તોફાની વધ-ઘટના નવા ટ્રેન્ડ સાથે શૅરબજાર વધવાના વાયરામાં

06 December, 2024 07:58 AM IST  |  Mumbai | Anil Patel

ટ્રમ્પના વિજય પછી લાખેણો થાઉં થાઉં કરતો બિટકૉઇન છેવટે લાખ ડૉલરના માઇલ સ્ટોનને સર કરવામાં સફળ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

મે ૨૦૧૦માં ડિજિટલ કરન્સી મારફત થયેલી પ્રથમ ખરીદીમાં પાપાજૉન્સના બે પીત્ઝાના ૧૦ હજાર બિટકૉઇન ચૂકવાયા હતા, આજે એક બિટકૉઇન લાખ ડૉલરનો થઈ ગયો, આવતા વર્ષે બે લાખ ડૉલર અને ૫-૭ વર્ષમાં ૧૦ લાખ ડૉલરે જવાની આગાહી : પાકિસ્તાની શૅરબજાર ૩૦૦૦ પૉઇન્ટથી વધુની તેજીમાં ૧.૦૮ લાખ પૉઇન્ટની પાર : ઇન્દ્રપ્રસ્થ ગૅસ બોનસ માટે બોર્ડ મીટિંગના કરન્ટમાં સાડાછ ટકા ઊંચકાઈ : અદાણી ગ્રુપના શૅર મિશ્ર વલણમાં, NTPC ગ્રીનમાં નરમાઈ : BSE લિમિટેડ સવાછસ્સો રૂપિયાની છલાંગ મારી નવા શિખરે : ૬૩ મૂન્સમાં નવી મલ્ટિયર ટૉપ યથાવત્, ઝોમાટો ઑલટાઇમ હાઈ

ટ્રમ્પના વિજય પછી લાખેણો થાઉં થાઉં કરતો બિટકૉઇન છેવટે લાખ ડૉલરના માઇલ સ્ટોનને સર કરવામાં સફળ થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૯૪૬૯૧ ડૉલરની નીચી સપાટીથી ઊછળી ૧૦૩૭૧૪ ડૉલર નજીકની ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં ૩.૭ ટકા વધી ૧૦૨૩૪૫ ડૉલર રહ્યો છે. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ પોણાચાર ટકા વધી ૩.૭૦ લાખ કરોડ ડૉલર નજીક આવી ગયું છે. એમાં બિટકૉઇનનો હિસ્સો ૨.૦૪ લાખ કરોડ ડૉલરનો છે. ૨૦૨૪ના કૅલેન્ડર વર્ષમાં ૧૪૪ ટકા તથા છેલ્લા એક મહિનામાં ૫૦ ટકા વધી ગયેલો બિટકૉઇન હવે ક્યાં જશે? ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બર્નસ્ટેનનાં અહેવાલ કહે છે કે બિટકૉઇન ૨૦૨૫માં બે લાખ કરોડ, ૨૦૨૯માં પાંચ લાખ ડૉલર અને ૨૦૩૩ સુધીમાં દસ લાખ ડૉલરનો ભાવ બતાવશે. મજાની વાત એ છે કે આજથી સાડાચૌદ વર્ષ પહેલાં, મે ૨૦૧૦માં લેસ્લે હાન્યે નામના એક ક્રિપ્ટો કરન્સીના હિમાયતીએ પાપાજૉન્સની એક ફૂડ ચેઇન રેસ્ટોરાંમાં બે પીત્ઝા ખરીદવા પ્રથમ વાર બિટકૉઇનનો ઉપયોગ કર્યો હતો અને ત્યારે તેણે આ બે પીત્ઝા માટે ૧૦,૦૦૦ બિટકૉઇન ચૂકવ્યા હતા એ સમયે આ ૧૦,૦૦૦ બિટકૉઇનની માર્કેટ-વૅલ્યુ આશરે ૪૦ ડૉલર જેવી હતી. ડિજિટલ કરન્સી મારફત થયેલો આ ઇતિહાસનો પ્રથમ સોદો કે ખરીદી હતી. આજના ભાવે લાખ ડૉલરના એક બિટકૉઇન પ્રમાણે બે પીત્ઝા માટે ચૂકવાયેલા ૧૦,૦૦૦ ડૉલરની ડીલ એ માનવજાતિના સમગ્ર ઇતિહાસનું સૌથી મોંઘું ડિનર બની જાય છે. દરમ્યાન આર્ક ઇન્વેસ્ટમેન્ટવાળી કેથી વુડ માને છે કે નૉર્મલ સંજોગોમાં બિટકૉઇન ૨૦૩૦માં ૬.૮૨ લાખ ડૉલરે જોવા મળશે. બેર કેસ એટલે કે પ્રતિકૂળ કે મંદીનો ટ્રેન્ડ કામે લાગે તો એ વખતે બિટકૉઇન ૨.૫૮ લાખ ડૉલર પર અવશ્ય હશે અને તેજીનો ટ્રેન્ડ ચાલે તો બિટકૉઇન ત્યારે ૧૪.૮૦ લાખ ડૉલરે જોવા મળશે. ભારતીય ચલણમાં
બિટકૉઇન ૮૦ લાખ રૂપિયાના બેસ્ટ લેવલે જઈ રનિંગમાં ૭૭.૬૦ લાખ દેખાયો છે.

