથેરિયમ ઈટીએફમાં મોટા પાયે આવેલું રોકાણ એ બે મોટાં પરિબળો છે. ઇથેરિયમ સ્ટેબલકૉઇન ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારો કૉઇન હોવાથી એની વૃદ્ધિ આગળ વધી શકે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ચાર ટ્રિલ્યન ડૉલરના આંકને અડીને આવ્યા બાદ ૩.૮૫ ટ્રિલ્યન ડૉલર ચાલી રહ્યું છે. બિટકૉઇનનો ભાવ ૦.૭૮ ટકા ઘટીને ૧,૧૭,૮૬૫ ડૉલર છે, જ્યારે ઇથેરિયમ લગભગ ચાર ટકા વધીને ૩૫૫૩ ડૉલર અને એક્સઆરપી લગભગ ૪.૫ ટકા વધીને ૩.૩૭ ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.