25 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકૉઇન હવે કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યો છે. ઈલૉન મસ્કની કંપની સ્પેસએક્સે ૧૫૩ મિલ્યન ડૉલર મૂલ્યના બિટકૉઇન ત્રણ વર્ષનો સમય વીત્યા બાદ એક્સચેન્જમાં ખસેડ્યા એને પગલે બજારના સહભાગીઓ સાવધાન થઈ ગયા છે. મસ્ક હવે ક્રિપ્ટો બાબતે કયો વ્યૂહ અપનાવે છે એના પર લોકોની નજર છે. મંગળવારે બિટકૉઇન ૦.૫૦ ટકાના ઘટાડા સાથે ૧,૧૮,૩૩૨ ડૉલર ચાલી રહ્યો હતો, જ્યારે ઇથેરિયમમાં ૪.૫૮ ટકા ઘટાડો થઈને ભાવ ૩૬૫૭ ડૉલર થઈ ગયો છે.
૩.૦ ટીવી પર પ્રસારિત કૉઇન મૉનિટર અહેવાલ અનુસાર વિશ્લેષકો ટેસ્લાના બિટકૉઇન હોલ્ડિંગ પર બારીક નજર રાખી રહ્યા છે. મસ્કની આ કંપની બીજા ક્વૉર્ટરમાં પોતાના પોર્ટફોલિયોમાં કયો ફેરફાર કરે છે અને લાંબા ગાળાના મૂલ્યાંકન પર એની શું અસર થાય છે એના પર પણ નજર છે.
દરમ્યાન અમેરિકામાં સ્પૉટ બિટકૉઇન ઈટીએફમાંથી સોમવારે ૧૩૧.૪ મિલ્યન ડૉલરનો ઉપાડ થયો હતો જે નફો અંકે કરવાનું વલણ દર્શાવે છે. એની તુલનાએ ઇથેરિયમ ઈટીએફમાં ૨૯૬.૫ મિલ્યન ડૉલરનું રોકાણ આવ્યું છે.
એક અહેવાલ અનુસાર માઇકલ સેયલરની કંપની સ્ટ્રૅટેજીએ વધુ બિટકૉઇન ખરીદવાનું ચાલુ રાખ્યું છે. વધુ ૬૨૨૦ બિટકૉઇનની ખરીદી સાથે તેની પાસે હવે કુલ ૬,૦૭,૭૭૦ બિટકૉઇન થઈ ગયા છે.
મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૧.૧૫ ટકા ઘટીને ૩.૯૧ ટ્રિલ્યન ડૉલર થયું હતું. એક્સઆરપીમાં ૩.૭૩ ટકા અને ડોઝકૉઇનમાં ૬.૧૦ ટકા ઘટાડો થયો હતો.