બિટકૉઇન સામે લાખેણા થવાની રેસમાં બાજી મારી ગયેલું પાકિસ્તાની શૅરબજાર તેજીની ચાનક જાળવી રાખતાં ગુરુવારે ૧૦૮૩૪૬ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં ૩૧૯૨ પૉઇન્ટની આગેકૂચમાં ૧૦૮૨૯૬ જોવા મળ્યું છે. અમેરિકન શૅરબજારમાં બુધવારની મોડી રાતે ડાઉ ઇન્ડેક્સ ૪૫૦૭૩ની ઑલટાઇમ હાઈ બનાવી ૩૦૮ પૉઇન્ટ વધી ૪૫૦૧૪ તો નૅસ્ડૅક ઇન્ડેક્સ સવા ટકો વધી ૧૯૭૩૫ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. આર્જેન્ટીનાનો માર્વેલ ઇન્ડેક્સ ૨૩૨૬૯૫૮ની વિક્રમી સપાટી બાદ પોણાચાર ટકા કે ૮૭૭૧૨ પૉઇન્ટ બગડી ૨૨૧૬૨૭૮ હતો. ગુરુવારે બહુમતી એશિયન બજાર સુધર્યાં હતાં, પણ મહત્તમ સુધારો અડધા ટકાએ સીમિત હતો. સામે હૉન્ગકૉગ અને સાઉથ કોરિયા એક ટકા નજીક નરમ હતા. થાઇલૅન્ડ રજામાં હતું. યુરોપ ર‌નિંગમાં નહીંવતથી અડધા ટકા નજીક પ્લસ દેખાયું છે. ઓપેક પ્લસની ઑન-લાઇન મીટિંગ પૂર્વે બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડૉલર નજીક હતું.

૬૩ મૂન્સ પોણાપાંચ વર્ષમાં ૪૪ના તળિયેથી ૭૬૭ના શિખરે

ટિકર લિમિટેડ માટે પ્રાઇવેટ પ્લેસમેન્ટથી ૧૪૬ કરોડનું ભંડોળ ઊભું કરવામાં મળેલી સફળતા પછી ૬૩ મૂન્સમાં તેજીનો નવો દોર શરૂ થયો લાગે છે. ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ગઈ કાલે ૭૬૭ નજીક નવી મલ્ટિયર ટોચે બંધ થયો છે. આ શૅર ત્રણ મહિનામાં ૯૩ ટકા અને ત્રણ વર્ષમાં ૫૨૯ ટકા વધી ગયો છે. કોવિડકાળમાં દેશવ્યાપી લૉકડાઉન જાહેર થયું ત્યારે માર્ચ ૨૦૨૦માં શૅર ૪૪ રૂપિયાના તળિયે દેખાયો હતો. જાણકારો અહીં ટૂંકમાં ચાર આંકડાનો ભાવ લાવ્યા છે.

જેફરીઝ તરફથી ઑક્ટોબરમાં ૩૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ અફળાયો હતો એ BSE લિમિટેડ ઘટવાને બદલે વધ-ઘટે સુધારાતરફી ચાલમાં રહ્યો છે. ભાવ ગઈ કાલે તો ૫૨૫૦ના બેસ્ટ લેવલે જઈ સાડાતેર ટકા કે ૬૨૩ની તેજીમાં ૫૧૯૫ બંધ આવ્યો છે. જેફરીઝવાળા હવે શું કરશે? BSEની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ અર્થાત્ CDSL પણ ૧૯૬૫ના શિખરે જઈ આઠ ટકાના ઉછાળે ૧૮૫૬ બંધ હતો. ઝોમાટો ૩૦૪ ઉપર નવી ઑલટાઇમ હાઈ નોંધાવી સાડાચાર ટકા ઊંચકાઈ ૨૯૯ વટાવી ગઈ છે. સ્વિગી પણ ૫૭૭ નજીકની નવી ઊંચી સપાટી હાંસલ કરી ચાર ટકાની મજબૂતીમાં ૫૪૦ નજીક ગઈ છે.

NTPC ગ્રીન એનર્જી તાજેતરના બુલરન બાદ થાકોડો ખાવાના મૂડમાં સાડાચાર ટકા ઘટી ૧૪૧ હતી. નિવાબુપા હેલ્થકૅર બે દિવસના તગડા જમ્પ બાદ ૧૦૯ની વિક્રમી સપાટી બતાવી દોઢ ટકાના સુધારે ૧૦૦ નજીક પહોંચી છે. સોલર એનર્જી કૉર્પોરેશને અનિલ અંબાણીની રિલાયન્સ પાવર પર મૂકેલા ત્રણ વર્ષના પ્રતિબંધને એકાએક ત્રણ મહિનામાં રદ કરી દેતાં રિલાયન્સ પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટ આગળ વધારતાં ૪૩ વટાવી ગયો છે. રિલાયન્સ ઇન્ફ્રા ત્રણ ટકા વધી હતી. અદાણીના ૧૧માંથી ૬ શૅર વધ્યા છે. સુધારો અડધાથી સવા ટકા જેવો હતો. અદાણી ગ્રીન અઢી ટકા નરમ હતી. ઇન્દ્રપ્રસ્થ ગૅસમાં બોનસ માટે ૧૦મીએ બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં ભાવ સવાચાર ગણા વૉલ્યુમે સાડાછ ટકા વધી ૩૮૩ થયો છે. મહાનગર ગૅસ પોણાત્રણ ટકા અને ગુજરાત ગૅસ એક ટકો અપ હતી.

અમદાવાદી કોડે ટેક્નૉલૅબ આજે એક્સ-બોનસ થશે

અગરવાલ ટફન્ડ ગ્લાસ ૧૦૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે છેલ્લે બોલાતા ૧૮ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૩૫ ખૂલી ૧૪૨ નજીક બંધ થતાં ૩૧.૩ ટકાનો બહેતર લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે. સુરક્ષા ડાયગ્નોસ્ટિક અને ગણેશ ઇન્ફ્રાવર્લ્ડનું લિસ્ટિંગ આજે છે. સુરક્ષામાં પ‍્રીમિયમ સુધરીને ૧૩ તો ગણેશમાં એ વધીને ૭૮નું થયું છે. સાઉથની એમરલ્ડ ટાયર ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવથી ૪૯૨૬ લાખનો SME ઇશ્યુ લાવી છે એ પ્રથમ દિવસે જ ૪૩.૭ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળી ૭૫ બોલાવા માંડ્યું છે. મુંબઈના વરલીની નિસસ ફાઇનૅન્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૦ના ભાવનો ૧૧૪ કરોડ

પ્લસનો SME IPO આજે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં ૨૦.૩ ગણું ભરાઈ ગયું છે. પ્રીમિયમ વધીને ૬૫ થયું છે.

તાજેતરમાં લિસ્ટેડ થયેલી રાજેશ પાવર પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૭૭૩, રાજપૂતાના બાયોડીઝલ ઉપલી સર્કિટમાં ૨૮૬, સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટ ચાલુ રાખી ૪૯૭ની નવી વિક્રમી સપાટીએ બંધ રહી છે. આભા પાવર તથા ઍપેક્સ ઇકોટેકમાં ૫-૫ ટકાની મંદીની સર્કિટ લાગી હતી. ઝિન્કા લૉજિસ્ટિક્સ સાડાત્રણ ટકા ઘટી ૩૪૮, તો એન્વીરો
ઇન્ફ્રા અઢી ટકા ઘટી ૨૫૨ હતી. લેમોસેક ઇન્ડિયા નીચલી સર્કિટની હારમાળામાં પાંચ ટકા તૂટી ૧૪૦ના નવા તળિયે પહોંચી છે.

કોડે ટેક્નૉલૅબ શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. ભાવ બે ટકાની ઉપલી સર્કિટમાં ૩૨૪૦ નજીક બંધ રહ્યો છે. આ અમદાવાદી કંપનીનો SME IPO ૧૦ના શૅરદીઠ ૧૬૦ના ભાવે મિડ સપ્ટેમ્બર ૨૦૨૩માં આવ્યો હતો. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ લિસ્ટિંગમાં ભાવ ૧૭૮ બંધ થયો હતો. શૅર સતત વધતો રહી જુલાઈ ૨૦૨૪માં ૪૧૭૫ના શિખરે ગયો હતો.

HDFC બૅન્ક તથા વિપ્રો નવા બેસ્ટ લેવલ સાથે વધ્યા

ટીસીએસ ૨.૪ ટકા અને ઇન્ફોસિસ ૨.૩ ટકા વધી મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બની બજારને ૨૨૭ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. ICICI બૅન્ક દોઢ ટકો વધી ૧૩૩૬ના બંધમાં ૧૨૮ પૉઇન્ટ ફળી હતી. તાજેતરની નરમાઈ બાદ ભારતી ઍરટેલ બે ટકા બાઉન્સબૅક થઈ ૧૬૧૫ બંધ રહી છે. ટાઇટન સવાબે ટકા ઝળકી હતી. ટ્રેન્ટ તથા ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા પ્લસ થઈ મજબૂત બન્યા છે. વિપ્રો ૩૦૧ના શિખરે જઈ પોણાબે ટકા વધી ૨૯૯ ઉપર બંધ આવી છે. હિન્દાલ્કો, મહિન્દ્રા, HCL ટેક્નૉ, અલ્ટ્રાટેક, ટેક મહિન્દ્ર, બજાજ ફાઇનૅન્સ સવાથી દોઢ ટકો પ્લસ હતી. રિલાયન્સ એક ટકા નજીકના સુધારે ૧૩૨૧ વટાવી ગઈ છે. HDFC બૅન્ક ૧૮૭૯ના નવા બેસ્ટ લેવલ બાદ સામાન્ય સુધરી ૧૮૬૪ નજીક રહી હતી. સેન્સેક્સ ખાતે NTPC એક ટકાના ઘટાડે તો નિફ્ટીમાં SBI લાઇફ દોઢ ટકા નજીકની નબળાઈ દાખવી ટૉપ લૂઝ બન્યો છે. બજાજ ઑટો સવા ટકા નજીક કે ૧૦૭ રૂપિયા કટ થયો છે.

મહારાષ્ટ્ર સીમલેસ સરેરાશ ૧૫૦૦૦ના વૉલ્યુમ સામે ગઈ કાલે ૬ લાખ શૅરના જંગી કામકાજમાં ૭૬૯ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી સવાઅગિયાર ટકાની તેજીમાં ૭૪૧ બંધ આપી એ-ગ્રુપમાં ઝળક્યો હતો. ત્રિવેણી એન્જિનિયરિંગ સવાનવ ટકા, કલ્પતરુ પ્રોજેક્ટસ સાડાસાત ટકા તથા ઍક્શન કન્સ્ટ્રક્શન સાડાછ ટકા ઊંચકાયા હતા. ૨૧ નવેમ્બરથી શરૂ થયેલી રૅલીમાં ૪૬૨થી વધી ૬૦૯ થઈ ગયેલી ગ્રેફાઇટ ઇન્ડિયા બમણા કામકાજે સાડાછ ટકા બગડી ૫૬૯ના બંધમાં ગઈ કાલે એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે જોકે એની હરીફ HFG ઇન્ડિયા ૬૧૯ના શિખરે જઈ સાધારણ સુધારામાં ૫૮૩ વટાવી ગઈ હતી. જીનસ પાવર પાંચ ટકા અને રોલેક્સ રિંગ્સ ચાર ટકા બગડી હતી. શોભા લિમિટેડ સવા ટકો ઘટી ૧૬૭૫ બંધ હતી, પરંતુ એનો પાર્ટપેઇડ ચાર ટકા ખરડાઈ ૭૬૩ હતો. ફન્ડ રેઇઝિંગની યોજનામાં વોડાફોન બેતરફી વધ-ઘટ દાખવી છેવટે ચારેક ટકા કપાઈ ૮ ઉપર બંધ આવ્યો છે.

પાંચ દિવસની રિલીફ રૅલીમાં સેન્સેક્સ ૨૭૨૧ પૉઇન્ટ વધ્યો

ઑક્ટોબર અને નવેમ્બરમાં કુલ મળીને ૧.૬૦ લાખ કરોડના નેટ સેલિંગ બાદ FIIએ છેલ્લા ૩ દિવસમાં ૪ ડિસેમ્બર સુધી કુલ ૫૨૨૪ કરોડનું નેટ બાઇંગ કર્યું છે. શુક્રવારે રિઝર્વ બૅન્કની પૉલિસી જાહેર થવાની છે. નુમોરાવાળા માને છે કે રિઝર્વ બૅન્ક ૦.૨૫ ટકાનો રેટ કટ કરી સુખદ આશ્ચર્ય આપશે. બની શકે કે દાસને ત્રીજી ટર્મ માટે RBIના ગવર્નર થવું છે ભાઈ. સેન્સેક્સ આગલા બંધથી ૨૨૭ પૉઇન્ટ ઉપર, ૮૧૧૮૩ નજીક ખૂલી છેવટે ૮૦૯ પૉઇન્ટની આગેકૂચમાં ગુરુવારે ૮૧૭૬૬ બંધ થયો છે, નિફ્ટી ૨૪૧ પૉઇન્ટ વધીને ૨૪૭૦૮ હતો. ઇન્ટ્રા-ડેમાં આજકાલ જબરી ઊથલપાથલ શરૂ થઈ છે. શૅરઆંક પૉઝિટિવ ઓપનિંગ બાદ નીચામાં ૮૦૪૬૭ થયો હતો અને ત્યાંથી ૧૮૫૧ પૉઇન્ટ ઊછળી ૮૨૩૧૮ પૉઇન્ટ નજીક ગયો હતો. પ્રથમ સત્રની નરમાઈ બાદ ૧૨ વાગ્યા પછી ગણતરીની મિનિટમાં સેન્સેક્સ ખાસ્સો ૧૦૦૦ પૉઇન્ટ વધી પૉઝિટિવ ઝોનમાં આવી ગયો હતો. ત્યાર પછી સતત મજબૂતીમાં હતો. પોણાત્રણથી સવાત્રણના અડધા કલાક દરમ્યાન ૧૬૦૦ પૉઇન્ટની બેતરફી વધ-ઘટ દેખાઈ હતી.

રિયલ્ટીના નજીવા ઘટાડાને બાદ કરતાં બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ વધ્યાં છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડા વચ્ચે ૯ પૉઇન્ટ જેવો નજીવો નરમ હતો. સેન્સેક્સ નિફ્ટીની એક ટકાની આગેકૂચ સામે આઇટી ઇન્ડેક્સ પોણાબે ટકાથી વધુ કે ૭૯૧ પૉઇન્ટ અને એની પાછળ ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક બે ટકા નજીક ઊંચકાયો હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ એકાદ ટકો વધ્યો છે. બાકીના તમામ ઇન્ડાઇસિસ માર્કેટ અન્ડરપર્ફોર્મર હતા. સરવાળે માર્કેટ બ્રેડ્થની મજબૂતી સાંકડી બની છે. NSEમાં વધેલા ૧૪૮૩ શૅર સામે ૧૩૦૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૫૩ લાખ કરોડ રૂપિયા વધી ૪૫૮.૧૭ લાખ કરોડને વટાવી ગયું છે. સળંગ પાંચ દિવસના સુધારામાં સેન્સેક્સ ૨૭૨૧ પૉઇન્ટ જેવો વધ્યો છે. જેને લીધે રોકાણકારોને માર્કેટ કૅપની રીતે કુલ ૧૫.૧૯ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

business news bitcoin crypto currency share market stock market national stock exchange bombay stock exchange